પંજાબ પોલીસના વરિષ્ઠ IPS અધિકારી અને રોપર રેન્જના ડેપ્યુટી ઈન્સ્પેક્ટર જનરલ (DIG) હરચરણ સિંઘ ભુલ્લારને ગુરુવારે CBI દ્વારા રંગે હાથ લાંચ લેતા ઝડપાયા છે. આ કેસે સમગ્ર પંજાબ પોલીસ તંત્રમાં હલચલ મચાવી દીધી છે, કારણ કે ભુલ્લારનો અત્યાર સુધીનો ટ્રેક રેકોર્ડ રાજકીય રીતે સંવેદનશીલ કેસોમાં મહત્વપૂર્ણ રહ્યો હતો. ભુલ્લાર પર આરોપ છે કે તેમણે ફતેહગઢ સાહિબના કચ્છવાળા વેપારી આકાશ બટ્ટા પાસેથી ખોટી FIR “સેટલ” કરવા માટે ₹8 લાખની લાંચ લીધી હતી. આકાશે સીબીઆઈ પાસે લેખિતમાં ફરિયાદ કરી હતી કે ભુલ્લાર તેમને ખોટી FIRમાં ફસાવવાની ધમકી આપી રહ્યા હતા અને આ કેસ તેમના કચ્છના વ્યવસાય સાથે સંબંધિત છે. ફરિયાદ મુજબ, DIG ભુલ્લારે તેમના સહાયક કૃષ્ણુ મારફતે લાંચની માંગ કરી હતી. શરૂઆતમાં ₹8 લાખની માગણી થઈ હતી અને બાદમાં દર મહિને નિયમિત “સેટલમેન્ટ” માટે લાંચ આપવાની ફરજ પાડવામાં આવી હતી. આકાશે એ પણ જણાવ્યું કે ભુલ્લારે ઑગસ્ટ અને સપ્ટેમ્બર 2025 માટેની લાંચની પણ માંગ કરી હતી, પરંતુ તે ચૂકવી ન શકતા તેમણે સીબીઆઈનો સંપર્ક કર્યો.
CBIએ આ ફરિયાદની ગુપ્ત તપાસ હાથ ધરી અને 11 ઑક્ટોબર 2025ના રોજ ચંડીગઢના સેક્ટર 9-ડી માર્કેટમાં વોટ્સએપ કોલનું રેકોર્ડિંગ કર્યું, જેમાં ભુલ્લારે પોતાના સહાયક કૃષ્ણુને આકાશ પાસેથી ₹8 લાખ લેવાનો આદેશ આપ્યો હતો. આ કોલ ભુલ્લારના નોંધાયેલા મોબાઈલ નંબર પરથી કરવામાં આવ્યો હતો અને તેનું રેકોર્ડિંગ CBIના હાથમાં આવ્યું. પુરાવા પૂરતા મળ્યા બાદ CBIએ 16 ઑક્ટોબર 2025ના રોજ મોહાલીમાં ટ્રેપ લગાવ્યો અને DIG ભુલ્લારને રંગે હાથ લાંચ લેતા પકડી પાડ્યા.
ધરપકડ બાદ CBIએ તેમના ઘર, કાર્યાલય અને અન્ય સંબંધિત સ્થળોએ દરોડા પાડ્યા, જેમાંથી ચોંકાવનારી સંપત્તિ બહાર આવી. તપાસ દરમિયાન ₹5 કરોડથી વધુ રોકડ, બેગોમાં ભરેલા નોટોના થેલા, 1.5 કિલો સોનાનાં ઘરેણાં, મર્સીડીઝ અને ઓડી જેવી લક્ઝરી કારોની ચાવીઓ, 22 મોંઘી સ્વિસ ઘડિયાળો, અચલ મિલકતોના દસ્તાવેજો, 40 લિટર વિદેશી દારૂની બોટલો, એક ડબલ-બેરલ ગન, એક પિસ્તોલ, એક રિવોલ્વર અને એક એરગન જેવી મોંઘી અને પ્રતિબંધિત વસ્તુઓ મળી આવી છે.
હરચરણ સિંઘ ભુલ્લાર પંજાબ પોલીસના પૂર્વ ડાયરેક્ટર જનરલ (DGP) મેહલ સિંઘ ભુલ્લારના પુત્ર છે. તેમણે નવેમ્બર 2024માં રોપર રેન્જમાં DIG તરીકે ચાર્જ સંભાળ્યો હતો અને તે પહેલાં તેઓ પટિયાલા રેન્જમાં કાર્યરત હતા. આમ આદમી પાર્ટી (AAP) સરકારના એન્ટી-ડ્રગ્સ અભિયાનમાં ભુલ્લારની મુખ્ય ભૂમિકા રહી હતી. ખાસ કરીને તેઓએ શિરોમણી અકાલી દળના નેતા બિક્રમસિંઘ મજીઠિયાના વિવાદાસ્પદ ડ્રગ્સ સ્મગ્લિંગ કેસમાં પૂછપરછ પણ કરી હતી. પરંતુ irony એ છે કે આજે એ જ અધિકારી પોતે ભ્રષ્ટાચાર અને લાંચના આરોપોમાં ફસાયા છે.
CBI હવે ભુલ્લારના અસમાન્ય સંપત્તિના સ્ત્રોતોની તપાસ કરી રહી છે અને પ્રાથમિક તારણો અનુસાર તેમની મિલકતો અને રોકડ સંપત્તિ તેમના સત્તાવાર આવક સ્ત્રોતો કરતાં અનેકગણી વધારે હોવાનું જણાયું છે. આ કેસ હવે પંજાબ પોલીસ માટે ગંભીર પ્રતિષ્ઠાનો મુદ્દો બની ગયો છે, કારણ કે રાજ્ય સરકારે ભુલ્લારને મહત્વપૂર્ણ એન્ટી-ડ્રગ્સ અને એન્ટી-ક્રાઈમ અભિયાનમાં વિશ્વાસપાત્ર અધિકારી તરીકે રજૂ કર્યો હતો. હવે તેમની ધરપકડ બાદ સરકાર અને પોલીસ તંત્ર બંને પર સવાલો ઉઠી રહ્યા છે કે આવા ભ્રષ્ટાચારના કેસો પોલીસની છબી પર કેટલો પ્રભાવ પાડશે.
CBIના વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યું છે કે ભુલ્લાર સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમો હેઠળ કેસ નોંધાયો છે અને તેમની કસ્ટડીમાં વધુ પૂછપરછ ચાલી રહી છે. તપાસનો ફોકસ હવે આ છે કે આ લાંચ કિસ્સો એકલો છે કે પછી કોઈ વધુ નેટવર્ક અથવા ગેરકાયદે કમાણીના માળખા સાથે જોડાયેલો છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel