Skip to content
શનિવાર, ઓક્ટોબર 31, 2026 Ahmedabad 30°C

ગીર સોમનાથની બે હિન્દુ સગીરાઓનું ધર્મપરિવર્તન કરાવ્યાનો ચોંકાવનારો કિસ્સો! મૌલવી સહિત ત્રણની ધરપકડ!

ત્રણ દિવસ સુધી મીરા દાતાર દરગાહમાં રાખી નામ બદલ્યું, બુરખો પહેરાવ્યો અને કલમા પઢાવ્યાં; મૌલવી સહિત ત્રણની ધરપકડ, એક આરોપી ફરાર

ગીર સોમનાથની બે હિન્દુ સગીરાઓનું ધર્મપરિવર્તન કરાવ્યાનો ચોંકાવનારો કિસ્સો! મૌલવી સહિત ત્રણની ધરપકડ!

ગીર સોમનાથ જિલ્લાના કોડીનારમાંથી બે હિન્દુ સગીરાઓને મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકાના ઉનાવા ગામે લઈ જઈ તેમનું ધર્મપરિવર્તન કરાવવાની અને એક સગીરાના લગ્ન કરાવવાની ઘટનાએ સમગ્ર ગુજરાતમાં ભારે ચકચાર જગાવી છે. સગીરાઓને કોડીનારથી ઉનાવા સુધી લઈ જવામાં આવી, તેમની ઓળખ બદલવામાં આવી, બુરખો પહેરાવવામાં આવ્યો અને કલમા પઢાવવામાં આવ્યા હોવાની વિગતો સામે આવી છે. આ સમગ્ર ઘટનામાં ઉનાવાની પ્રસિદ્ધ મીરા દાતાર દરગાહના મૌલવી સહિત ચાર વ્યક્તિઓ સામે કોડીનાર પોલીસે ગુનો નોંધ્યો છે. જેમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે એક આરોપી ફરાર હોવાનું જાણવા મળે છે.

આ કોઈ સામાન્ય ઘટના નથી. બે હિન્દુ સગીરાઓની સુરક્ષા, તેમની ઓળખ અને તેમના ભવિષ્ય સાથે જોડાયેલો અત્યંત ગંભીર મામલો છે. સગીર વયની દીકરીઓને એક સ્થળેથી બીજા સ્થળે લઈ જવી, તેમનાં નામ અને પહેરવેશમાં ફેરફાર કરવો તથા ધર્મપરિવર્તન કરાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હોવાની વિગતો સામે આવતાં અનેક ગંભીર સવાલો ઊભા થયા છે.

ગુમ થયેલી હિન્દુ સગીરાઓની શોધમાં પોલીસ પહોંચી ઉનાવા

કોડીનારમાં બે હિન્દુ સગીરાઓ ગુમ થવા અંગે ફરિયાદ નોંધાતાં કોડીનાર પોલીસ હરકતમાં આવી હતી. પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી આસપાસના વિસ્તારોનાં સીસીટીવી દૃશ્યો તપાસ્યાં હતાં. તપાસ દરમિયાન બંને સગીરાઓનું પગેરું મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકાના ઉનાવા ગામ તરફ મળતાં કોડીનાર પોલીસની ટીમ ત્યાં પહોંચી હતી. સ્થાનિક પોલીસની મદદથી મીરા દાતાર દરગાહમાંથી બંને હિન્દુ સગીરાઓને શોધી કાઢવામાં આવી હતી. બંને સગીરાઓ બુરખો પહેરેલી હાલતમાં મળી આવતાં પોલીસ દ્વારા તેમનો કબજો મેળવી સુરક્ષિત રીતે કોડીનાર પરત લાવવામાં આવી હતી.

ત્રણ દિવસ સુધી દરગાહમાં રાખી નામ બદલવાની ઘટના

કોડીનાર પરત લવાયા બાદ મહિલા પોલીસ દ્વારા બંને હિન્દુ સગીરાઓનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું અને તેમની પાસેથી સમગ્ર ઘટનાની વિગતો મેળવવામાં આવી હતી. સગીરાઓએ જણાવેલી વિગતો અનુસાર, બંનેને ઉનાવા ગામની મીરા દાતાર દરગાહમાં ત્રણ દિવસ સુધી રાખવામાં આવી હતી. આ દરમિયાન એક સગીરાની બહેનપણીનું હિન્દુ નામ બદલીને ‘કાજી નાયરા’ રાખવામાં આવ્યું હોવાની વિગતો સામે આવી છે. એટલું જ નહીં, બંનેને બુરખો પહેરાવવામાં આવ્યો હતો અને કલમા પઢાવવામાં આવ્યા હોવાની પણ વિગતો સામે આવી છે.

એક સગીરાના લગ્ન કરાવવાના પ્રયાસની બાબત પણ આ સમગ્ર ઘટનામાં સામે આવી છે. સગીર વયની દીકરીઓને આવી રીતે અન્ય સ્થળે લઈ જવી, તેમની ઓળખ બદલવી અને તેમના જીવન અંગે નિર્ણય લેવાની કોશિશ કરવી અત્યંત ગંભીર બાબત છે.

કોડીનારથી વેરાવળ, ગાંધીનગર અને ત્યાંથી ઉનાવા સુધી પહોંચાડવાની કડી

આ ઘટનાને લગતો આશરે છ મિનિટનો વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં ધોરણ-8માં અભ્યાસ કરતી એક સગીરાએ આરએસએસના આગેવાન જીગ્નેશ પરમાર સમક્ષ સમગ્ર ઘટનાક્રમની વિગતો જણાવી છે.

સગીરાના જણાવ્યા અનુસાર, શરૂઆતમાં બંને એક સગીરાના કહેવાતા મામા અબ્દુલ મિયાંના ઘરે ગયાં હતાં. ત્યાં તેને બુરખો પહેરવાનું કહેવામાં આવ્યું હતું. ત્યારબાદ તેને ગામમાં ફેરવવામાં આવી હતી અને વેરાવળ જવાનું જણાવાયું હતું. વેરાવળ પહોંચ્યા બાદ ગાંધીનગર જવાનું કહેવામાં આવ્યું હતું.

સગીરાએ વધુમાં જણાવ્યું હતું કે, બંને વેરાવળથી ટ્રેનના સામાન્ય ડબ્બામાં મુસાફરી કરીને ગાંધીનગર પહોંચ્યાં હતાં. ત્યાંથી તેની માતાને ફોન કરવામાં આવ્યો હતો. માતાએ એક દુકાનદારને ઓનલાઇન નાણાં મોકલ્યા બાદ દુકાનદારે બંનેને રૂ. 1,000 રોકડા આપ્યા હતા. ત્યારબાદ બંનેએ રેલવેની ટિકિટ મેળવી ટ્રેન મારફતે ઉનાવા સુધીની મુસાફરી કરી હતી. આ સમગ્ર મુસાફરી અને બંને સગીરાઓને અલગ-અલગ સ્થળે લઈ જવાની પ્રક્રિયા પાછળ કોણ હતું, તેની તપાસ પણ અત્યંત મહત્ત્વપૂર્ણ છે.

મૌલવી સહિત ત્રણની ધરપકડ, એક આરોપીની શોધખોળ

આ સમગ્ર ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને કોડીનાર પોલીસે મીરા દાતાર દરગાહના મૌલવી સહિત ચાર વ્યક્તિઓ સામે ગુનો નોંધ્યો છે. ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે એક આરોપી ફરાર છે. હવે પોલીસ તપાસમાં આ સમગ્ર ઘટનાનું આયોજન કોણે કર્યું, સગીરાઓને કોડીનારથી ઉનાવા સુધી પહોંચાડવામાં કોની ભૂમિકા હતી અને અન્ય કોઈ વ્યક્તિઓની સંડોવણી છે કે કેમ, તે બહાર આવવું જરૂરી છે.

સગીરાઓની સુરક્ષા સાથે ચેડાં કરનાર સામે કાયદાનો કડક પ્રહાર જરૂરી

આ ઘટનાએ સમાજ અને વહીવટી તંત્ર સામે એક અત્યંત ગંભીર પ્રશ્ન ઊભો કર્યો છે. સગીર દીકરીઓની સુરક્ષા માત્ર પરિવારની જવાબદારી નથી, પરંતુ સમગ્ર સમાજ અને કાયદો-વ્યવસ્થાની સામૂહિક જવાબદારી છે. સગીરાઓને લલચાવીને, ગેરમાર્ગે દોરીને કે દબાણપૂર્વક તેમની ઓળખ, માનસિક સ્વતંત્રતા અને જીવન સાથે ચેડાં કરવામાં આવે તો તે કોઈપણ સંજોગોમાં સ્વીકાર્ય બની શકે નહીં.

પોલીસ તંત્રએ આ મામલે માત્ર ધરપકડ પૂરતી તપાસ મર્યાદિત ન રાખવી જોઈએ. સમગ્ર ઘટનાની મૂળ સુધી પહોંચીને દરેક સંડોવાયેલી વ્યક્તિની ભૂમિકા તપાસવી જોઈએ. ફરાર આરોપીને ઝડપી પાડવો જોઈએ અને જો તપાસમાં અન્ય વ્યક્તિઓની સંડોવણી બહાર આવે તો તેમની સામે પણ કાયદાની જોગવાઈઓ મુજબ કડક કાર્યવાહી થવી જોઈએ. સાથે જ બંને સગીરાઓને યોગ્ય સુરક્ષા, માનસિક સહાય અને કાયદાકીય રક્ષણ પૂરું પાડવું અત્યંત જરૂરી છે. તેમની ઓળખ જાહેર ન થાય તેની પણ વિશેષ તકેદારી રાખવી જોઈએ.

સવાલ માત્ર બે સગીરાઓનો નથી, સગીર દીકરીઓની સુરક્ષા અને કાયદાના શાસનનો છે!

કોડીનારથી ઉનાવા સુધી પહોંચેલી આ ઘટનામાં અનેક કડીઓ હજુ તપાસનો વિષય છે. ત્રણ દિવસ સુધી બે સગીરાઓને ક્યાં અને કઈ પરિસ્થિતિમાં રાખવામાં આવી? નામ બદલવાની જરૂર શા માટે ઊભી થઈ? બુરખો પહેરાવવા અને કલમા પઢાવવાની પ્રક્રિયા કોણે હાથ ધરી? એક સગીરાના લગ્ન કરાવવાની તૈયારી પાછળ કોની ભૂમિકા હતી? અને આ સમગ્ર ઘટનાનું આયોજન ક્યારથી ચાલી રહ્યું હતું?

આ તમામ સવાલોના જવાબ તપાસમાં બહાર આવવા જોઈએ. કાયદો કોઈ વ્યક્તિ, પદ કે ધાર્મિક ઓળખ જોઈને નહીં, પરંતુ ગુનાની ગંભીરતા અને પુરાવાના આધારે કાર્યવાહી કરે એ જ લોકશાહી વ્યવસ્થાની સાચી કસોટી છે.

સગીરાઓની સુરક્ષા સાથે કોઈ સમાધાન નહીં, કાયદાથી ઉપર કોઈ નહીં અને દોષિત સાબિત થનાર કોઈને પણ બક્ષવામાં ન આવે – આ જ સમગ્ર ઘટનામાં ન્યાયની અપેક્ષા છે.

મૌલિક ઝણકાટ (ગીર સોમનાથ)

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

Filed under Gir Somnath Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.