ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલની અછત અંગે સોશિયલ મીડિયા પર ફેલાયેલી અફવાઓના કારણે લોકોમાં ભારે પેનિક જોવા મળ્યો છે. છેલ્લા એક દિવસથી રાજ્યભરના પેટ્રોલ પંપો પર ઈંધણ ભરાવવા માટે લાંબી લાઈનો લાગી ગઈ છે. અફવાઓના કારણે લોકો જરૂરીયાત કરતાં વધુ ઈંધણ ભરાવા માટે દોડી રહ્યાં છે, જેને પગલે અનેક સ્થળોએ પેનિક બાયિંગની સ્થિતિ સર્જાઈ છે.
આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર અને તંત્રએ લોકોને અપીલ કરી છે કે કોઈપણ પ્રકારની ખોટી અફવાઓ પર વિશ્વાસ ન કરે. રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને સપ્લાય ચેઇન સંપૂર્ણ રીતે સામાન્ય છે.
રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ…
માન. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની કોઈપણ પ્રકારની અફવાઓથી દોરવાયા વિના કે ગભરાટમાં આવ્યા વગર શાંતિ જાળવવા માટેની નમ્ર અપીલ, તેમજ ઈંધણ પુરવઠો પૂરતો હોવાથી બિનજરૂરી લાઈનો ન લગાવવા માટે જનતાને અનુરોધ…#NoPanicPlease… pic.twitter.com/BnFYh3booG
— Gujarat Information (@InfoGujarat) March 24, 2026
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલએ લોકોને સંબોધતા જણાવ્યું હતું કે વૈશ્વિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સજાગ રહેવાની જરૂર છે, પરંતુ પેનિક થવાની જરૂર નથી. તેમણે સ્પષ્ટ કર્યું કે રાજ્યમાં પેટ્રોલ, ડીઝલ અને ગેસની કોઈ અછત નથી. કેન્દ્ર અને રાજ્ય સરકાર બંને સતત પરિસ્થિતિ પર નજર રાખી રહી છે અને નાગરિકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે પૂરતા પગલાં લેવામાં આવી રહ્યા છે.
બીજી તરફ પુરવઠા વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા પરિપત્રમાં જણાવાયું છે કે અફવાઓને કારણે કેટલીક જગ્યાએ પેનિક બાયિંગ શરૂ થયું છે, પરંતુ હકીકતમાં રાજ્યના તમામ મુખ્ય ડેપો અને રિફાઇનરીઓમાંથી પેટ્રોલ પંપો સુધી નિયમિત રીતે ઈંધણ પહોંચાડવામાં આવી રહ્યું છે. એટલે કે સપ્લાયમાં કોઈ વિક્ષેપ નથી.
તંત્રએ સંગ્રહખોરીને રોકવા માટે કડક પગલાં પણ જાહેર કર્યા છે. તમામ પેટ્રોલ પંપોને સૂચના આપવામાં આવી છે કે પેટ્રોલ અને ડીઝલનું વેચાણ માત્ર વાહનોની ટાંકીમાં જ કરવામાં આવે. બેરલ કે અન્ય પાત્રોમાં ઈંધણ આપવાની મનાઈ કરવામાં આવી છે.
જો કોઈ વેપારી અથવા વિક્રેતા કૃત્રિમ અછત ઊભી કરવાનો પ્રયાસ કરશે અથવા ગેરકાયદેસર રીતે ઈંધણ સંગ્રહ કરશે, તો તેમના વિરુદ્ધ Essential Commodities Act 1955 હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવશે.
સરકારે નાગરિકોને અપીલ કરી છે કે અફવાઓથી દૂર રહે અને માત્ર સત્તાવાર સ્ત્રોતોથી મળતી માહિતી પર જ વિશ્વાસ રાખે. હાલ પરિસ્થિતિ સંપૂર્ણ નિયંત્રણમાં હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel