અમદાવાદ શહેરમાં સાહિત્યપ્રેમીઓ અને પુસ્તકરસિકો માટે એક ભવ્ય અને અનોખું આયોજન થવાનું છે. મ્યુનિસિપલ કોર્પોરેશન અને નેશનલ બુક ટ્રસ્ટ ઈન્ડિયાના સંયુક્ત ઉપક્રમે ‘વાંચે ગુજરાત 2.0’ અંતર્ગત અમદાવાદ ઈન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ 2025નું આયોજન કરવામાં આવ્યું છે. આ પુસ્તકમેળાનો મુખ્ય ઉદ્દેશ હેરિટેજ સિટી અમદાવાદને સાહિત્ય, વાંચન અને પુસ્તક પ્રકાશનના ક્ષેત્રે વૈશ્વિક ફલક પર આગળ ધપાવવાનો છે. આ કાર્યક્રમ 13થી 23 નવેમ્બર દરમિયાન સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે યોજાશે.
આ આંતરરાષ્ટ્રીય સ્તરના પુસ્તક મહોત્સવનું ઉદ્ઘાટન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે કરવામાં આવશે. ઉદ્ઘાટન સમારંભમાં ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન સહિતના અનેક પ્રતિષ્ઠિત મહાનુભાવો હાજર રહેશે. આ ફેસ્ટિવલનું આયોજન ખાસ કરીને વિદ્યાર્થીઓ, વાચકો, લેખકો, કલાકારો અને પ્રકાશકોને એક જ મંચ પર લાવવાના હેતુથી કરવામાં આવ્યું છે.
વિવિધ ઝોન અને પ્રવૃત્તિઓ
ફેસ્ટિવલને ત્રણ મુખ્ય ઝોનમાં વહેંચવામાં આવ્યો છે —
ઝોન 1: ચિલ્ડ્રન્સ કોર્નર – અહીં સવારના 9થી 12.30 સુધી શાળાઓ માટે ખાસ કાર્યક્રમો યોજાશે, જેમાં સ્ટોરી ટેલિંગ, પપેટ થિયેટર, મંડલા આર્ટ, બેસ્ટ-આઉટ-ઓફ-વેસ્ટ અને ડાન્સ-ડ્રામા જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ છે.
ઝોન 2: જ્ઞાન ગંગા – આ વિભાગમાં રોજિંદા લેખન અને ડિઝાઇન સ્ટુડિયો (સવારે 10થી સાંજે 5) યોજાશે. અહીં ગઝલ, કવિતા, ડ્રામા, ફિલ્મ સ્ક્રિપ્ટ, નિબંધ, બાયોગ્રાફી વર્કશોપ્સ ઉપરાંત હેન્ડ્સ-ઓન પ્રવૃત્તિઓ જેમ કે ફેબ્રિક પપેટ, ઝાઈન મેકિંગ, ટેરાકોટા હોર્સ, માતાની પછેડી, ઓઈલ પેઈન્ટિંગ અને મેટલ એમ્બોસિંગ પણ થશે.
ઝોન 3: સ્કૂલ બોર્ડ શતાબ્દી મહોત્સવ પેવેલિયન – અહીં રોજ સવારે 10થી સાંજે 7.30 સુધી ઇન્ટર-સ્કૂલ મેગા કોન્ટેસ્ટના ફાઇનલ રાઉન્ડ યોજાશે.
ઇન્ટર-સ્કૂલ મેગા કોન્ટેસ્ટ અને મુખ્ય આકર્ષણો
બુક ફેસ્ટિવલ દરમ્યાન વિદ્યાર્થીઓ માટે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. 13-14 નવેમ્બરે ક્વિઝ સ્પર્ધા, 15 નવેમ્બરે સ્ટોરી ટેલિંગ, 16 નવેમ્બરે ફેન્સી ડ્રેસ, 17 નવેમ્બરે કિડ્સ પેનલ ડિસ્કશન, 18 નવેમ્બરે ઇન્ટર-સ્કૂલ કોન્ટેસ્ટ, 19 નવેમ્બરે ઇમ્પ્રમ્પ્ટુ સ્પીચ, 20 નવેમ્બરે બુક રીડિંગ કોન્ટેસ્ટ, અને 21 નવેમ્બરે મસ્તી કી પાઠશાલા યોજાશે. વિજેતાઓને ટ્રોફી અને ઇનામોથી સન્માનિત કરવામાં આવશે.
નિઃશુલ્ક ચિલ્ડ્રન્સ ફિલ્મ ફેસ્ટિવલ
આ બુક ફેસ્ટિવલનો એક વિશેષ આકર્ષણ ચિલ્ડ્રન્સ ફિલ્મ ફેસ્ટિવલ છે, જેમાં દરરોજ સાંજે 5.30થી 7.30 સુધી 4થી 7 આંતરરાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ફિલ્મોનું સ્ક્રીનિંગ થશે. આ પ્રદર્શન સંપૂર્ણપણે નિઃશુલ્ક રહેશે, જેથી બાળકોને વિશ્વ સિનેમાનો અનુભવ મળી શકે.
સાંસ્કૃતિક કાર્યક્રમો અને શૌર્ય સંવાદ
ફેસ્ટિવલ દરમિયાન સાહિત્ય અને સંગીતના રસિકો માટે અનેક સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કિર્તિદાન ગઢવીનું લોક ઓર્કેસ્ટ્રા, અંકિત ત્રિવેદી સાથે ગુજરાતી કાવ્ય-સંગીત સંધ્યા, સંદીપ ક્રિશ્ચિયન ઓર્કેસ્ટ્રા સાથે હિન્દી ફિલ્મ ગીતો પર કાવ્યાત્મક સંગીત પ્રદર્શન, અને ગ્રાન્ડ મુશાયરોનું આયોજન છે.
આ ઉપરાંત એક વિશેષ કાર્યક્રમ ‘શૌર્ય સંવાદ’ પણ યોજાશે, જેમાં લેફ્ટનન્ટ જનરલ (નિવૃત્ત) કે.જે.એસ. ઢીલોન અને આઈપીએસ (નિવૃત્ત) કે. વિજયકુમાર ભાગ લેશે, જ્યાં તેઓ રાષ્ટ્રીય સુરક્ષા અને શૌર્યની વાર્તાઓ પર ચર્ચા કરશે.
આ રીતે અમદાવાદ ઈન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ માત્ર સાહિત્યનો જ નહીં, પરંતુ સંસ્કૃતિ, સર્જનાત્મકતા અને જ્ઞાનના ઉત્સવ તરીકે પણ ઉજવાશે, જે ગુજરાતની વાંચન સંસ્કૃતિને નવા આયામ આપશે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel