કેન્દ્ર સરકાર દ્વારા દેશના સૌથી વ્યસ્ત માર્ગોમાંના એક એવા National Highway 48 ને વધુ આધુનિક અને સુરક્ષિત બનાવવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને હાઈવે મંત્રી નીતિન ગડકરીએ સોશિયલ મીડિયા પર જાહેરાત કરી હતી કે રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં હાઈવે ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવવા માટે કરોડો રૂપિયાના બે મોટા પ્રોજેક્ટ્સને મંજૂરી આપવામાં આવી છે. આ પ્રોજેક્ટ્સનો મુખ્ય ઉદ્દેશ ટ્રાફિક સુગમ બનાવવો, માર્ગ સુરક્ષા વધારવી અને પ્રદેશના આર્થિક વિકાસને વેગ આપવાનો છે.
રાજસ્થાનમાં જયપુર અને અજમેર જિલ્લાઓને જોડતા NH-48ના જયપુર–કિશનગઢ સેક્શનના 89.78 કિલોમીટર લાંબા માર્ગને સિક્સ લેન બનાવવા માટે લગભગ ₹910.90 કરોડની મંજૂરી આપવામાં આવી છે. આ પ્રોજેક્ટ અંતર્ગત માર્ગ પર નવા ફ્લાયઓવર અને સર્વિસ રોડ બનાવવામાં આવશે. હાઈવેને ‘એક્સેસ કંટ્રોલ્ડ’ બનાવવાથી વાહનોની સરેરાશ ઝડપ વધશે, જેના કારણે હાલમાં અંદાજે બે કલાક લાગતો મુસાફરી સમય ઘટીને માત્ર એક કલાક જેટલો રહી જશે. આ સાથે માર્ગ પર અકસ્માતોની સંખ્યા ઘટાડવા માટે લોકલ ટ્રાફિકને મુખ્ય માર્ગથી અલગ કરવામાં આવશે અને અકસ્માત સંભવિત બ્લેક સ્પોટ્સને પણ દૂર કરવામાં આવશે.
આ ઉપરાંત બંને બાજુ સર્વિસ રોડ બનાવવાના કારણે સ્થાનિક વાહનચાલકોને પણ મોટી રાહત મળશે. આ પગલાંથી માર્ગ સલામતીમાં વધારો થશે અને ટ્રાફિક વધુ વ્યવસ્થિત બનશે. કેન્દ્ર સરકારના મતે, આ પ્રોજેક્ટથી રાજસ્થાનમાં પ્રવાસન અને વેપાર બંનેને પ્રોત્સાહન મળશે.
બીજી તરફ મહારાષ્ટ્રમાં કોલ્હાપુર જિલ્લાના કાગલ વિસ્તારમાં પણ મહત્વપૂર્ણ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટને લીલી ઝંડી આપવામાં આવી છે. અહીં લગભગ ₹357.99 કરોડના ખર્ચે સિક્સ લેન એલિવેટેડ કોરિડોર બનાવવામાં આવશે. આ કોરિડોરની બંને બાજુ થ્રી-લેન કોંક્રિટ સર્વિસ રોડનું પણ નિર્માણ કરવામાં આવશે. કાગલ વિસ્તારમાં આવેલા Five Star MIDC Industrial Area ને કારણે અહીં ભારે માલવાહક વાહનોની અવરજવર વધારે રહે છે, જેના કારણે વારંવાર ટ્રાફિક જામ અને પ્રદૂષણની સમસ્યાઓ સર્જાતી હતી.
નવો એલિવેટેડ કોરિડોર બનવાથી લાંબા અંતરનો ટ્રાફિક અને સ્થાનિક ટ્રાફિક અલગ થઈ જશે, જેના કારણે માર્ગ વધુ સુરક્ષિત બનશે અને વાહનોની અવરજવર પણ ઝડપી બનશે. આ સાથે ઈંધણની બચત થશે અને ઈમરજન્સી સેવાઓ, જેમ કે એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડ, વધુ ઝડપથી સ્થળ પર પહોંચી શકશે. મંત્રી નીતિન ગડકરીના જણાવ્યા અનુસાર, આ બંને પ્રોજેક્ટ્સથી પ્રદેશની ઉત્પાદન ક્ષમતા વધશે, લોજિસ્ટિક્સ વધુ મજબૂત બનશે અને આર્થિક વિકાસને નવા દ્વાર મળશે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel