પાકિસ્તાનના ઇતિહાસમાં પહેલીવાર શક્તિશાળી ગુપ્તચર એજન્સી ISIના પૂર્વ પ્રમુખને જેલની સજા થઈ છે. લેફ્ટનન્ટ જનરલ (નિવૃત્ત) ફૈઝ હમીદ, જે પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનના સૌથી નજીકના ગણાતા હતા, તેમને ઓફિશિયલ સિક્રેટ એક્ટના ઉલ્લંઘન, રાજકીય હસ્તક્ષેપ અને સત્તાના દુરુપયોગ જેવા ગંભીર આરોપોમાં 14 વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી છે. આ નિર્ણયને વર્તમાન આર્મી ચીફ જનરલ અસીમ મુનીર દ્વારા પોતાના વિરોધી જૂથ પર કરવામાં આવેલી સૌથી મોટી કાર્યવાહી તરીકે જોવામાં આવી રહ્યો છે.
પાકિસ્તાની સેનાની મીડિયા વિંગ ISPR મુજબ, ફૈઝ હમીદ વિરુદ્ધ ફિલ્ડ જનરલ કોર્ટ માર્શલની કાર્યવાહી ઓગસ્ટ 2024માં શરૂ થઈ હતી અને લગભગ 15 મહિના ચાલેલી આ સુનાવણી બાદ તેમને દોષિત ઠેરવવામાં આવ્યા. ફૈઝ હમીદ એ જ વ્યક્તિ છે જેઓ 2021માં તાલિબાનના કાબુલ કબ્જા બાદ એક હોટલમાં ચા પીતા જોવા મળ્યા હતા અને તેમની તસવીર વાયરલ થઈ હતી.
આરોપોમાં રાજકીય ગતિવિધિઓમાં ગેરકાયદેસર સક્રિયતા, સિક્રેટ એક્ટનો ભંગ, સરકારી સંસાધનોનો દુરુપયોગ અને કેટલાંક લોકોને ગેરકાયદે નુકસાન પહોંચાડવું જેવા મુદ્દાઓ સામેલ છે. ISPRએ જણાવ્યું કે તેમને તેમની પસંદગીની ડિફેન્સ ટીમ સહિતના તમામ કાનૂની અધિકારો આપવામાં આવ્યા હતા, છતાં બધા આરોપો સાબિત થયા.
ફૈઝ હમીદને આ ચુકાદા સામે અપીલ કરવાનો અધિકાર રહેશે, પરંતુ સાથે જ તેમની રાજકીય તત્વો સાથેની સાંઠગાંઠ અને દેશમાં અસ્થિરતા ફેલાવવાનો આરોપ અંગેની અલગ તપાસ પણ ચાલી રહી છે. વર્તમાન સૈન્ય અને સરકારના વલણને જોતા, નિષ્ણાતો માને છે કે ફૈઝ હમીદ માટે આવનારા દિવસો વધુ મુશ્કેલ થઈ શકે છે અને તેમને વધુ સજાઓનો સામનો કરવો પડી શકે છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel