કુશળ કારીગર પોતાની પ્રતિભાથી પ્રાપ્ત કરશે સ્વ-રોજગાર
લાભાર્થીઓને મળશે કૌશલ વિકાસની તાલીમ, ટુલકીટ અને પ્રમોશન સ્પોર્ટ
પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના પરંપરાગત હસ્તકલાના કારીગરો માટે આર્થિક આધારસ્તંભ છે. શિલ્પકાર, સુથાર, લુહાર, કુંભાર વગેરે જેવા પરંપરાગત વ્યવસાયને નવી પેઢીઓએ અપનાવી લીધી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આવા પરિવારોની ચિંતા કરીને પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના અમલમાં મુકી છે.
રાજ્ય સહિત નર્મદા જિલ્લાના પરંપરાગત વ્યવસાય સાથે સંકળાયેલા કુટુંબો તેમજ કારીગરોને પીએમ વિશ્વકર્મા યોજનાથી લાભાન્વિત કરવા માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી રાજ્ય સરકારે સુદ્રઢ પ્રતિબધ્ધતા દર્શાવી છે.
લુહાર, કુંભાર, મોચીકામ, રમકડાં બનાવનાર, ધોબી, દરજી, તાળા બનાવનાર, સુથાર, બોર્ડ બનાવનાર, સોનાર, માછલીની જાડી બનાવવા સહિતના વ્યવસાય સાથે સંકળાયેલા કારીગરો માટે સ્વરોજગારના નવા દ્વાર ખુલશે. આ યોજનાનો આશય તાલીમ થકી કારીગરોની કુશળતાને વધુ નિખાર આપવા સહિત આધુનિક સાધન-સહાય ઉપલબ્ધ કરાવવાનો છે. જેથી કુશળ કારીગર પોતાની પ્રતિભાથી સ્વ-રોજગાર પ્રાપ્ત કરી શકે છે.
પરંપરાગત શિલ્પકારો અને કારીગરોને સહાયતા માટેની આ કેન્દ્રીય યોજનાનું બજેટ ૧૩ હજાર કરોડનું છે. આ યોજનાના લાભાર્થીઓને માત્ર ૫ ટકાના દરે પ્રથમ ચરણમાં રૂ. ૧ લાખ અને બીજા ચરણમાં રૂ. ૨ લાખ સુધીની મદદ મળે છે. જેમાં લાભાર્થીઓને કૌશલ વિકાસની તાલીમ, ટુલકીટ તેમજ વ્યવસાયના પ્રચાર માટે મદદ મળી રહે છે.
રિપોર્ટર-શૈશવ રાવ (નર્મદા)