ગુજરાતમાં સરકારી સંસ્થાઓને નિશાન બનાવી બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓનો સિલસિલો સતત ચાલુ રહેતા રાજ્યભરમાં ભારે ચિંતા અને ખળભળાટ જોવા મળી રહ્યો છે. તાજા બનાવમાં સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટ, લાલ દરવાજા સ્થિત અમદાવાદ સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટ ઉપરાંત ભરૂચ, આણંદ અને રાજકોટની કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઈ-મેઈલ મળ્યો છે.
સોમવારે મોડી રાત્રે અજાણ્યા શખસે સુરત અને અમદાવાદ કોર્ટના સત્તાવાર ઈ-મેઈલ આઈડી પર અંગ્રેજીમાં સંદેશ મોકલી આખા કોર્ટ બિલ્ડિંગને RDXથી ઉડાવી દેવાની ધમકી આપી હતી. આ ઈ-મેઈલની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તાત્કાલિક અસરથી આ પાંચેય કોર્ટમાં પ્રવેશબંધી લાગુ કરી દેવાઈ છે અને ન્યાયિક કામકાજ પણ સંપૂર્ણપણે સ્થગિત કરી દેવામાં આવ્યું છે. વહીવટી તંત્ર દ્વારા વકીલો, સ્ટાફ અને અસીલોને સુરક્ષિત રીતે કોર્ટ પરિસરની બહાર ખસેડવામાં આવ્યા હતા, જ્યારે ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.
ધમકી મળ્યા બાદ તમામ કોર્ટ પરિસરમાં સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે. હાલ બોમ્બ ડિસ્પોઝલ એન્ડ ડિટેક્શન સ્ક્વોડ (BDDS) તેમજ ડોગ સ્ક્વોડ દ્વારા પાર્કિંગ એરિયા, કેન્ટીન, કોર્ટરૂમ્સ અને દરેક માળ પર ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી રહી છે. જો કે, પ્રાથમિક તપાસમાં હજુ સુધી કોઈ શંકાસ્પદ અથવા વિસ્ફોટક સામગ્રી મળી આવી નથી. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના DCP અજિત રાજિયાને જણાવ્યું કે છેલ્લા એક દિવસથી કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ મળી રહી છે અને આ મામલે ગંભીરતાથી તપાસ ચાલી રહી છે. પ્રાથમિક તારણ મુજબ આ ધમકીભર્યા ઈ-મેઈલ ભારત બહારથી મોકલવામાં આવ્યા હોવાની શક્યતા છે અને તેનો ઉદ્દેશ ખોટો પેનિક ફેલાવવાનો હોઈ શકે છે, તેમ છતાં કોઈ જોખમ ન લેવાય તે માટે તમામ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે.
મળતી વિગતો અનુસાર, સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટના સત્તાવાર ઈ-મેઈલ આઈડી પર ગત રાત્રે આશરે 2 વાગ્યે RDXથી કોર્ટ ઉડાવી દેવાની ચેતવણી આપતો ઈ-મેઈલ આવ્યો હતો. સવારે ફરજ પર આવેલા કર્મચારીઓએ મેઈલ ચેક કરતાં આ બાબત સામે આવી હતી અને તરત જ પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજને જાણ કરવામાં આવી હતી. જજ સાહેબે તાત્કાલિક પોલીસને સતર્ક કરવાનો આદેશ આપ્યો અને નવા આદેશ સુધી કોર્ટનું સમગ્ર કામકાજ બંધ રાખવાનો નિર્ણય લેવાયો.
સુરત પોલીસની ક્રાઈમ બ્રાન્ચ, SOG, BDDS અને ડોગ સ્ક્વોડની ટીમો દ્વારા સમગ્ર કોર્ટ પરિસરને કોર્ડન કરીને સઘન સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. સરકારી વકીલ નયન સુખડવાલાએ જણાવ્યું કે રાત્રે મળેલી ધમકી બાદ કોઈ વિલંબ કર્યા વિના પોલીસને જાણ કરવામાં આવી છે અને હાલ જજના આદેશ સુધી તમામ ન્યાયિક કાર્યવાહી બંધ રહેશે. નોંધનીય છે કે એક દિવસ અગાઉ અમદાવાદની ગ્રામ્ય કોર્ટને પણ આવી જ ધમકી મળી હતી, જેના કારણે સતત બીજા દિવસે બીજી મોટી કોર્ટને નિશાન બનાવવામાં આવતા રાજ્યની સુરક્ષા એજન્સીઓએ સાયબર ક્રાઈમની મદદથી ઈ-મેઈલ મોકલનાર સુધી પહોંચવા તપાસ વધુ તેજ કરી છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel