વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાપાનના હિરોશિમામાં G-7 શિખર સંમેલન દરમિયાન યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકી સાથે મુલાકાત કરી અને વાતચીત કરી હતી. રશિયા-યુક્રેન યુદ્ધ બાદ પીએમ મોદી પહેલીવાર ઝેલેન્સકીને મળ્યા હતા. ગયા વર્ષે ફેબ્રુઆરીમાં યુક્રેન રશિયા યુદ્ધાના માહોલ બાદ આ બંને નેતાઓ વચ્ચે રૂબરૂ પ્રથમ મુલાકાત છે.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, યુક્રેનમાં ચાલી રહેલું યુદ્ધ સમગ્ર વિશ્વ માટે એક મોટો મુદ્દો છે. સમગ્ર વિશ્વ પર તેની ઘણી અસરો પણ થઈ છે. હું તેને રાજકીય મુદ્દો નથી માનતો, મારા માટે તે માનવતાનો મુદ્દો છે. ભારત અને હું વ્યક્તિગત રીતે તેના ઉકેલ માટે અમે જે કંઈ કરી શકીએ તે કરીશું.’
યુક્રેનના રાષ્ટ્રપતિ જાપાનના આમંત્રણ પર સમિટમાં ભાગ લઈ રહ્યા છે. પૂર્વી યુરોપીય દેશમાં સંઘર્ષ શરૂ થયા બાદ યુક્રેનના પ્રથમ નાયબ વિદેશ મંત્રી એમિન ઝાપારોવા ગયા મહિને ભારતની મુલાકાતે આવ્યા હતા. ભારતની પ્રથમ ઉચ્ચ સ્તરીય મુલાકાતમાં, યુક્રેનના પ્રધાન ઝાપારોવાએ ભારતીય વિદેશ રાજ્ય મંત્રી મીનાક્ષી લેખીને રાષ્ટ્રપતિ ઝેલેન્સકી દ્વારા પીએમ મોદીને લખેલો પત્ર સોંપ્યો હતો. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે, રશિયા-યુક્રેન સંઘર્ષ માત્ર વાતચીત અને રાજદ્વારી દ્વારા ઉકેલી શકાય છે અને “ભારત કોઈપણ શાંતિ પ્રયાસોમાં યોગદાન આપવા તૈયાર છે”.
પીએમ મોદી ત્રણ દેશના પ્રવાસે ગયા છે. પ્રથમ તબક્કામાં તેઓ G7 સમિટના ત્રણ સત્રોમાં ભાગ લેવા માટે આજે સવારે જાપાનના શહેર જવા રવાના થયા હતા. આ સિવાય અન્ય બે દેશોમાં તેઓ પાપુઆ ન્યૂ ગિની અને ઓસ્ટ્રેલિયાની પણ મુલાકાત લેશે.