અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ એક મહત્વપૂર્ણ જાહેરાત કરતાં જણાવ્યું છે કે ટેક્સાસ રાજ્યમાં એક વિશાળ ઓઈલ રિફાઈનરી સ્થાપવામાં આવશે. આ પ્રોજેક્ટ છેલ્લા લગભગ 50 વર્ષમાં અમેરિકામાં ઉભી થનાર પ્રથમ મોટી નવી ઓઈલ રિફાઈનરી તરીકે ગણાઈ રહ્યો છે. ખાસ વાત એ છે કે આ પ્રોજેક્ટમાં ભારતની અગ્રણી કંપની Reliance Industries જંગી રોકાણ કરવા જઈ રહી છે.
ટ્રમ્પે ડીલને ‘ઐતિહાસિક’ ગણાવી
ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ પર પોસ્ટ કરીને આ પ્રોજેક્ટને “ઐતિહાસિક” ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે આ રિફાઈનરી અમેરિકાની ઉર્જા સુરક્ષાને મજબૂત બનાવશે અને દેશને ઊર્જા ક્ષેત્રે વધુ આત્મનિર્ભર બનવામાં મદદ કરશે. આ પ્રોજેક્ટમાં મુકેશ અંબાણીની આગેવાની હેઠળની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ મુખ્ય ભાગીદાર તરીકે આગળ આવી છે.
ટેક્સાસમાં ઉભી થશે આધુનિક રિફાઈનરી
નવી રિફાઈનરી અમેરિકાના ટેક્સાસ રાજ્યમાં સ્થાપવામાં આવશે, જે પહેલેથી જ અમેરિકાનું મહત્વપૂર્ણ એનર્જી હબ ગણાય છે. આ રિફાઈનરી ખાસ કરીને ‘શેલ ઓઈલ’ અને West Texas Intermediate (WTI) ક્રૂડને પ્રોસેસ કરવા માટે ડિઝાઇન કરવામાં આવશે. અહેવાલો મુજબ આ રિફાઈનરી અમેરિકન લાઇટ શેલ ઓઇલના લગભગ 1.2 બિલિયન બેરલને પ્રોસેસ કરી શકશે.
1970 પછી પહેલી નવી મોટી રિફાઈનરી
અમેરિકામાં 1970ના દાયકાથી અત્યાર સુધી કોઈ મોટી નવી ઓઈલ રિફાઈનરી શરૂ થઈ નથી. ટ્રમ્પ વહીવટીતંત્રે જણાવ્યું છે કે આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય અમેરિકાને ઊર્જા ક્ષેત્રે સંપૂર્ણપણે આત્મનિર્ભર બનાવવાનો અને વૈશ્વિક બજારમાં તેનું પ્રભુત્વ મજબૂત કરવાનો છે.
જામનગરનો અનુભવ અમેરિકાને મળશે
ટ્રમ્પે આ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ માટે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો ખાસ આભાર માન્યો હતો. રિલાયન્સ પાસે વિશ્વની સૌથી મોટી રિફાઈનરી ચલાવવાનો અનુભવ છે, જે જામનગર ખાતે સ્થિત છે. આ અનુભવના આધારે હવે અમેરિકામાં પણ આધુનિક રિફાઈનરીના વિકાસને ગતિ મળશે.
2026માં શરૂ થઈ શકે કામ
અહેવાલો અનુસાર આ નવી રિફાઈનરી દર વર્ષે લગભગ 50 બિલિયન ગેલન રિફાઇન્ડ પ્રોડક્ટ્સ ઉત્પન્ન કરવાની ક્ષમતા ધરાવશે. પ્રોજેક્ટની ચોક્કસ સમયમર્યાદા હજુ જાહેર કરવામાં આવી નથી, પરંતુ કેટલાક અહેવાલો મુજબ 2026ના બીજા ક્વાર્ટરમાં નિર્માણ કાર્ય શરૂ થવાની શક્યતા છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel