દિલ્હી પોલીસ અને સુરક્ષા એજન્સીઓને મોટી સફળતા મળી છે. દિલ્હીના બોર્ડર વિસ્તારમાંથી લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલા આતંકી શબ્બીર અહમદ લોનની ધરપકડ કરવામાં આવી છે. ગુપ્ત માહિતીના આધારે ચલાવવામાં આવેલી સંયુક્ત કાર્યવાહી દરમિયાન તેને ઝડપી લેવાયો હતો. પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે કે તે બાંગ્લાદેશમાં રહીને Inter-Services Intelligence (ISI)ના ઈશારે આતંકી ગતિવિધિઓ ચલાવી રહ્યો હતો.
સુરક્ષા એજન્સીઓ મુજબ, શબ્બીર અહમદ લોન ભારત વિરોધી પ્રવૃત્તિઓ માટે લશ્કરનું નવું મોડ્યુલ તૈયાર કરી રહ્યો હતો. તેની ધરપકડ બાદ હવે તપાસ એ દિશામાં આગળ વધી રહી છે કે દિલ્હીની આસપાસ તથા અન્ય શહેરોમાં તેના કેટલા સાથીઓ સક્રિય છે. એજન્સીઓ દ્વારા તેની વિગતવાર પૂછપરછ ચાલી રહી છે, જેથી સંભવિત આતંકી નેટવર્કનો ભાંડો ફોડવામાં આવી શકે.
આ આતંકી કોઈ નવું નામ નથી. વર્ષ 2007માં દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે તેને AK-47 અને ગ્રેનેડ જેવા ઘાતક હથિયારો સાથે પકડ્યો હતો. તે સમયે તેના સીધા તાર હાફિઝ સઈદ સાથે જોડાયેલા હોવાનું બહાર આવ્યું હતું. આ કેસમાં તેને સજા ફટકારવામાં આવી હતી અને વર્ષ 2018 સુધી તે દિલ્હીની તિહાર જેલમાં રહ્યો હતો.
જેલમાંથી છૂટ્યા બાદ તે ફરી આતંકી ગતિવિધિઓમાં સક્રિય થયો હતો અને બાંગ્લાદેશને પોતાનું નવું ઓપરેશન બેઝ બનાવીને ભારત વિરોધી ષડયંત્રોને અંજામ આપવા લાગ્યો હતો. સુરક્ષા એજન્સીઓએ તેને પકડતા એક મોટા આતંકી નેટવર્કને તોડી પાડવામાં સફળતા મેળવી છે.
નોંધનીય છે કે છેલ્લા થોડા દિવસોમાં દિલ્હી અને દક્ષિણ ભારતના કેટલાક વિસ્તારોમાં લશ્કરના અન્ય મોડ્યુલનો પણ પર્દાફાશ થયો હતો. આ મોડ્યુલ દ્વારા દિલ્હી અને કોલકાતા જેવા શહેરોમાં ભારત વિરોધી પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા. આ પરિસ્થિતિમાં શબ્બીર અહમદ લોનની ધરપકડને એક મોટી સિદ્ધિ માનવામાં આવી રહી છે.
સુરક્ષા એજન્સીઓ માને છે કે આ ધરપકડથી ઘણા સંભવિત આતંકી ષડયંત્રોનો પર્દાફાશ થઈ શકે છે અને દેશની સુરક્ષા માટે આ એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel