નવી દિલ્હીમાં યોજાયેલી ‘ઇન્ડિયા AI ઇમ્પેક્ટ સમિટ’ દરમિયાન થયેલા હોબાળા અને નગ્ન પ્રદર્શન મામલે દિલ્હી પોલીસે મોટી કાર્યવાહી કરી છે. ઇન્ડિયન યૂથ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ ઉદય ભાનુ ચિબની ધરપકડ બાદ પોલીસ હવે સમગ્ર ઘટનાના સૂત્રધાર તરીકે તેમની ભૂમિકાની તપાસ કરી રહી છે. પ્રાથમિક તપાસમાં પોલીસને શંકા છે કે વિરોધ પ્રદર્શનનું આયોજન સુનિયોજિત રીતે કરવામાં આવ્યું હતું.
QR કોડથી પ્રવેશ, અંદર રાજકીય સ્લોગન સાથે પ્રદર્શન
માહિતી મુજબ, બપોરે અંદાજે 12:30 વાગ્યે કોંગ્રેસ સાથે જોડાયેલા કાર્યકર્તાઓનું એક જૂથ AI ઇમ્પેક્ટ એક્સ્પો અને સમિટના હોલમાં પહોંચ્યું હતું. તેઓએ ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવી QR કોડ મારફતે નિયમિત રીતે પ્રવેશ મેળવ્યો હતો. સ્વેટર અને જેકેટ પહેરીને સામાન્ય પ્રતિનિધિઓ જેવી એન્ટ્રી લીધા બાદ, અંદર પ્રવેશતાં જ બહારનાં કપડાં ઉતારી રાજકીય સ્લોગનવાળી ટી-શર્ટ પ્રદર્શિત કરી હતી.
આ ટી-શર્ટ પર વડા પ્રધાન અને કેન્દ્ર સરકાર વિરુદ્ધ સૂત્રો ઉપરાંત ભારત-અમેરિકા વેપાર કરાર સામેના નારા લખાયેલા હતા. ઘટનાથી સમિટ સ્થળ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
તિલક માર્ગ પોલીસ સ્ટેશનમાં પૂછપરછ બાદ ધરપકડ
ઘટના બાદ કેસ નોંધાઈ અને ઉદય ભાનુ ચિબને તિલક માર્ગ પોલીસ સ્ટેશનમાં બોલાવી કલાકો સુધી પૂછપરછ કરવામાં આવી. અહેવાલો અનુસાર, તેમને વહેલી સવારે લગભગ 4:30 વાગ્યે કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા અને આશરે 20 કલાક સુધી પોલીસ કસ્ટડીમાં રાખવામાં આવ્યા. ત્યારબાદ સત્તાવાર રીતે તેમની ધરપકડ જાહેર કરવામાં આવી.
કુલ 7 આરોપીઓ ઝડપાયા
આ કેસમાં અત્યાર સુધી કુલ 7 લોકોની ધરપકડ થઈ છે. ઉદય ભાનુ ચિબ સિવાય જિતેન્દ્ર યાદવ (ગ્વાલિયર), રાજા ગુજ્જર, વિમલ અજય કુમાર, કૃષ્ણ હરિ, કુંદન યાદવ, અજય કુમાર અને નરસિંહ યાદવના નામ સામે આવ્યા છે.
પોલીસના જણાવ્યા મુજબ, ચિબ આ સમગ્ર વિરોધના આયોજન અને કાવતરામાં મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા હતા તેવા પુરાવા મળ્યા છે. તમામ આરોપીઓને સામસામે બેસાડી વધુ પૂછપરછ કરવામાં આવશે.
FIRમાં ક્રિમિનલ કન્સ્પિરસી, જાહેર સેવકને ઇજા પહોંચાડવી, અનધિકૃત ભેગી થવું (અનઓથોરાઇઝ્ડ એસેમ્બલી) સહિતની કલમો લાગુ કરવામાં આવી છે. દિલ્હી પોલીસનો દાવો છે કે કાર્યક્રમની સુરક્ષા અને શાંતિ ભંગ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જેને ધ્યાનમાં રાખીને કાયદાકીય કાર્યવાહી હાથ ધરાઈ છે.
પોલીસ હવે ડિજિટલ પુરાવા, કોલ ડીટેઇલ રેકોર્ડ અને ઇવેન્ટ રજિસ્ટ્રેશન ડેટાની પણ તપાસ કરી રહી છે, જેથી સમગ્ર કાવતરાની કડી સ્પષ્ટ થઈ શકે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel
🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat
🔗 https://www.youtube.com/@oneindianewscom