ગુજરાત વિધાનસભામાં UCC બિલ પર ચર્ચા દરમિયાન AAP MLA ગોપાલ ઈટાલિયાએ હર્ષ સંઘવી અંગે ખોટા દાવા કર્યા બાદ ગૃહમાં માફી માગવી પડી.
ગુજરાત વિધાનસભામાં મંગળવારે (24 માર્ચ) યુનિફોર્મ સિવિલ કોડ (UCC) બિલ પર ચર્ચા દરમિયાન રસપ્રદ અને ચર્ચાસ્પદ ઘટના બની હતી. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ ગૃહમાં કરેલા દાવા ખોટા સાબિત થતાં અંતે માફી માગવી પડી હતી.
ચર્ચા દરમિયાન ગોપાલ ઈટાલિયાએ દાવો કર્યો હતો કે હર્ષ સંઘવીએ અગાઉ કહ્યું હતું કે નવા UCC કાયદા અમલમાં આવ્યા બાદ જૂની લગ્ન નોંધણીની પ્રક્રિયા રદ થઈ જશે. આ દાવાને તરત જ નાયબ મુખ્યમંત્રી સંઘવીએ પડકાર્યો હતો.
ડેપ્યુટી સીએમનો પડકાર, ‘સાબિત કરો તો રાજીનામું આપું’
હર્ષ સંઘવીએ ગોપાલ ઈટાલિયાને ખુલ્લો પડકાર આપતા કહ્યું હતું કે જો તેઓએ આવું નિવેદન આપ્યું હોય તો તે સાબિત કરવામાં આવે, અને જો એ સાચું નીકળે તો તેઓ રાજીનામું આપવા તૈયાર છે. આ મુદ્દે ગોપાલ ઈટાલિયાએ શરૂઆતમાં માફી માગવાનો ઇનકાર કર્યો હતો અને રેકોર્ડ ચેક કરવાની માંગણી કરી હતી.

રેકોર્ડ ચેકમાં સત્ય બહાર આવ્યું
આ મુદ્દે ગૃહ અધ્યક્ષ શંકર ચૌધરીએ રેકોર્ડ ચેક કરાવવાનો આદેશ આપ્યો હતો. તપાસમાં સ્પષ્ટ થયું કે હર્ષ સંઘવીએ આવું કોઈ નિવેદન આપ્યું જ નહોતું.
ત્યારબાદ અધ્યક્ષે ગોપાલ ઈટાલિયાને ગૃહમાં માફી માગવા કહ્યું. અંતે ગોપાલ ઈટાલિયાએ ગૃહની માન રાખીને પોતાના નિવેદન બદલ માફી માગી લીધી હતી.
અધ્યક્ષની ટકોર: પુરાવા સાથે બોલવું જરૂરી
આ પ્રસંગે અધ્યક્ષ શંકર ચૌધરીએ ટકોર કરતા કહ્યું કે વિધાનસભા જેવા ગૌરવપૂર્ણ ગૃહમાં કોઈપણ નિવેદન પુરાવા સાથે જ કરવું જોઈએ. બહાર જે રીતે બોલાય છે તે રીતે ગૃહમાં બોલવું યોગ્ય નથી.
સોશિયલ મીડિયા પર ચર્ચા ગરમાઈ
વિધાનસભાની કાર્યવાહીનું લાઈવ પ્રસારણ ન થતું હોવા છતાં ગૃહમાં હાજર પત્રકારોએ આ સમગ્ર ઘટનાક્રમને સોશિયલ મીડિયા પર શેર કરતા મામલો ચર્ચાનો વિષય બની ગયો હતો.
UCC બિલ પર ચર્ચા દરમિયાન થયેલી આ ઘટના રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બની છે. ગૃહમાં જવાબદારીપૂર્વક નિવેદન આપવાની મહત્વતા ફરી એકવાર ઉજાગર થઈ છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel
🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat
🔗 https://www.youtube.com/@oneindianewscom