તમિલનાડુના કોઈમ્બતુર જિલ્લામાં બનેલી એક હચમચાવી દેનારી ઘટનામાં કોલેજની વિદ્યાર્થિની પર બોયફ્રેન્ડ સામે જ ત્રણ નરાધમોએ સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. આ કેસમાં ફરાર રહેલા ત્રણેય આરોપીઓને સોમવારે પોલીસે એન્કાઉન્ટર બાદ ધરપકડ કરી છે. પોલીસે જણાવ્યું કે, આરોપીઓએ પકડાયા સમયે પોલીસ ટીમ પર દાતરડાં વડે હુમલો કરવાનો પ્રયાસ કર્યો, જેના જવાબમાં સ્વબચાવ માટે પોલીસે ગોળીબાર કર્યો હતો. ગોળી વાગતા ત્રણેય આરોપીઓના પગમાં ઈજા થઈ હતી, ત્યારબાદ તેમને કોઈમ્બતુરની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઈજાગ્રસ્ત પોલીસકર્મીને પણ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો છે.
અહેવાલો મુજબ, ધરપકડ કરાયેલા ત્રણેય આરોપીઓની ઓળખ થવાસી, કરુપ્પાસ્વામી અને કાલીશ્વરન તરીકે થઈ છે. ત્રણેય શિવગંગાઈ જિલ્લાના રહેવાસી છે અને કોઈમ્બતુરમાં એક કન્સ્ટ્રક્શન કંપનીમાં કામ કરતા હતા. પોલીસે જણાવ્યું કે તેઓ રવિવારે (૨ નવેમ્બર) રાત્રે બનેલી દુષ્કર્મની ઘટનામાં મુખ્ય આરોપી છે.
પીડિતા કોલેજની વિદ્યાર્થિની છે અને તે પોતાના બોયફ્રેન્ડ સાથે કારમાં બહાર ગઈ હતી. રાત્રિભોજન બાદ તેઓ કોઈમ્બતુર એરપોર્ટ નજીક એકાંત વિસ્તારમાં કાર પાર્ક કરીને બેઠા હતા. એ સમયે રાત્રે લગભગ ૧૧ વાગ્યે ત્રણ અજાણ્યા શખ્સોએ તેમની કાર પર પથ્થર ફેંકીને હુમલો કર્યો. હુમલાખોરોએ બોયફ્રેન્ડને કારની બહાર ખેંચીને છરી બતાવી ધમકી આપી અને તેની ઉપર હિંસક હુમલો કર્યો, જેના કારણે તેને માથામાં ગંભીર ઈજા પહોંચી. ત્યારબાદ આ ત્રણેયે વિદ્યાર્થિનીને જબરજસ્તી કારમાંથી બહાર કાઢી, એરપોર્ટથી આશરે એક કિલોમીટર દૂર એક ખાલી પડેલા મોટર શેડમાં લઈ ગયા અને તેની પર સામૂહિક દુષ્કર્મ આચર્યું.
આ ઘટના બાદ આખા તમિલનાડુમાં આક્રોશ ફેલાયો છે. પીડિતાને હોસ્પિટલમાં દાખલ કરીને સારવાર આપવામાં આવી રહી છે. આ કેસે રાજ્યના રાજકારણમાં પણ ઉથલપાથલ મચાવી દીધી છે. AIADMKના મહાસચિવ ઈ. પલાનીસ્વામીએ (E. Palaniswami) શાસક DMK સરકાર પર ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું કે “DMKના શાસનમાં મહિલાઓની સલામતી જોખમમાં છે. અમારા શાસન દરમિયાન તમિલનાડુ મહિલાઓ માટે સૌથી સુરક્ષિત રાજ્ય હતું, પણ હવે કાયદો અને વ્યવસ્થા સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ છે.”
પોલીસે જણાવ્યું છે કે આરોપીઓના ક્રિમિનલ રેકોર્ડની તપાસ ચાલી રહી છે અને ઘટના અંગે ફોરેન્સિક તપાસ સાથે વિશેષ ટીમને વધુ પુરાવા એકત્ર કરવા માટે નિયુક્ત કરવામાં આવી છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel