ચીનમાં સરોગસી પર કડક પ્રતિબંધ હોવાના કારણે એક અજીબોગરીબ અને ચોંકાવનારી ઘટના સમગ્ર દુનિયામાં ચર્ચાનો વિષય બની છે. અમેરિકામાં રહેતા 48 વર્ષીય ચાઇનીઝ ઉદ્યોગપતિ શૂ બો એ સરોગસીની મદદથી 100 બાળકોનો પિતા બન્યો હોવાની વાત સામે આવી છે. શૂ બો ચીનની ગેમિંગ કંપની ડુઓયી નેટવર્કનો માલિક છે અને અત્યાર સુધી લો-પ્રોફાઇલ જીવન જીવતો હતો, પરંતુ આ ખુલાસા બાદ તે અમેરિકા, ચીન સહિત વિશ્વભરમાં ચર્ચામાં આવ્યો છે.
શૂ બો એ ખુલ્લેઆમ કહ્યું છે કે તેને ભવિષ્યમાં પોતાનો બિઝનેસ અનેકગણો વિસ્તારવો છે અને તે માટે તેને હોનહાર સંતાનો જોઈએ છે, જેથી તેના પોતાના બાળકો જ આ સામ્રાજ્ય સંભાળી શકે. તેની ભૂતપૂર્વ પ્રેમિકા તાંગ જિંગના દાવા મુજબ, શૂ બો 100 નહીં પરંતુ તેનાથી પણ વધુ, લગભગ 300 બાળકોનો પિતા બનવાનો ઇરાદો ધરાવે છે. તેણે એવો પણ ખુલાસો કર્યો કે તેણે જાતે જ શૂના 11 બાળકોની સંભાળ લીધી હતી અને હાલ બંને વચ્ચે બે બાળકોની કસ્ટડીને લઈને કોર્ટ કેસ ચાલી રહ્યો છે.
અમેરિકન મીડિયા અહેવાલો અનુસાર, માત્ર શૂ બો જ નહીં પરંતુ અનેક ધનવાન ચાઇનીઝ બિઝનેસમેનો સરોગસી માટે અમેરિકાનો રસ્તો અપનાવી રહ્યા છે. એક અહેવાલમાં જણાવાયું છે કે 2014થી 2021 વચ્ચે અમેરિકામાં સરોગસી દ્વારા જન્મતા બાળકોની સંખ્યા ચાર ગણો વધી છે, જેમાંથી લગભગ 42 ટકા કેસ ચીનના નાગરિકો સાથે જોડાયેલા છે. અમેરિકામાં સરોગસી માટે વ્યવસ્થિત એજન્સીઓ કાર્યરત છે, જે ફર્ટિલિટી ક્લિનિક, બ્રોકર્સ, લો ફર્મ, નેની અને કાનૂની પ્રક્રિયા સહિતની તમામ સેવાઓ પૂરી પાડે છે. કાયદાનો સહારો લઈને આવા બાળકોને અમેરિકન નાગરિકત્વ પણ અપાવવામાં આવે છે અને બાદમાં તેઓને ચીન મોકલી દેવામાં આવે છે એવી ચર્ચાઓ પણ ચાલી રહી છે.
શૂ બો પોતાની સરખામણી ટેક ઉદ્યોગપતિ એલન મસ્ક સાથે કરે છે અને કહે છે કે એલન મસ્કે તેને વધુ બાળકો પેદા કરવાની પ્રેરણા આપી છે. તેણે ત્યાં સુધી કહ્યું છે કે તે ઇચ્છે છે કે તેના બાળકો મોટા થઈને એલન મસ્કના સંતાનો સાથે લગ્ન કરે. શૂ બોએ અગાઉ એવું પણ કહ્યું હતું કે તેને “હાઇ ક્વોલિટી” દીકરાઓ જોઈએ છે અને દીકરાઓ દીકરીઓ કરતાં બહેતર હોય છે, જેને લઈને તેની ભારે ટીકા થઈ હતી. ઘણા લોકો કહે છે કે શૂ બો બાળકોને એક માનવી તરીકે નહીં પરંતુ પોતાના બિઝનેસ પ્લાનના ભાગ તરીકે જોઈ રહ્યો છે. ખુદ શૂ બોએ સ્વીકાર્યું છે કે તે ખૂબ બિઝી રહે છે અને બાળકોને મળવા સમય કાઢી શકતો નથી, જેના કારણે એ પ્રશ્ન પણ ઊભો થાય છે કે આ બાળકોને માતા-પિતાનો પ્રેમ અને લાગણી મળશે કે નહીં.
આ સમગ્ર મામલાએ અમેરિકામાં પણ કાનૂની અને નૈતિક ચર્ચાઓને વેગ આપ્યો છે. શું સરોગસી દ્વારા અનલિમિટેડ સંખ્યામાં બાળકોને જન્મ આપવા દેવો યોગ્ય છે? શું બાળકો માત્ર કોઈની મહત્ત્વાકાંક્ષાઓ પૂરી કરવાનું સાધન બની શકે? અનેક લોકોનું માનવું છે કે સરોગસીના કાયદાનો ગેરઉપયોગ થઈ રહ્યો છે અને મહિલાઓને બાળકો પેદા કરવાની “મશીન” સમાન માનવામાં આવી રહી છે. શૂ બોનો કેસ એટલો મોટો બની ગયો છે કે ભવિષ્યમાં સરોગસી સંબંધિત કાયદાઓમાં ફેરફાર થવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે ચીનમાં 1979થી 2016 સુધી એક બાળકની નીતિ અમલમાં હતી, જેના કારણે સામાજિક અસંતુલન સર્જાયું, દીકરીઓનું પ્રમાણ ઘટ્યું અને વૃદ્ધ વસ્તી વધી. ભલે હવે આ કાયદો બદલાઈ ગયો હોય, પરંતુ માનસિકતા બદલાઈ નથી. ચીનમાં 2001થી સરોગસી પર સંપૂર્ણ પ્રતિબંધ છે, તેથી જ ખમતીધર ચીની નાગરિકો અમેરિકા અને અન્ય દેશોમાં જઈને સરોગસીનો રસ્તો અપનાવી રહ્યા છે. શૂ બોનો મામલો માત્ર એક વ્યક્તિની ક્રેઝી કહાની નહીં પરંતુ વૈશ્વિક સ્તરે સરોગસી, કાયદા અને નૈતિકતાને લઈને ઊભા થતા ગંભીર પ્રશ્નોનું પ્રતિબિંબ બની ગયો છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel