અમદાવાદના પશ્ચિમ ભાગના પોશ વિસ્તારોમાં છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન ‘ડ્રિંક એન્ડ ડ્રાઈવ’ના કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે. ખાસ કરીને સરખેજ-ગાંધીનગર હાઇવે, સિંધુ ભવન રોડ, બોડકદેવ અને વસ્ત્રાપુર જેવા વિસ્તારોમાં આવા કેસો વધુ નોંધાઈ રહ્યા છે.
પોલીસના આંકડા મુજબ શહેરમાં નોંધાતા કુલ ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસોમાંથી લગભગ 30 થી 35 ટકા કેસો માત્ર પશ્ચિમ અમદાવાદના આ વિસ્તારોમાંથી આવે છે.
નવા વર્ષની ઉજવણી દરમિયાન પણ મોટી કાર્યવાહી
તાજેતરમાં 31 ડિસેમ્બર 2025 અને 1 જાન્યુઆરી 2026 દરમિયાન અમદાવાદ પોલીસએ શહેરમાં ખાસ ચેકિંગ ડ્રાઈવ હાથ ધરી હતી. આ દરમિયાન દારૂના નશામાં વાહન ચલાવવું અથવા ગેરકાયદેસર રીતે દારૂ રાખવાના આરોપસર 238થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી હતી.
આમાંથી લગભગ 69 કેસ ખાસ કરીને ‘ડ્રિંક એન્ડ ડ્રાઈવ’ના નોંધાયા હતા. પોલીસ અધિકારીઓ અનુસાર આવા કેસોમાં ધરપકડનો દર લગભગ 100 ટકા હોય છે, કારણ કે બેથ એનાલાઈઝર ટેસ્ટ દ્વારા સ્થળ પર જ નશાની પુષ્ટિ થઈ જાય છે.
SG હાઈવે અને સિંધુ ભવન રોડ પર કેસો વધુ કેમ?
સિંધુ ભવન રોડ અને સરખેજ-ગાંધીનગર હાઇવે પર ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસો વધુ નોંધાવાના પાછળ માત્ર વસ્તી નહીં પરંતુ સામાજિક અને ભૌગોલિક કારણો પણ જવાબદાર માનવામાં આવે છે.
આ વિસ્તારોમાં મોટી સંખ્યામાં પ્રીમિયમ કેફે, રેસ્ટોરન્ટ્સ અને ક્લબો આવેલી હોવાથી મોડી રાત્રે યુવાનો અને બિઝનેસ વર્ગની અવરજવર વધુ રહે છે. ખાનગી પાર્ટીઓ અને ગેટ-ટુગેધર દરમિયાન દારૂના સેવન બાદ વાહન ચલાવવાના કિસ્સાઓ વધતા હોવાનું માનવામાં આવે છે.
વીકએન્ડ પાર્ટી અને ગેટ-ટુગેધરનો પ્રભાવ
વીકેન્ડ દરમિયાન આ વિસ્તારોમાં ભીડ અને મેળાવડા નોંધપાત્ર રીતે વધી જાય છે. યુવાનો અને મિત્રોનો જૂથ મોડી રાત સુધી પાર્ટી માણતા હોવાથી ડ્રિંક એન્ડ ડ્રાઈવની સંભાવનાઓ પણ વધે છે.
આ પ્રકારની મોર્ડન લાઈફસ્ટાઈલના કારણે ઘણા યુવાનો માટે મોડી રાત્રે પાર્ટી કરવી અને પછી વાહન ચલાવવું સામાન્ય બાબત બની ગઈ હોવાનું નિષ્ણાતો કહે છે.
પહોળા રસ્તાઓ અને સ્પીડનો લાલચ
સરખેજ-ગાંધીનગર હાઇવે અને સિંધુ ભવન રોડ જેવા રસ્તાઓ પહોળા અને લાંબા હોવાથી ડ્રાઈવરોને વધુ સ્પીડમાં વાહન ચલાવવાનો લાલચ થાય છે.
ખાલી રસ્તાઓ અને મોડી રાત્રે ઓછો ટ્રાફિક હોવાથી કેટલાક લોકો જોખમી રીતે સ્પીડ વધારતા હોય છે, જે અકસ્માતોની સંભાવના વધારી શકે છે.
લક્ઝરી કાર અને સ્ટેટસ બતાવવાની માનસિકતા
આ વિસ્તારોમાં લક્ઝરી કાર અને સ્પોર્ટ્સ બાઈકનું પ્રમાણ પણ વધુ છે. ઘણી વખત નશાની હાલતમાં યુવાનો મિત્રો અથવા અન્ય લોકોને પ્રભાવિત કરવા માટે જોખમી રીતે ડ્રાઈવિંગ કરતા હોય છે.
મોંઘી અને હાઈ-સ્પીડ કારમાં સેફટી ફીચર્સ હોવાને કારણે ડ્રાઈવરને સુરક્ષિત હોવાની લાગણી થાય છે, પરંતુ તે અન્ય લોકોની સુરક્ષા ભૂલી જાય છે.
કાયદાનો ડર ઓછો હોવાની માનસિકતા
કેટલાક લોકોમાં એવી માનસિકતા પણ જોવા મળે છે કે જો પકડાઈ જશે તો ઓળખાણ કે સંપર્કોના આધારે મામલો સેટલ થઈ જશે. આ કારણે તેઓ ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરતા હોય છે. તે ઉપરાંત SG હાઈવે અને SBR શહેરની બહાર જતા મુખ્ય માર્ગો હોવાથી લોકો શહેરના ટ્રાફિકથી બચવા માટે આ રસ્તાઓ પસંદ કરે છે.
ડ્રિંક એન્ડ ડ્રાઈવના વધતા કેસો પોલીસ અને ટ્રાફિક વિભાગ માટે મોટો પડકાર બની રહ્યા છે. પોલીસ દ્વારા નિયમિત ચેકિંગ, બેથ એનાલાઈઝર ટેસ્ટ અને ખાસ ડ્રાઈવ દ્વારા આવા કેસો પર નિયંત્રણ લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પરંતુ નિષ્ણાતો માને છે કે માત્ર કાયદાકીય કાર્યવાહી પૂરતી નથી, પરંતુ લોકોમાં ટ્રાફિક નિયમો અંગે જાગૃતિ વધારવી પણ એટલી જ જરૂરી છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel