અમદાવાદમાં ફરી એકવાર વૈશ્વિક સ્તરની રાજકીય ગતિવિધિ જોવા મળશે, કારણ કે જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મર્ઝ 12 અને 13 જાન્યુઆરી દરમિયાન ભારતની મુલાકાતે આવી રહ્યા છે. આ દરમિયાન તેઓ 12 જાન્યુઆરીએ અમદાવાદ પહોંચશે, જ્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ખુદ એરપોર્ટ પર તેમનું સત્તાવાર સ્વાગત કરશે. ચાન્સેલર મર્ઝની આ મુલાકાત દરમિયાન તેઓ અમદાવાદ ઉપરાંત બેંગલુરુની પણ મુલાકાત લેશે. વડાપ્રધાન મોદી સાથે તેમની બેઠકને ભારત-જર્મની સંબંધોના દૃષ્ટિકોણે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
બંને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય સંબંધો મજબૂત કરવા, વેપાર અને રોકાણ વધારવા, ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) તેમજ રણનીતિક સહયોગ જેવા મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા થવાની શક્યતા છે. ખાસ કરીને ટેકનોલોજી, ગ્રીન એનર્જી, મેન્યુફેક્ચરિંગ, સ્ટાર્ટઅપ્સ અને ઈન્ડસ્ટ્રી 4.0 જેવા ક્ષેત્રોમાં બંને દેશો વચ્ચે સહયોગને નવી ઊંચાઈ આપવાની દિશામાં વાતચીત થવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.
અમદાવાદમાં રોકાણ દરમિયાન પ્રધાનમંત્રી મોદી અને જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મર્ઝ ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ અને ફ્લાવર શોની મુલાકાત લઈ શકે છે, જેના માધ્યમથી ગુજરાતની સમૃદ્ધ સંસ્કૃતિ, પરંપરા અને વિકાસ મોડેલને વૈશ્વિક મંચ પર રજૂ કરવાની તક મળશે. છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં વિદેશી નેતાઓની વધતી મુલાકાતો એ દર્શાવે છે કે રાજ્ય હવે વૈશ્વિક રોકાણ અને વ્યૂહાત્મક સહયોગ માટે એક મહત્વપૂર્ણ કેન્દ્ર તરીકે ઉભરી રહ્યું છે. જર્મની જેવા વિકસિત અને ટેકનોલોજી ક્ષેત્રે અગ્રણી દેશના ચાન્સેલરની આ મુલાકાતથી ભારત-જર્મની દ્વિપક્ષીય સંબંધોને નવી દિશા મળશે અને બંને દેશો વચ્ચે વ્યાપારિક તથા રણનીતિક ભાગીદારી વધુ મજબૂત બનશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel