વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને નેપાળના વડા પ્રધાન પુષ્પકમલ દહલ ‘પ્રચંડ’ વચ્ચે આજે બેઠક યોજાશે. આ બેઠકમાં બંને દેશો વચ્ચે ઊર્જા, કનેક્ટિવિટી અને વેપારના ક્ષેત્રોમાં ભારત-નેપાળ સહયોગને પ્રોત્સાહન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. આ ઉપરાંત બંને દેશો વચ્ચે અનેક કરાર પર હસ્તાક્ષર થશે.
ગઈકાલે બપોર દિલ્હી પહોંચ્યાના કલાકો બાદ નેપાળના વડાપ્રધાન પ્રચંડે નેપાળ દૂતાવાસમાં એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે બંને પક્ષોના સમગ્ર સંબંધોને વિસ્તૃત કરવા આતુર છે. તેમણે સંકેત આપ્યો કે પીએમ મોદી સાથે વાતચીત બાદ અનેક સમજૂતીઓ થવાની સંભાવના છે. આ સાથે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ પ્રચંડને અલગથી મળ્યા હતા અને ભારત-નેપાળ સંબંધોના વિવિધ પાસાઓ પર ચર્ચા કરી હતી. આ બેઠકમાં વિદેશ સચિવ વિનય ક્વાત્રા પણ હાજર રહ્યા હતા. નેપાળના વડાપ્રધાને દૂતાવાસના કાર્યક્રમમાં કહ્યું કે અમે બંને દેશો વચ્ચેના સંબંધોને મજબૂત કરવા માટે પ્રતિબદ્ધ છીએ. પ્રચંડના નેતૃત્વમાં એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ પણ ભારત આવ્યું છે.
કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ નેપાળ-માઓવાદીના નેતા પ્રચંડ દ્વિપક્ષીય વાટાઘાટો બાદ આજે ઈન્દોર જવા રવાના થશે. આ સાથે તેમની પુત્રી ગંગા અને પ્રતિનિધિમંડળના સભ્યો સાથે, તેઓ મહાકાલના દર્શન કરવા ઉજ્જૈન જશે. તેઓ ત્યાથી પરત ફર્યા બાદ ઈન્દોરમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ પ્લાન્ટની સાથે TCS અને ઈન્ફોસિસના સ્પેશિયલ ઈકોનોમિક ઝોનની પણ મુલાકાત લેશે. નેપાળના વડાપ્રધાન પ્રચંડ શનિવારે નેપાળ જવા રવાના થશે.