કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલયે બુધવારે ઐતિહાસિક ‘વસતી ગણતરી 2027’ના પ્રથમ તબક્કા માટે સત્તાવાર જાહેરનામું બહાર પાડી દીધું છે. આ વસતી ગણતરી ભારતની પહેલી સંપૂર્ણપણે ડિજિટલ વસતી ગણતરી હશે, જેની પ્રક્રિયા 1 એપ્રિલથી 30 સપ્ટેમ્બર, 2026 દરમિયાન હાથ ધરવામાં આવશે. અગાઉ 2021માં યોજાવાની આ દાયકાની વસતી ગણતરી કોરોના મહામારીના કારણે સ્થગિત રાખવામાં આવી હતી, જે હવે અંદાજે ₹11,718.2 કરોડના ખર્ચે પૂર્ણ કરવામાં આવશે. સરકારના જણાવ્યા મુજબ, આ ગણતરી માત્ર વસ્તીના આંકડાઓ પૂરતી નહીં પરંતુ આગામી દાયકાઓ માટે ભારતના સામાજિક, આર્થિક અને નીતિગત આયોજનનો મજબૂત આધાર બનશે.
આ વસતી ગણતરી બે તબક્કામાં પૂર્ણ થશે. પ્રથમ તબક્કામાં હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ કરવામાં આવશે, જેમાં મકાનોની સંખ્યા, પ્રકાર, વીજળી, પીવાનું પાણી, શૌચાલય જેવી મૂળભૂત સુવિધાઓની માહિતી એકત્ર કરાશે. બીજા તબક્કામાં વ્યક્તિગત માહિતી જેવી કે ઉંમર, શિક્ષણ, ધર્મ, વ્યવસાય અને જ્ઞાતિની વિગતો નોંધવામાં આવશે. ખાસ વાત એ છે કે આ વખતે નાગરિકોને ‘સેલ્ફ-એન્યુમરેશન’ એટલે કે પોતાની વિગતો જાતે ઓનલાઇન ભરવાનો વિકલ્પ આપવામાં આવ્યો છે. દરેક રાજ્યમાં હાઉસ લિસ્ટિંગ શરૂ થાય તેનાં 15 દિવસ પહેલાં લોકો ઓનલાઇન પોર્ટલ અથવા મોબાઇલ એપ મારફતે પોતાની માહિતી ભરી શકશે, જ્યારે ત્યારબાદના 30 દિવસમાં સરકારી કર્મચારીઓ ઘરે-ઘરે જઈ બાકી વિગતો ચકાસી અને નોંધશે.
Notification for the Phase I of Census of India 2027 i.e. Houselisting & Housing Census (HLO) has been issued.
Houselisting operations will be conducted between 1 April 2026 and 30 September 2026 across all States and Union Territories, during a 30-day period specified by each… pic.twitter.com/Z7m9j7IaFL
— Census India 2027 (@CensusIndia2027) January 7, 2026
આ વસતી ગણતરીમાં કાગળ-પેન પદ્ધતિનો અંત આવી જશે અને તેની જગ્યાએ મોબાઇલ એપ તથા ટેબ્લેટનો ઉપયોગ કરવામાં આવશે. ડિજિટલ પદ્ધતિના કારણે ડેટામાં ભૂલો ઘટશે, માહિતી સીધી સર્વર પર અપલોડ થશે અને પરિણામો ઝડપી રીતે જાહેર કરી શકાશે. સાથે સાથે ડેટા સુરક્ષા અને ગોપનીયતા જાળવવા માટે સરકાર દ્વારા કડક ટેકનિકલ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે. ખાસ કરીને, લાંબા સમય બાદ ફરીથી જ્ઞાતિ આધારિત માહિતી એકત્ર થવાની હોવાથી આ વસતી ગણતરીનું મહત્વ વધી જાય છે, કારણ કે ભારતમાં છેલ્લે 1931માં જ્ઞાતિની સંપૂર્ણ ગણતરી કરવામાં આવી હતી. આ ડેટા ભવિષ્યમાં સામાજિક ન્યાય, કલ્યાણ યોજનાઓ અને નીતિ નિર્માણમાં મહત્વની ભૂમિકા ભજવશે.
સરકાર આ વખતે ‘સેન્સસ-એઝ-એ-સર્વિસ (CaaS)’ મોડલ અપનાવી રહી છે, જેના થકી વિવિધ મંત્રાલયોને નીતિ ઘડવા માટે જરૂરી ડેટા મશીન-રીડેબલ ફોર્મેટમાં સરળતાથી ઉપલબ્ધ થશે. સમગ્ર પ્રક્રિયાની દેખરેખ માટે ‘સેન્સસ મેનેજમેન્ટ એન્ડ મોનિટરિંગ સિસ્ટમ (CMMS)’ પોર્ટલ પણ તૈયાર કરવામાં આવ્યું છે, જે પારદર્શિતા અને ડેટાની સુરક્ષા બંને સુનિશ્ચિત કરશે. કોરોના મહામારીને કારણે થયેલા વિલંબ બાદ હવે શરૂ થતી આ ડિજિટલ વસતી ગણતરી માત્ર આંકડાઓની કવાયત નહીં, પરંતુ ‘નવું ભારત’ રચવા માટેનો ઐતિહાસિક આધારસ્તંભ સાબિત થવાની અપેક્ષા રાખવામાં આવી રહી છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel