અમદાવાદના સાયન્સ સિટી રોડ પર આવેલા કિયા કારના શોરૂમના પાર્કિંગ વિસ્તારમાં બુધવારે (11 માર્ચ) અચાનક આગ લાગી જતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ એટલી ભયાનક હતી કે પાર્કિંગમાં ઉભેલી કારો થોડા જ સમયમાં આગની લપેટમાં આવી ગઈ હતી. ઘટનાના કારણે આસપાસના વિસ્તારમાં કાળા ધુમાડાના ગોટા દૂર-દૂર સુધી જોવા મળતા સ્થાનિક લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો.
પાર્કિંગમાં ઉભેલી અનેક કારો આગમાં ભસ્મ
પ્રાથમિક માહિતી મુજબ આગ બિલ્ડિંગના પાર્કિંગ વિસ્તારમાં લાગી હતી, જ્યાં મોટી સંખ્યામાં વાહનો પાર્ક કરેલા હતા. આગ ફાટી નીકળતાં જ ત્યાં પાર્ક કરેલી કારોમાં ઝડપથી ફેલાઈ ગઈ હતી. અહેવાલો મુજબ આ દુર્ઘટનામાં 10થી વધુ કાર બળીને ખાખ થઈ ગઈ છે, જેના કારણે મોટું આર્થિક નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે.
ફાયર બ્રિગેડની ત્રણ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી
આગની જાણ થતાં જ અમદાવાદ ફાયર અને ઇમરજન્સી સેવાઓની ત્રણ ફાયર ટેન્ડર ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર ફાઈટરોએ ઝડપી કામગીરી હાથ ધરી આગ પર કાબૂ મેળવ્યો હતો અને આગને અન્ય વિસ્તારોમાં ફેલાતી અટકાવી હતી.
સદનસીબે જાનહાનિ નહીં
આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી. અધિકારીઓ દ્વારા ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે અને આગ કઈ રીતે લાગી તે અંગે માહિતી મેળવવાની પ્રક્રિયા ચાલી રહી છે.
આગ લાગતા પાર્કિંગ વિસ્તારમાંથી ઉઠતા કાળા ધુમાડાના ગોટા દૂરથી પણ સ્પષ્ટ દેખાઈ રહ્યા હતા, જેના કારણે આસપાસના લોકોમાં ચિંતા અને ગભરાટ ફેલાયો હતો. જોકે ફાયર બ્રિગેડની સમયસર કામગીરીને કારણે આગને વધુ ફેલાતી અટકાવવામાં સફળતા મળી.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel