નવસારી જિલ્લામાં દર વર્ષે ઉજવવામાં આવતાં ધાર્મિક તહેવારોની ઉજવણી દરમિયાના જુદા-જુદા દેવી-દેવતાઓની સ્થાપના કરવામાં આવે છે. આગામી સમયમાં ગણેશોત્સવની ઉજવણી કરવામાં આવનાર છે. ત્યારે ગણેશ ઉત્સવની ઉજવણી કેન્દ્રિય પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા પ્રસિધ્ધ કરવામાં આવેલ માર્ગદર્શિકા મુજબ થાય તથા નવસારી જિલ્લામાં પર્યાવરણને ઓછામાં ઓછુ નુકશાન થાય તે દિશામાં નવસારી જિલ્લા તંત્ર કાર્યવાહી કરી રહ્યું છે. આ બાબત આગામી ગણેશ ઉત્સવમાં સુનિશ્ચિત કરવા આજરોજ પ્રાંત અધિકારી ડૉ.જનમ ઠાકોરના અધ્યક્ષસ્થાને ગણેશ મંડળના આયોજકો અને મૂર્તિકારો સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઇ હતી.
બેઠકમાં પ્રાંત અધિકારી દ્વારા ગણેશ મંડળના આયોજકો અને મૂર્તિકારોને કેન્દ્રિય પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા પ્રસિધ્ધ કરવામાં આવેલ માર્ગદર્શિકા તથા નવસારી જિલ્લા મેજેસ્ટ્રેટ દ્વારા પ્રસિધ્ધ કરેલ જાહેરનામા અંગે વિગતવાર જાણકારી આપવામાં આવી હતી. જેમાં પર્યાવરણને નુકશાન થાય તેવા તત્વોનો ઉપયોગ ન કરવા તથા 09 ફુટથી વધારે મૂર્તી ન બનાવવા કે ન સ્થાપવા અંગે તાકીદ કર્યા હતા. પ્રાંત અધિકારી દ્વારા કડક શબ્દોમાં જણાવાયું હતું કે, કોઇ મૂર્તિકાર 09 ફુટથી વધારે ઉંચાઇની પ્રતિમા બનાવશે કે કોઇ આયોજકો 09 ફુટથી વધારે ઉંચાઇની પ્રતિમાની સ્થાપના કરશે તો તેઓ ઉપર જાહેરનામા ભંગ બદલ એફઆઇઆર કરી કાયદાકિય કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તેમણે સમગ્ર નવસારી જિલ્લામાં 09 ફુટથી વધારે ઉંચી ગણેશ પ્રતિમાને બનાવવા, લાવવા, સ્થાપના કરવા અને વિસર્જન કરવા ઉપર પ્રતિબંધ છે એમ તાકીદ કરી હતી.
તેમણે ઉપસ્થિત સૌને નવસારી જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા પ્રસિધ્ધ કરેલ જાહેરનામા અંગેની સુચનાઓ આપી હતી. જે અનુસાર પી.ઓ.પી. મૂર્તિઓ વિસર્જન સમયે, નદીઓ/તળાવના કિનારે રાખવી, નદી/તળાવમાં પધરાવવી નહી. તેમજ કૃત્રિમ તળાવો બનાવ્યા સિવાય વિસર્જન કરવું નહિ. આયોજકોએ 9 (નવ) ફૂટથી વધારે ઉંચાઇની ગણેશજીની પ્રતિમાની સ્થાપના કરવી નહિ એટલે કે વિસર્જન-સરઘસમાં સામેલ ગણેશજીની પ્રતિમાની કુલ ઉંચાઇ નવ ફૂટથી વધારે રાખવી નહિ. મૂર્તિઓની બનાવટમાં કુદરતી વસ્તુઓનો ધાર્મિક રીતે પ્રણાલીગત ચીકણી માટીનો ઉપયોગ કરવો. મૂર્તિઓની બનાવટમાં મૂર્તિઓ પાણીમાં સહેલાઇથી ઓગળી શકે તેવા બિનઝેરી કુદરતી રંગોનો જ ઉપયોગ કરવા તથા નવસારી જિલ્લા બહારથી મૂર્તિઓ લાવી વેચનાર મૂર્તિકારો/વેપારીઓને પણ આ તમામ નિયમો લાગુ પડશે જેની નોંધ લેવા પ્રાંત અધિકારી દ્વારા જણાવાયું હતું.
આ બેઠકમાં ડીવાયએસપી એસ.કે.રાય, નવસારી મામલતદાર વસાવા, ગણેશ મંડળના આયોજકો, સભ્યો, મૂર્તિકારો, સહિત નવસારી ગ્રામ્ય, ટાઉન, મરોલી, વિજલપોર અને જલાલપોરના પોલીસ સ્ટેશનના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.