પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં મંગળવારના રોજ એક ભયાનક વિસ્ફોટ થયો, જેના કારણે આખા શહેરમાં દહેશત ફેલાઈ ગઈ છે. અહેવાલો અનુસાર, ઇસ્લામાબાદ હાઇકોર્ટની નજીક પાર્કિંગ વિસ્તારમાં ઊભેલી એક કારમાં બપોરે આશરે 12:30 વાગ્યે જોરદાર ધડાકો થયો. આ વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે આસપાસની ઇમારતોના કાચના શીશા ફાટી ગયા અને વાહનોને નુકસાન થયું. પ્રાથમિક માહિતી મુજબ, આ ઘટનામાં ઓછામાં ઓછા 12 લોકોનાં મોત થયા છે, જ્યારે 20થી 25 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘાયલોમાં અનેક વકીલો અને નાગરિકોનો સમાવેશ થાય છે, જેઓ કોર્ટ પરિસરમાં પોતાના કામ માટે હાજર હતા.
સ્થાનિક પોલીસ અને રેસ્ક્યૂ ટીમોએ તરત જ સ્થળ પર પહોંચી રાહતકાર્ય શરૂ કર્યું. ઘાયલોને ઇસ્લામાબાદના વિવિધ સરકારી અને ખાનગી હૉસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસે વિસ્તારને સંપૂર્ણપણે સીલ કરીને તપાસ શરૂ કરી છે. પ્રાથમિક રિપોર્ટ્સ મુજબ, વિસ્ફોટ કારમાં રહેલા ગેસ સિલિન્ડર ફાટવાને કારણે થયો હોવાનું માનવામાં આવી રહ્યું છે, પરંતુ પોલીસે હજુ આતંકવાદી એન્ગલને નકારી નથી કાઢ્યો. ઇસ્લામાબાદના પોલીસ ચીફે જણાવ્યું કે, “ઘટનાના તમામ પાસાઓની તપાસ ચાલી રહી છે. ફોરેન્સિક ટીમ ધમાકાનું ચોક્કસ કારણ શોધવા માટે સ્થળ પરથી પુરાવા એકત્રિત કરી રહી છે.”
ધડાકો એટલો જોરદાર હતો કે કોર્ટ પરિસરમાં અફરાતફરી મચી ગઈ. લોકો દોડધામમાં કોર્ટમાંથી બહાર નીકળી આવ્યા. સુરક્ષા એજન્સીઓએ આસપાસના વિસ્તારોમાં પેટ્રોલિંગ વધારી દીધી છે અને કોર્ટ પરિસરની તમામ કામગીરી તાત્કાલિક અસરથી સ્થગિત કરી દીધી છે.
આ ઘટના પછી પાકિસ્તાનના આંતરિક મંત્રાલયે ઇસ્લામાબાદ સહિત તમામ મોટા શહેરોમાં હાઇ એલર્ટ જાહેર કર્યો છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે કાર પાર્કિંગ એરિયામાં લાંબા સમયથી ઊભી હતી, જેના કારણે પોલીસે સંભાવના વ્યક્ત કરી છે કે કોઈ સડયંત્રપૂર્ણ વિસ્ફોટ પણ હોઈ શકે છે. ફોરેન્સિક ટીમ અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ હાલ સ્થળ પર હાજર છે અને વધુ તપાસ ચાલુ છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel