આંતરરાષ્ટ્રીય મજૂર દિવસના અવસર પર ગુજરાત સરકારે યુવાનો માટે રોજગારીના નવા દ્વાર ખોલવા મહત્વપૂર્ણ પહેલ કરી છે. રાજ્ય સરકાર ‘નમો ગુજરાત કૌશલ્ય અને રોજગાર મિશન’ને અમલી બનાવવા માટે આગળ વધી રહી છે અને આ યોજનાની ફાઇલ મંજૂરી માટે મોકલી દેવામાં આવી છે. આ મિશનનો મુખ્ય હેતુ ઉદ્યોગોની જરૂરિયાત પ્રમાણે કુશળ માનવશક્તિ તૈયાર કરવાનો છે.
25 લાખ યુવાનોને મળશે સ્કિલ ટ્રેનિંગ
આ યોજનાના અંતર્ગત રાજ્ય સરકાર પોતાના ખર્ચે કુલ 25 લાખ યુવાનોને ઉદ્યોગોમાં ટ્રેનિંગ આપવાનો લક્ષ્યાંક રાખી રહી છે. ચાલુ નાણાકીય વર્ષમાં જ 1 લાખ યુવાનોને કૌશલ્યવાન બનાવવાની યોજના છે. આ માટે વર્ષ 2026-27 માટે ₹226 કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે.
બાંધકામ શ્રમિકોને મળશે ચાલુ પગારે તાલીમ
બાંધકામ ક્ષેત્રમાં ટેકનોલોજીનો વધતો ઉપયોગ ધ્યાનમાં રાખીને શ્રમિકોને અપસ્કિલ કરવાની યોજના છે. ખાસ વાત એ છે કે આ શ્રમિકોને તાલીમ દરમિયાન ચાલુ વેતન આપવામાં આવશે, જેથી તેમને આવકમાં કોઈ નુકસાન ન થાય.
ગુજરાતમાં ઓછું વેતન: ચિંતાજનક આંકડા
રાષ્ટ્રીય આંકડાકીય કાર્યાલયના રિપોર્ટ અનુસાર ગુજરાતમાં કર્મચારીઓને સરેરાશ પ્રતિ કલાક માત્ર ₹55 વેતન મળે છે, જે દેશમાં છેલ્લેથી બીજું સ્થાન ધરાવે છે.
- પ્લાન્ટ/મશીન ઓપરેટર: ₹49 પ્રતિ કલાક
- મજૂરી કામદારો: ₹39 પ્રતિ કલાક
આથી સ્પષ્ટ થાય છે કે રાજ્યમાં સ્કિલ ડેવલપમેન્ટ દ્વારા આવક વધારવાની જરૂર છે.
દર વર્ષે 5 લાખ રોજગારી સર્જવાનો પડકાર
ગુજરાતમાં દર વર્ષે આશરે 5 લાખ યુવાનો માટે રોજગારી સર્જવાનો પડકાર ઉભો થાય છે. ખાસ કરીને ધોરણ 10, 12 અને સ્નાતક થયેલા યુવાનો માટે યોગ્ય રોજગારી ઉપલબ્ધ કરાવવી મોટી સમસ્યા છે. આ મિશન દ્વારા અનસ્કીલ્ડ યુવાનોને સ્કીલ્ડ બનાવી રોજગારી માટે તૈયાર કરવામાં આવશે.
આ ક્ષેત્રોમાં મળશે વિશેષ તાલીમ
યુવાનોને ભવિષ્યલક્ષી અને હાઈ-ટેક ક્ષેત્રોમાં તાલીમ આપવામાં આવશે:
- ગ્રીન હાઈડ્રોજન અને રિન્યુએબલ એનર્જી (સોલાર, વિન્ડ)
- આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને મશીન લર્નિંગ
- ઇલેક્ટ્રિક વાહન (EV) ટેકનોલોજી
- ડ્રોન ટેકનોલોજી (કૃષિ અને સર્વેક્ષણ)
- એરોસ્પેસ અને ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ
- ફિનટેક (GIFT City કેન્દ્રિત ડિજિટલ ફાઈનાન્સ)
- બાયોટેકનોલોજી અને ફાર્મા
ઉદ્યોગો સાથે ભાગીદારી: MOU દ્વારા અમલીકરણ
રાજ્ય સરકાર ઉદ્યોગો સાથે MOU કરીને આ મિશન અમલમાં મૂકાશે. તાલીમ સીધી ઉદ્યોગોમાં અથવા તેમના ટ્રેનિંગ સેન્ટરોમાં આપવામાં આવશે, જેથી યુવાનોને પ્રેક્ટિકલ અનુભવ મળે.
સરકાર તાલીમ આપતા ઉદ્યોગોને પ્રતિ કલાક પ્રતિ શ્રમિક ₹56ની સહાય પણ આપશે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel