વિદેશમાં અભ્યાસના સપના લઈને જતા અનેક ભારતીય યુવાનો ઘણી વખત ફ્રોડ, કાનૂની મુશ્કેલીઓ અથવા અણધારી પરિસ્થિતિઓમાં ફસાઈ જાય છે. આવો જ એક હૃદયદ્રાવક કિસ્સો ગુજરાતના મોરબીના યુવાન સાથે બન્યો છે, જે હાલમાં રશિયા–યુક્રેન યુદ્ધની ભયાનક પરિસ્થિતિમાં ફસાઈ ગયો છે અને હવે વીડિયો મારફતે ભારત સરકારને મદદ માટે અપીલ કરી રહ્યો છે. માહિતી મુજબ, આ યુવાન અભ્યાસ માટે રશિયા ગયો હતો, પરંતુ ત્યાં આર્થિક તંગીના કારણે તેના પર નાર્કોટિક્સ સંબંધિત અપરાધમાં સંડોવણીનો આરોપ મૂકવામાં આવ્યો હતો. રશિયન અદાલતે તેને આ ગુનામાં સાત વર્ષની જેલની સજા ફટકારી હતી. જેલમાં રહેતા દરમિયાન રશિયા–યુક્રેન યુદ્ધ શરૂ થયું અને પોતાની સજામાંથી મુક્તિ મેળવવાના વિકલ્પ તરીકે રશિયન સત્તાવાળાઓએ તેને યુદ્ધ માટે વોર કોન્ટ્રાક્ટ સાઇન કરાવી મોરચે મોકલ્યો હતો.
યુદ્ધ દરમિયાન સ્થિતિ વણસતા તે યુવાન યુક્રેનિયન દળોના હાથમાં આવી ગયો અને હાલ યુક્રેનમાં બંધક તરીકે રાખવામાં આવ્યો છે. જેલ અને યુદ્ધના આ ભયાનક અનુભવ બાદ તેણે એક વીડિયો જાહેર કરીને રશિયામાં અભ્યાસ કે વેપાર માટે જતા ભારતીય યુવાનોને ચેતવણી આપી છે. વીડિયોમાં તે કહે છે કે રશિયામાં અનેક પ્રકારના સ્કેમ અને જોખમો છે, તેથી સંપૂર્ણ તપાસ, કાયદાકીય સમજ અને સાવચેતી સાથે જ ત્યાં જવું જોઈએ. સાથે જ તેણે પોતાની આપવીતી શેર કરીને જણાવ્યું કે કેવી રીતે એક વિદ્યાર્થીનું જીવન અચાનક જેલ અને યુદ્ધના મેદાન સુધી પહોંચી ગયું.
હવે આ યુવાન વીડિયો મારફતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિદેશમંત્રી એસ. જયશંકરને હસ્તક્ષેપ કરવાની વિનંતી કરી રહ્યો છે. તેણે ભારત સરકારને અપીલ કરી છે કે તેની સુરક્ષિત વતનવાપસી માટે રાજદ્વારી પ્રયાસો કરવામાં આવે. આ ઘટના ફરી એકવાર વિદેશમાં અભ્યાસ કરવા જતા ભારતીય યુવાનો માટે ચેતવણીરૂપ બની છે અને સરકાર તેમજ પરિવારજનો માટે પણ ગંભીર ચિંતા ઊભી કરી રહી છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel