વૈશ્વિક સ્તરે વધતી ભૂરાજકીય તંગદિલી વચ્ચે નરેન્દ્ર મોદીએ રવિવારે સાંજે 7, લોક કલ્યાણ માર્ગ પર ઊંચી સ્તરની કેબિનેટ બેઠક બોલાવી હતી. આ બેઠક આશરે સાડા ત્રણ કલાક સુધી ચાલી હતી, જેમાં પેટ્રોલિયમ, ગેસ, ડીઝલ, વીજળી અને જરૂરી ચીજવસ્તુઓના સપ્લાય અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. ખાસ કરીને ઇઝરાયલ-ઈરાન તણાવને ધ્યાનમાં રાખીને દેશની ઊર્જા સુરક્ષા મજબૂત બનાવવાના પગલાં પર ભાર મૂકાયો હતો.
આ બેઠકમાં અમિત શાહ, રાજનાથ સિંહ, એસ. જયશંકર, નિર્મલા સીતારમણ, જે. પી. નડ્ડા, હરદીપ સિંહ પુરી અને મનસુખ માંડવિયા સહિતના વરિષ્ઠ મંત્રીઓ અને અધિકારીઓ હાજર રહ્યા હતા. બેઠકનો મુખ્ય હેતુ દેશભરમાં ઇંધણ અને આવશ્યક ચીજવસ્તુઓની અછત ન સર્જાય તેની ખાતરી કરવો હતો.
#WATCH | Delhi | PM Narendra Modi chairs a high-level meeting to review the situation related to petroleum, crude, gas, power and fertiliser sectors in view of the evolving West Asia situation. pic.twitter.com/SOP5TDzWmc
— ANI (@ANI) March 22, 2026
સરકારે સ્પષ્ટ કર્યું છે કે હાલ દેશમાં LPG સહિતના ઇંધણનો પુરવઠો સંપૂર્ણપણે સામાન્ય છે અને અછત જેવી કોઈ પરિસ્થિતિ નથી. ગ્રાહકોને ગેસ સિલિન્ડર સરળતાથી મળી રહ્યા છે. સાથે જ હોટેલ, રેસ્ટોરાં, કેન્ટીન અને સરકારી ઇમારતોમાં PNG (પાઇપ્ડ નેચરલ ગેસ)ને પ્રાથમિકતા આપવા માટે સિટી ગેસ ડિસ્ટ્રીબ્યુશન કંપનીઓને સૂચનાઓ આપવામાં આવી છે. આ પગલું ગેસના અસરકારક ઉપયોગ અને સપ્લાય ચેઇનને વધુ મજબૂત બનાવવામાં મદદરૂપ બનશે.
કેન્દ્ર સરકારે કોમર્શિયલ LPG સિલિન્ડરોની ફાળવણી મર્યાદામાં પણ વધારો કર્યો છે. 21 તારીખે રાજ્યોને મોકલાયેલા પત્ર મુજબ, કોમર્શિયલ LPGનું વિતરણ 20% સુધી વધારવાની મંજૂરી આપવામાં આવી છે, જેના કારણે કુલ વિતરણ ક્ષમતા હવે 50% સુધી પહોંચી જશે. આ નિર્ણય વેપારી અને હોટેલ ઉદ્યોગને રાહત આપશે.
આ દરમિયાન વૈશ્વિક બજારમાં ભાવવધારો નિયંત્રિત રાખવા માટે ભારતે ઊર્જા સપ્લાયમાં વિવિધતા પણ જાળવી રાખી છે. એક્વા ટાઇટન રશિયાથી ક્રૂડ ઓઇલ લઈને અને પિક્સિસ પાયોનિયર અમેરિકાથી LPG લઈને કર્ણાટકના મેંગલોર બંદર પર પહોંચી ગયા છે. આથી દેશમાં પેટ્રોલ, ડીઝલ અને ગેસના ભાવને સ્થિર રાખવામાં મદદ મળશે.
સરકારના આ સમગ્ર અભિગમથી સ્પષ્ટ થાય છે કે વૈશ્વિક સંકટ વચ્ચે પણ ભારત પોતાની ઊર્જા સુરક્ષા અને પુરવઠા વ્યવસ્થાને મજબૂત રાખવા માટે સજ્જ છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel