Ahmedabad શહેરના ઘીકાંટા વિસ્તારમાં આવેલી જિલ્લા રજિસ્ટ્રાર ઓફિસ 3 માર્ચે ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે છાવણીમાં ફેરવાઈ ગઈ હતી. એક મુસ્લિમ યુવક અને હિન્દુ યુવતી પ્રેમલગ્ન કરવા માટે પહોંચતા જ હિન્દુ સંગઠનો દ્વારા સ્થળ પર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ઘટનાને પગલે કોર્ટ પરિસરમાં તંગદિલીભર્યો માહોલ સર્જાયો હતો.
‘લવ જેહાદ’ના આક્ષેપ સાથે વિરોધ
યુવતીના પરિવારજનો અને કેટલાક હિન્દુ સંગઠનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો કે રજિસ્ટ્રાર ઓફિસમાં બંધ બારણે સેટિંગ ગોઠવીને લગ્ન પ્રક્રિયા હાથ ધરાઈ રહી હતી. યુવતીને પ્રેમજાળમાં ફસાવવામાં આવી હોવાના દાવા સાથે આ ઘટનાને ‘લવ જેહાદ’ તરીકે રજૂ કરવામાં આવી હતી.
વકીલના વેશમાં આવતાં વિવાદ
આ સમગ્ર ઘટનામાં યુવતીના પહેરવેશને લઈને વધુ ચર્ચા થઈ રહી છે. યુવતી વકીલના ડ્રેસમાં કોર્ટમાં આવી હતી. અન્ય વકીલોએ આ અંગે વિરોધ નોંધાવ્યો હતો, કારણ કે યુવતી વકીલ ન હોવા છતાં વકીલના સ્વાંગમાં આવી હતી.
વરિષ્ઠ વકીલોએ જણાવ્યું કે, આ મામલે કારંજ પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવી છે અને બંને વ્યક્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.
નરોડાના સલમાન મન્સૂરી સાથે લગ્નનો પ્રયાસ
યુવતી નરોડા વિસ્તારના સલમાન મન્સૂરી સાથે કોર્ટ મેરેજ કરવા પહોંચી હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો અને પરિસ્થિતિ કાબૂમાં લેવા પ્રયત્ન કર્યો. યુવતીના પરિવારે આ લગ્નનો કડક વિરોધ નોંધાવ્યો છે અને યુવતીને ભ્રમિત કરવામાં આવી હોવાનો આરોપ લગાવ્યો છે.
પોલીસ તપાસ શરૂ
પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે. કોર્ટ પરિસરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વધારાનો પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો
Like, Share and Subscribe our YouTube channel