જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં હિંદુ આસ્થા અને સાંસ્કૃતિક વારસા સાથે જોડાયેલા મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. શ્રીનગરના ફતેહ કદલ વિસ્તારમાં આવેલું લગભગ 700 વર્ષ જૂનું દુર્ગેશ્વરી દેવી મંદિર 37 વર્ષ બાદ ફરી ખોલવામાં આવ્યું છે. 24 નવેમ્બર, 2026ના રોજ મંદિરમાં વિધિવત્ પૂજાપાઠ કરવામાં આવ્યા હતા. 1990ના દાયકામાં કાશ્મીરમાં આતંકવાદ અને કાશ્મીરી હિંદુઓના પલાયનને કારણે બંધ પડેલું આ મંદિર દાયકાઓ બાદ ફરી જીવંત બન્યું છે. મંદિરના જીર્ણોદ્ધારથી શ્રદ્ધાળુઓમાં આનંદની લાગણી જોવા મળી રહી છે, ત્યારે તેના બંધ થવા પાછળનો ઐતિહાસિક ઘટનાક્રમ પણ ફરી ચર્ચામાં આવ્યો છે.
આતંકવાદ અને કાશ્મીરી હિંદુઓના પલાયન બાદ બંધ થયું હતું મંદિર
1990ના દાયકામાં કાશ્મીર ખીણમાં ઇસ્લામી ઉગ્રવાદી સંગઠનોના આતંકવાદ, ધમકીઓ અને હિંસાને કારણે મોટી સંખ્યામાં કાશ્મીરી હિંદુઓને પોતાનાં ઘરબાર છોડીને પલાયન કરવાની ફરજ પડી હતી. આ સમયગાળા દરમિયાન અનેક હિંદુ ધર્મસ્થાનોને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું, જ્યારે અનેક મંદિરો નિયમિત પૂજાપાઠ અને સારસંભાળના અભાવે જર્જરિત થઈ ગયાં હતાં.
શ્રીનગરનો ફતેહ કદલ વિસ્તાર પણ આ પરિસ્થિતિથી બાકાત રહ્યો નહોતો. અહીં આવેલું દુર્ગેશ્વરી દેવી મંદિર એક સમયે સ્થાનિક હિંદુ સમુદાયની ધાર્મિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું મહત્વપૂર્ણ કેન્દ્ર હતું. મંદિરની સાથે એક પાઠશાળા પણ કાર્યરત હતી, જ્યાં બાળકો અભ્યાસ કરતા હતા. જોકે, કાશ્મીરી હિંદુઓના પલાયન બાદ મંદિર અને પાઠશાળા બંનેની પ્રવૃત્તિઓ બંધ થઈ ગઈ હતી.
સાત સૈકા જૂનું મંદિર દાયકાઓ સુધી રહ્યું ખંડેર હાલતમાં
લગભગ 700 વર્ષનો ઐતિહાસિક વારસો ધરાવતું દુર્ગેશ્વરી દેવી મંદિર પલાયન બાદ લાંબા સમય સુધી ઉપેક્ષિત રહ્યું હતું. મંદિરમાં નિયમિત પૂજાપાઠ કરનાર અને તેની જાળવણી કરનાર લોકો ન રહેતાં મંદિર પરિસરમાં કચરાના ઢગલા થઈ ગયા હતા. ઠેરઠેર ઝાડી-ઝાંખરાં ઊગી નીકળ્યાં હતાં અને રખડતા શ્વાનોનો અડ્ડો બની ગયો હતો.
એક સમયે શ્રદ્ધાળુઓની અવરજવર અને મંત્રોચ્ચારથી ગુંજતું મંદિર વર્ષો સુધી સૂમસામ રહ્યું હતું. મંદિરની આ સ્થિતિ કાશ્મીરી હિંદુઓના વિસ્થાપન અને તેમના ધાર્મિક વારસાને થયેલા નુકસાનની યાદ અપાવતી હતી.
કાશ્મીરી પંડિત શશિ ટીકુએ લીધો મંદિરના જીર્ણોદ્ધારનો સંકલ્પ
સ્થાનિક કાશ્મીરી પંડિત શશિ ટીકુએ મંદિરની દયનીય સ્થિતિ નિહાળ્યા બાદ તેના જીર્ણોદ્ધારનો સંકલ્પ કર્યો હતો. તેમણે મંદિર પરિસરની સફાઈ, જાળવણી અને પુનઃસ્થાપન માટે પ્રયાસો શરૂ કર્યા હતા. તેમનું માનવું હતું કે જે રીતે લોકો પોતાનાં ઘરની સ્વચ્છતા અને જાળવણી કરે છે, તેવી જ રીતે ઐતિહાસિક અને ધાર્મિક મહત્વ ધરાવતા સ્થળોની જાળવણી કરવી પણ સૌની જવાબદારી છે.
તેમના પ્રયાસો અને સ્થાનિક લોકોના સહયોગથી મંદિરના જીર્ણોદ્ધારની કામગીરી નવેમ્બર સુધીમાં પૂર્ણ કરવામાં આવી હતી. આખરે 24 નવેમ્બરે મંદિરનાં કપાટ ફરી ખોલવામાં આવ્યાં અને દાયકાઓ બાદ વિધિવત્ પૂજાપાઠ કરવામાં આવ્યા હતા.
કાશ્મીરના ફતેહ કદલ વિસ્તારમાં સાડા ત્રણ દાયકા બાદ ફરી ખૂલેલા મંદિરના જીર્ણોદ્ધાર અને પૂજાપાઠના અહેવાલો પર મીડિયાના દૃષ્ટિકોણ સામે તીવ્ર પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે. જ્યારે કોઈ જૂનું મંદિર ફરી શરૂ થાય છે, ત્યારે મીડિયા દ્વારા ‘સાંપ્રદાયિક સૌહાર્દ’ અને ‘ભાઈચારા’ જેવા શબ્દોનો ઉપયોગ કરીને સ્થાનિક મુસ્લિમ સમુદાય દ્વારા અપાયેલા સહયોગ, પાણી કે અન્ય વ્યવસ્થાઓનો ઉલ્લેખ કરવામાં આવે છે, પરંતુ તેની પાછળનો ઐતિહાસિક સંદર્ભ અને મંદિર બંધ થવા પાછળનાં કારણોને અવગણવામાં આવે છે.
મંદિર ફરી ખૂલવાની ઘટનાને માત્ર વર્તમાનના સહકારના ચશ્માથી જોવી એ ભૂતકાળની કડવી વાસ્તવિકતાઓને ઢાંકવા સમાન છે, કારણ કે આ મંદિર લગભગ 35 વર્ષ સુધી બંધ કેમ રહ્યું, તેને બંધ થવાની સ્થિતિમાં કોણે મૂક્યું અને સ્થાનિક કાશ્મીરી પંડિતો કે હિંદુ સમુદાયને કયા સંજોગોમાં ત્યાંથી સ્થળાંતર કરવાની ફરજ પડી—આ મૂળભૂત ઐતિહાસિક પ્રશ્નોની ચર્ચા થવી અત્યંત જરૂરી છે.
મદદ કરનારાઓનો મજહબ શોધી લાવનારાઓને મંદિર બંધ થયું તે પાછળના સંજોગો ઊભા કરનારાઓના મજહબની જાણકારી નથી? મંદિરમાં પૂજાપાઠ કરનારાઓની પેઢીઓ ખતમ કોણે કરી, રાતોરાત ‘રલીવ…ગલીવ… ચલીવ’નાં એલાનો કરીને તેમને કાઢી કોણે મૂક્યા તેની પણ જાણકારી નથી?
વર્તમાન સમયમાં સ્થાનિક સ્તરે કોઈએ મદદ કરી હોય કે મંદિરના પુનઃનિર્માણમાં અવરોધ ઊભો ન કર્યો હોય, તો પણ તેનો અર્થ એ નથી કે ભૂતકાળમાં થયેલી હિંસા, વિસ્થાપન કે મંદિરોને થયેલા નુકસાનની સ્મૃતિ ભૂંસી નાખવામાં આવે.
જેમ આખા કાશ્મીરમાંથી હિંદુઓને ભગાડી દેવામાં આવ્યા, તેમાં આ ફતેહ કદલ વિસ્તાર પણ બાકાત ન હતો. અહીં પણ હિંદુઓ પર હુમલા થયા, મારી-કાપીને બાકી બચ્યા તેમને ભગાડી દેવામાં આવ્યા. તેમનાં ઘરબાર લૂંટાયાં. મંદિરો નષ્ટ થયાં. આ જ વિસ્તારમાં અમુક મંદિરો પર હુમલા કરવામાં આવ્યા હોવાનું ઇતિહાસમાં લખાયું છે. તો પ્રશ્ન એ પણ છે કે આ બધું કોણે કર્યું?
હમણાં કોઈએ મદદ કરી પણ હોય, વ્યવસ્થા કરી પણ આપી હોય તો તેનો અર્થ એ નથી કે ઇતિહાસ ભૂંસાઈ ગયો. એનો અર્થ એ પણ નથી કે એ ઇતિહાસનું સ્મરણ કરવામાં ન આવે. એ પણ નથી કે ઇતિહાસની એ વાતો દબાવી દેવામાં આવે કારણ કે હવે કોઈકે મંદિર માટે પાણી આપી દીધું છે કે એટ લિસ્ટ મંદિર બની રહ્યું હતું ત્યારે પથ્થર ફેંક્યા નથી.
માત્ર મંદિર ઊભું રહ્યું કે વર્તમાનમાં સહયોગ મળ્યો એટલા પૂરતી જ વાત સીમિત રાખીને ઐતિહાસિક જવાબદારી અને પીડાને પાછળ ધકેલી શકાય નહીં. આમ, સમગ્ર લખાણનો સાર એ છે કે વર્તમાનના સૌહાર્દના અહેવાલોની સાથે-સાથે મંદિર બંધ થવા પાછળના ઐતિહાસિક કારણો અને સમુદાયના વિસ્થાપનની વાસ્તવિકતાને પણ સતત યાદ રાખવી અને પ્રશ્ન કરવો જોઈએ.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel












