કેનેડાએ તાજેતરમાં ઈમિગ્રેશન નીતિમાં કરેલા ફેરફારોના પગલે ભારતીય વિદ્યાર્થીઓ માટે સ્ટુડન્ટ વિઝા મેળવવાનું કામ અત્યંત મુશ્કેલ બની ગયું છે. ઑગસ્ટ 2025માં કેનેડાએ ભારતીય વિદ્યાર્થીઓની 74 ટકા વિઝા એપ્લિકેશનો ફગાવી દીધી છે, જે અગાઉના વર્ષોની સરખામણીએ ખૂબ મોટો વધારો દર્શાવે છે. જો સરળ શબ્દોમાં કહીએ, તો કેનેડા જવા માંગતા દર ચારમાંથી ત્રણ ભારતીય વિદ્યાર્થીઓની વિઝા અરજી નકારી દેવામાં આવી છે. આ આંકડો ગયા વર્ષના 32 ટકા રિજેકશન રેટથી બમણો છે, જે ભારતીય વિદ્યાર્થીઓમાં ચિંતા અને અનિશ્ચિતતા પેદા કરી રહ્યો છે.
સરકારી આંકડાઓ અનુસાર, ઑગસ્ટ 2025માં કુલ 4,515 ભારતીય વિદ્યાર્થીઓએ કેનેડા માટે વિઝા માટે અરજી કરી હતી, જેમાંથી માત્ર 1,196ને મંજૂરી મળી, જ્યારે બાકીની અરજીઓ રદ કરવામાં આવી. તેની તુલનામાં 2023ના ઑગસ્ટ મહિનામાં 20,900 અરજીઓ મંજૂર કરવામાં આવી હતી, જે બતાવે છે કે કેનેડાની વિઝા નીતિ હવે કેટલી કડક બની ગઈ છે.
ભારતીય વિદ્યાર્થીઓ કેનેડામાં અભ્યાસ માટે સૌથી મોટો સમૂહ બની ચૂક્યા છે. 2000ના દાયકાની શરૂઆતમાં કેનેડા જતાં વિદ્યાર્થીઓમાં ભારતનો હિસ્સો માત્ર 2 ટકા હતો, પરંતુ વર્ષ 2023 સુધીમાં તે વધી ને સૌથી મોટો વિદેશી વિદ્યાર્થી સમૂહ બની ગયો હતો. જોકે, હાલના સમયમાં ઈમિગ્રેશન નીતિમાં થયેલા ફેરફારોને કારણે આ પ્રવૃત્તિમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે.
કેનેડાની સરકારે જણાવ્યું છે કે આ ફેરફારનો મુખ્ય ઉદ્દેશ અસ્થાયી પ્રવાસીઓની વધતી સંખ્યા પર નિયંત્રણ લાવવો અને સ્ટુડન્ટ વિઝા સાથે જોડાયેલી છેતરપિંડી અટકાવવી છે. છેલ્લા કેટલાક મહિનાઓમાં કેટલીક કોલેજો અને એજન્ટો દ્વારા વિઝા પ્રક્રિયામાં ગેરરીતિઓના કેસ વધ્યા હતા, જેના પગલે સરકારે નીતિ વધુ કડક બનાવી છે.
પરિણામે, કેનેડામાં અભ્યાસ કરવા ઇચ્છતા અનેક ભારતીય વિદ્યાર્થીઓ હાલ વિઝા રિજેકશનની મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ઘણા વિદ્યાર્થીઓના સપના અર્ધવટે અટકી ગયા છે, જ્યારે અન્ય દેશો — જેમ કે ઑસ્ટ્રેલિયા, યુકે અને યુએસ — તરફ વિદ્યાર્થીઓનું વલણ વધી રહ્યું છે. શિક્ષણ નિષ્ણાતોના કહેવા મુજબ, જો કેનેડા આ કડક નીતિ પર ટકી રહેશે, તો આગામી વર્ષોમાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા તેમાં નોંધપાત્ર રીતે ઘટી શકે છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel