ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં જમ્મુ-કાશ્મીરથી હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ સુધી વ્યાપક અસર જોવા મળી, જ્યાં આંધી-તોફાન સાથે મધ્યમથી ભારે હિમવર્ષા અને મેદાની વિસ્તારોમાં વરસાદે સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત કરી દીધું. જમ્મુમાં વિશ્વવિખ્યાત માતા વૈષ્ણોદેવી મંદિર સહિત ઊંચાણવાળા વિસ્તારોમાં ભારે હિમવર્ષા થઈ, જ્યારે શુક્રવારથી શરૂ થયેલા ખરાબ હવામાનના કારણે હવાઈ અને રેલવે સેવાઓ પર પણ ગંભીર અસર પડી.
જમ્મુ-કાશ્મીરમાં તમામ ફ્લાઈટો રદ કરી દેવામાં આવી હતી અને શ્રીનગર એરપોર્ટ પર મુસાફરો મુશ્કેલીમાં મુકાયા. ભારે બરફવર્ષાના પગલે ભારતને કાશ્મીર ખીણ સાથે જોડતો એકમાત્ર જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે બંધ કરવો પડ્યો, જેના કારણે હજારો વાહનો રસ્તામાં ફસાયા. પૂંચ અને ઉધમપુર જિલ્લાના બરફાચ્છાદિત વિસ્તારોમાં 100થી વધુ પ્રવાસીઓ ફસાયા હતા, જેમાંથી મેન્ધારના તોતાગાલિ વિસ્તારમાં ફસાયેલા 70 લોકોને બચાવી લેવામાં આવ્યા, જ્યારે કૃષ્ણા ઘાટીમાં પણ 30થી વધુ પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાયા. પૂંચમાં પ્રતિ કલાક 80 કિમી અને અનંતનાગમાં 60 કિમીની ઝડપે પવન ફૂંકાતા વૃક્ષો, વીજ થાંભલા અને તાર તૂટી પડ્યા, જેના કારણે અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો.
#WATCH | Himachal Pradesh | Vehicles and houses covered in a thick blanket of snow after Manali received heavy snowfall yesterday. pic.twitter.com/mCpAFqS6zd
— ANI (@ANI) January 24, 2026
હિમાચલ પ્રદેશમાં બેથી ત્રણ ફૂટ જેટલો બરફ જમતાં 535 રસ્તાઓ બંધ થઈ ગયા અને ગુજરાતીઓના મનપસંદ પ્રવાસન સ્થળ મનાલી તથા શિમલામાં ભારે ટ્રાફિક જામ સર્જાયો. સુરક્ષાની દ્રષ્ટિએ શિમલામાં સ્કૂલો બંધ જાહેર કરાઈ. હવામાન વિભાગે જમ્મુ-કાશ્મીરના છ જિલ્લામાં હિમપ્રપાતની ચેતવણી સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યો છે, ખાસ કરીને ગંદરબલ જિલ્લામાં 2300 મીટરથી ઉપરના વિસ્તારોમાં જોખમ વધ્યું હોવાનું જણાવ્યું. બીજી તરફ, આ સિઝનની પહેલી હિમવર્ષાથી ત્રણ મહિના લાંબા ડ્રાય સ્પેલનો અંત આવ્યો હોવાથી ખેડૂતો અને બાગાયત ઉત્પાદકોને રાહત મળી છે અને પર્વતીય વિસ્તારોમાં બરફની સફેદ ચાદર છવાતા પ્રવાસીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો. સાથે જ, હવામાનમાં આવેલા ફેરફારના કારણે દિલ્હીમાં પણ મધ્યમ વરસાદ પડતાં અનેક વિસ્તારોમાં પાણી ભરાયા અને ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel