પશ્ચિમ એશિયામાં વધી રહેલા તણાવ અને ઈરાન દ્વારા ઉર્જા માળખાગત સુવિધાઓ પર કરાયેલા હુમલાઓ બાદ વૈશ્વિક સ્તરે મોટી પ્રતિક્રિયા જોવા મળી રહી છે. વિશ્વના ઉર્જા બજારને સ્થિર રાખવા માટે હવે યુનાઇટેડ કિંગડમ, ફ્રાન્સ, જર્મની, ઇટાલી, નેધરલેન્ડ, જાપાનએ સંયુક્ત રીતે સૈન્ય અને કૂટનીતિક મોરચો ખોલ્યો છે.
આ દેશોએ Strait of Hormuzમાં ફસાયેલા સેંકડો જહાજોને સુરક્ષિત બહાર કાઢવા અને વૈશ્વિક સપ્લાય ચેઈનને ફરી કાર્યરત બનાવવા માટે સહયોગ વધારવાનો નિર્ણય કર્યો છે.
6 દેશોનું સંયુક્ત પગલું
મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ‘તેલ યુદ્ધ’ વચ્ચે આ છ દેશોએ ઈરાનના હુમલાઓની કડક નિંદા કરી છે. ખાસ કરીને હોર્મુઝ સ્ટ્રેટ જેવા મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગ પર વધતા જોખમોને ધ્યાનમાં રાખીને આ દેશોએ સૈન્ય હાજરી વધારવાની જાહેરાત કરી છે.
વાણિજ્યિક જહાજો પર ડ્રોન અને મિસાઈલ હુમલાઓને રોકવા માટે નેવલ પેટ્રોલિંગ અને સુરક્ષા વ્યવસ્થાને મજબૂત બનાવવામાં આવશે. આ પગલું વૈશ્વિક વેપાર અને ઉર્જા પુરવઠા માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.
વૈશ્વિક ઉર્જા સંકટ વધુ ઘેરું
કતાર અને સાઉદી અરેબિયાના ઉર્જા પ્લાન્ટ્સ પર થયેલા હુમલાઓથી વૈશ્વિક ઉર્જા બજારમાં મોટો ઝટકો લાગ્યો છે.
રિપોર્ટ્સ મુજબ, આ હુમલાઓને કારણે કતરની LNG નિકાસ ક્ષમતામાં લગભગ 17% ઘટાડો થયો છે, જેના કારણે વાર્ષિક $20 બિલિયન જેટલું નુકસાન થવાની શક્યતા છે.
સાથે જ, હોર્મુઝ સ્ટ્રેટની બહાર ભારત સહિત અનેક દેશોના સેંકડો તેલના જહાજો ફસાયેલા છે, જેના કારણે આંતરરાષ્ટ્રીય સપ્લાય ચેઈન પર ગંભીર અસર પડી રહી છે. આ પરિસ્થિતિનો સીધો પ્રભાવ પેટ્રોલ-ડીઝલના ભાવ અને સામાન્ય જનતા પર જોવા મળી રહ્યો છે.
બજાર સ્થિર કરવા ઉત્પાદન વધારવાનો પ્રયાસ
આ છ દેશોએ માત્ર સુરક્ષા જ નહીં પરંતુ ઉર્જા બજારને સ્થિર રાખવા માટે અન્ય તેલ ઉત્પાદક દેશો સાથે મળીને ઉત્પાદન વધારવા પર પણ ભાર મૂક્યો છે.
આ દેશોએ સ્પષ્ટ કર્યું છે કે નાગરિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર પરના હુમલાઓ આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા માટે સીધો ખતરો છે. જો આ હુમલાઓ અટકાવવામાં નહીં આવે તો તેનો પ્રભાવ વિશ્વના નબળા વર્ગ પર પણ ગંભીર રીતે પડશે.
હોર્મુઝ સ્ટ્રેટમાં વધતા તણાવને ધ્યાનમાં રાખીને વૈશ્વિક શક્તિઓ હવે એકજૂટ થઈ રહી છે. આ સંયુક્ત પગલાંથી ઉર્જા પુરવઠો ફરી સ્થિર થવાની આશા છે, પરંતુ સ્થિતિ હજી પણ અતિ સંવેદનશીલ છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel