કેન્દ્રીય ગૃહ મંત્રાલયના સહયોગથી કેન્દ્ર સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય હેઠળ કાર્યરત નેહરુ યુવા કેન્દ્ર અને માય ભારત નર્મદા દ્વારા ૧૬માં આદિવાસી યુવા આદાન પ્રદાન કાર્યક્રમ અંતર્ગત છત્તીસગઢ, ઝારખંડ અને મહારાષ્ટ્રના યુવાનો ગુજરાતના પ્રવાસે છે. જેઓ ગતરોજ તા.૩૦મી જાન્યુઆરી-૨૦૨૫ને ગુરૂવારના રોજ નર્મદા જિલ્લાની મુલાકાતે પધાર્યા હતા.
આ ટૂરમાં સામેલ ૨૦૦ જેટલાં આદિવાસી યુવક-યુવતીઓ અને ૨૦ CRPFના જવાનોએ એકતાનગર સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત કરી સરદાર સાહેબની વિરાટતમ પ્રતિમા નિહાળી અભિભૂત થયા હતા. મુલાકાત દરમિયાન પ્રતિભાગીઓએ ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના જીવન ચરિત્ર અને દેશના સ્વતંત્રતા સંગ્રામમાં આપેલા યોગદાન વિશે પણ જાણ્યું હતું. બાદમાં તેઓ જંગલ સફારી પાર્ક, કમલમ પાર્ક, ફ્લાવર ઓફ વેલીની મુલાકાત, એકતાનગરની આસપાસના અદભૂત દૃશ્યોનો પણ આનંદ માણ્યો હતો.
આ કાર્યક્રમમાં આદિવાસી યુવાનોએ તેમના અનુભવો, પરંપરાઓ અને વિચારો એખબીજા સાથે શેર કર્યા હતા. વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત કાર્યક્રમની એક વિશેષતા એ રહી કે તે ભારતના વિવિધ સમુદાયોની એકતા અને શક્તિનું પ્રતીક હોય યુવાનોએ પ્રત્યક્ષ નિહાળી વિવિધતામાં એકતાના દર્શન કર્યા હતા.
આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન માય ભારત અને નહેરુ યુવા કેન્દ્ર – નર્મદા તથા નેહરુ યુવા કેન્દ્ર સુરતના જિલ્લા યુવા અધિકારી સચિન શર્મા દ્વારા કરવામાં આવી રહ્યું છે. તેઓની સાથે પ્રોગ્રામ ઓફિસર ચંદ્રકાંત બક્ષી તથા મનીષ ભટ્ટૃ પણ જોડાયા હતા.