ધ મોદી ક્વેશ્ચન’ ડોક્યુમેન્ટ્રી બાદ દેશમાં રાજકીય ખળભળાટ મચી ગયો હતો. તેના પર પ્રતિબંધ પણ મુકવામાં આવ્યો હતો. હવે દિલ્હી હાઈકોર્ટે આ મામલે BBCને નોટિસ મોકલી છે. દિલ્હી હાઈકોર્ટે સોમવારે (22 મે) બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન (BBC) ને બિન-સરકારી સંસ્થા (NGO) દ્વારા દાખલ કરવામાં આવેલા માનહાનિના કેસમાં નોટિસ જારી કરી હતી. દાવો કરવામાં આવ્યો છે કે તેમની ડોક્યુમેન્ટ્રીમાં ભારત, ન્યાયતંત્ર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચ્યું છે.
જસ્ટિસ સચિન દત્તાએ બીબીસી (યુકે) તેમજ બીબીસી (ભારત)ને નોટિસ પાઠવી હતી અને તેમને ગુજરાત સ્થિત એનજીઓ ‘જસ્ટિસ ફોર ટ્રાયલ’ દ્વારા દાખલ કરાયેલા કેસનો જવાબ આપવા જણાવ્યું હતું. એનજીઓ તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ હરીશ સાલ્વેએ કહ્યું કે ડોક્યુમેન્ટ્રીમાં વડાપ્રધાન પર ખોટા આરોપો લગાવવામાં આવ્યા છે.
અગાઉ 3 મેના રોજ દિલ્હીની એક જિલ્લા અદાલતે બીજેપી નેતા બિનય કુમાર સિંહ દ્વારા દાખલ કરવામાં આવેલા માનહાનિના કેસમાં બીબીસી, વિકિમીડિયા અને ઈન્ટરનેટ આર્કાઈવને પણ નોટિસ પાઠવી હતી. બીજેપી નેતાએ પોતાની અરજીમાં કહ્યું હતું કે આ ડોક્યુમેન્ટરી ભારતમાં પ્રતિબંધિત છે, તેથી આ ત્રણ કંપનીઓને તેને પ્રકાશિત થતી રોકવી જોઈએ.
જાન્યુઆરીમાં, બીબીસીએ ‘ઇન્ડિયાઃ ધ મોદી ક્વેશ્ચન’ નામની ડોક્યુમેન્ટ્રી રજૂ કરી હતી. જેમાં રાજ્યના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ગુજરાત રમખાણોમાં તેમની કથિત ભૂમિકા માટે જવાબદાર ઠેરવવામાં આવ્યા હતા. આ હિંસા પૂર્વ આયોજિત હોવાનું જાણવા મળ્યું હતું. તે જ સમયે, ભાજપે તેને સંપૂર્ણ રીતે ખોટું ગણાવ્યું હતું.
જ્યારથી ડોક્યુમેન્ટ્રી રિલીઝ થઈ છે ત્યારથી BBCની મુશ્કેલીઓ વધી રહી છે. ડોક્યુમેન્ટરી રિલીઝ થયાના એક મહિના પછી, 14 ફેબ્રુઆરીએ, આવકવેરા વિભાગે બીબીસીની દિલ્હી અને મુંબઈ ઑફિસની તપાસ કરી. આ કાર્યવાહી લગભગ 60 કલાક સુધી ચાલી હતી. આ પછી, 13 એપ્રિલે, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ BBC વિરુદ્ધ વિદેશી રોકાણ સંબંધિત નિયમોના ઉલ્લંઘન માટે કેસ દાખલ કર્યો હતો.