વિધાનસભાના ગૃહમાં મહિલા અને બાળ વિકાસ મંત્રીએ રાજ્યમાં કુપોષણની સ્થિતિ અંગે મહત્વપૂર્ણ વિગતો રજૂ કરતા જણાવ્યું કે રાજ્ય સરકારના સર્વગ્રાહી અભિગમ અને રિયલ ટાઈમ મોનિટરિંગના માધ્યમથી ગુજરાતમાં કુપોષણના દરમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. મંત્રીએ જણાવ્યું કે કેન્દ્ર સરકારના ‘પોષણ ટ્રેકર’ ડેટા અનુસાર, જાન્યુઆરી 2025માં ગુજરાતમાં ઓછા વજનવાળા બાળકોની ટકાવારી 20.5 ટકા હતી, જે જાન્યુઆરી 2026માં ઘટીને માત્ર 11.4 ટકા થઈ ગઈ છે. આમ એક જ વર્ષમાં 9.1 ટકાનો મોટો ઘટાડો નોંધાયો છે, જે NFHS-5ના જૂના આંકડાઓ સાથે તુલના કરતાં રાજ્યની ઝડપી પ્રગતિ દર્શાવે છે.
મંત્રીએ ભારપૂર્વક જણાવ્યું કે કુપોષણ માત્ર આરોગ્યનો મુદ્દો નહીં પરંતુ સામાજિક ચિંતાનો પણ વિષય છે. તે કહ્યું કે બાળ સંકલિત વિકાસ યોજના હેઠળ આપવામાં આવતો આહાર બાળકની દૈનિક જરૂરિયાતનો ત્રીજો ભાગ પૂરું પાડે છે, અને પરિવાર તથા સમાજની સક્રિય ભાગીદારીથી રાજ્યને સંપૂર્ણ રીતે સુપોષિત બનાવી શકાય છે.
જિલ્લા પ્રમાણે સ્થિતિનું વિશ્લેષણ કરતાં અરવલ્લી જિલ્લામાં કુપોષિત બાળકોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. મોડાસા તાલુકામાં 10.9 ટકા અને બાયડમાં 9.5 ટકાનો ઘટાડો નોંધાયો છે. સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા એક વર્ષમાં સરેરાશ 5.7 ટકાનો ઘટાડો થયો છે, જેમાં ખેડબ્રહ્મા તાલુકામાં સૌથી વધુ 12.5 ટકાનો સુધારો જોવા મળ્યો છે.
રાજ્ય સરકાર કુપોષણ મુક્ત ગુજરાતના સંકલ્પને સાકાર કરવા માટે અનેક યોજનાઓ ચલાવી રહી છે. 6 માસથી 3 વર્ષના બાળકો માટે ‘બાલશક્તિ’ પેકેટ, સગર્ભા અને ધાત્રી માતાઓ માટે ‘માતૃશક્તિ’ પેકેટ, તેમજ કિશોરીઓ માટે ‘પૂર્ણાશક્તિ’ પેકેટનું વિતરણ કરવામાં આવે છે. પોષણ સુધા યોજના અંતર્ગત 14 આદિજાતિ જિલ્લાઓમાં સગર્ભા અને ધાત્રી માતાઓને આંગણવાડી કેન્દ્ર પર એકવાર સંપૂર્ણ ગરમ ભોજન આપવાની વ્યવસ્થા છે, જે માતાઓ અને બાળકોએ યોગ્ય પોષણ પ્રાપ્ત કરવા માટે મહત્વપૂર્ણ સાબિત થઈ રહી છે.
મંત્રીએ ઉમેર્યું કે, રાજ્યમાં આ સર્વગ્રાહી અને ટેકનોલોજી આધારિત અભિગમથી માત્ર કુપોષણની ટકાવારીમાં ઘટાડો થયો નથી, પરંતુ બાળકના આરોગ્ય, વૃદ્ધિ અને માનસિક વિકાસમાં પણ નોંધપાત્ર સુધારો જોવા મળી રહ્યો છે. સરકારનો લક્ષ્ય એ છે કે આગામી વર્ષોમાં સમગ્ર રાજ્યને કુપોષણમુક્ત બનાવવું અને દરેક બાળકને યોગ્ય પોષણ અને વિકાસની તક પૂરી પાડવી.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel