આજે સરકારની કેબિનેટની બેઠક મળી હતી. જેમાં કેટલાક નિર્ણયો અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી. ત્યાર બાદ રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે, ગુજરાત સ્થાપના દિવસના મહિનામાં અંગદાન ક્ષેત્રે ગુજરાતે ઐતિહાસિક સિધ્ધી હાંસલ કરી છે. ગુજરાતમાં આ મે મહિનામાં કુલ 19 અંગદાન થયા છે જેમાંથી મળેલા 58 અંગોનું સફળતાપુર્વક જરૂરિયાતમંદ દર્દીમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું છે.
કોઇપણ એક મહિનામાં રાજ્યભરમાં થયેલા આ અંગદાનની પ્રવૃતિ ગુજરાતના ઇતિહાસમાં સૌથી વધુ છે.એક મહિનામાં મળેલા 58 અંગોમાં કિડની-34, લીવર -18, હ્રદય – 3, ફેફસાની અને હાથની એક-એક જોડ, અને નાના આંતરડાનો સમાવેશ થાય છે. મંત્રી ઋષિકેશ પટેલે વધુમાં જણાવ્યુ હતું કે, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ હેઠળ રાજય સરકારના SOTTO એકમને વડાપ્રધાન મોદીના હસ્તે તાજેતરમાં જ મળેલ એવોર્ડ થકી રાજ્યમાં અંગદાનની સેવાકીય પ્રવૃતિ સાથે સંકળાયેલા તમામ લોકોને પ્રોત્સાહન મળ્યું છે. આ બહુમાન એ રાજ્યમાં અંગદાનની સેવાકીય પ્રવૃતિમાં પ્રાણ ફુંક્યો છે.