NEET-UG 2026 પેપર લીક મામલે સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલી સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકારે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. કેન્દ્ર સરકારે કોર્ટને જાણકારી આપી કે પરીક્ષા પ્રણાલીમાં રહેલી ખામીઓ અને પેપર લીક જેવી ગંભીર ગેરરીતિઓ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જાતે જ નજર રાખી રહ્યા છે.
સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકાર તરફથી હાજર સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું હતું કે પરીક્ષા પ્રણાલીના સુધારા અને NEET-UGની પુનઃપરીક્ષા સહિતની સમગ્ર પ્રક્રિયા પર ઉચ્ચતમ સ્તરે મોનિટરિંગ કરવામાં આવી રહી છે. તેમણે કોર્ટને ખાતરી આપી કે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે જોડાયેલા આ સંવેદનશીલ મુદ્દાને સરકાર ગંભીરતાથી લઈ રહી છે.
સુનાવણી દરમિયાન જસ્ટિસ જે. નરસિંહાએ સવાલ કર્યો હતો કે જો અગાઉથી હાઈ-પાવર્ડ કમિટી કાર્યરત હતી, તો આવી ગેરરીતિ કેવી રીતે થઈ? કોર્ટે આ મુદ્દે ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે ભલામણોમાં ખામી હતી અથવા તેનો યોગ્ય અમલ થયો નહોતો.
તેના જવાબમાં તુષાર મહેતાએ જણાવ્યું કે આગામી પરીક્ષાઓ માટે નવા સુરક્ષા મિકેનિઝમ લાગુ કરવામાં આવ્યા છે, પરંતુ તેની વિગત જાહેર કરવી યોગ્ય નથી, કારણ કે તે સુરક્ષા વ્યવસ્થાને અસર કરી શકે છે.
કેન્દ્ર સરકારે કોર્ટને એ પણ જણાવ્યું કે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) પાસે અનુભવ હોવા છતાં ડોમેન-સ્પેસિફિક નિષ્ણાતોની અછત હતી. આ ખામી દૂર કરવા માટે IIT સહિતના સંસ્થાઓના નિષ્ણાતોને પ્રક્રિયામાં જોડવામાં આવ્યા છે.
સુપ્રીમ કોર્ટે કેન્દ્રને પરીક્ષા પ્રક્રિયાને મજબૂત બનાવવા માટે લેવામાં આવેલા પગલાં અંગે વિગતવાર એફિડેવિટ રજૂ કરવાનો આદેશ આપ્યો છે. કોર્ટે વિદ્યાર્થીઓ અને તેમના પરિવારો પર આવી ઘટનાઓની અસર અંગે પણ ગંભીર ચિંતા વ્યક્ત કરી છે.
ઉલ્લેખનીય છે કે
NEET-UG 2026ની પરીક્ષા 3 મેના રોજ દેશભરના 551 શહેરો અને 14 આંતરરાષ્ટ્રીય કેન્દ્રો પર યોજાઈ હતી, જેમાં આશરે 23 લાખ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. પેપર લીકના આરોપો બાદ NTAએ 12 મેના રોજ પરીક્ષા રદ કરી અને 21 જૂને પુનઃપરીક્ષા યોજવાનો નિર્ણય લીધો હતો.
આ કેસમાં CBI દ્વારા દેશભરમાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને અત્યાર સુધીમાં દિલ્હી, જયપુર, ગુરુગ્રામ, નાશિક, પુણે, લાતૂર અને અહિલ્યાનગર સહિતના વિસ્તારોમાંથી 13 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
કેન્દ્ર સરકારે પુનઃપરીક્ષા માટે પ્રશ્નપત્રોની સુરક્ષા વધારવા માટે ભારતીય વાયુસેનાની મદદ લેવાની તૈયારી દર્શાવી છે. સરકારનું કહેવું છે કે આ વખતે પરીક્ષા સંપૂર્ણપણે પારદર્શક અને લીક-પ્રૂફ બનાવવામાં આવશે.
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel