પશ્ચિમ બંગાળમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) દરમિયાન મતદાર યાદીમાંથી કાપવામાં આવેલા નામોને લઈને દાખલ અરજી પર સુપ્રીમ કોર્ટે એ મહત્વપૂર્ણ નિર્ણય આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે જેમનાં નામ અંતિમ મતદાર યાદીમાં સામેલ નથી, તેમને મતદાન કરવાનો અધિકાર આપવામાં આવી શકતો નથી.
સોમવારે થયેલી સુનાવણી દરમિયાન જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ બાગચીની બેન્ચ સમક્ષ અરજદારોએ માંગણી કરી હતી કે લગભગ 16 લાખ લોકોએ ટ્રિબ્યુનલમાં અપીલ દાખલ કરી છે, તેથી તેમને ચૂંટણીમાં મતદાન કરવાની છૂટ આપવામાં આવે.
પરંતુ કોર્ટે આ દલીલને નકારી કાઢી અને જણાવ્યું કે “આનો કોઈ પ્રશ્ન જ પેદા થતો નથી.” કોર્ટે કહ્યું કે જો આવા લોકોને મતદાન કરવાની મંજૂરી આપવામાં આવશે, તો તે ચૂંટણી પ્રક્રિયામાં ગડબડ સર્જી શકે છે અને નિયમોની અવગણના થશે.
ઉલ્લેખનીય છે કે ચૂંટણી પંચ પહેલેથી જ પશ્ચિમ બંગાળની મતદાર યાદી ફ્રિઝ કરી ચૂકી છે, એટલે હવે ચૂંટણી પહેલા તેમાં કોઈ ફેરફાર શક્ય નથી. માત્ર વિશેષ પરિસ્થિતિમાં, અને સુપ્રીમ કોર્ટની પરવાનગીથી જ નવા નામો ઉમેરાઈ શકે, પરંતુ હાલ કોર્ટે તે મંજૂરી આપવાનો ઈનકાર કર્યો છે.
કોર્ટએ આ અરજીને ‘પ્રિમેચ્યોર’ ગણાવીને ફગાવી દીધી છે અને અરજદારોને ટ્રિબ્યુનલનો સંપર્ક કરવાની સલાહ આપી છે. હાલ લગભગ 19 ટ્રિબ્યુનલની રચના કરવામાં આવી છે, જે મતદાર યાદીમાંથી કાપવામાં આવેલા નામો અંગેની અરજીઓની સુનાવણી કરશે.
અરજદારો દ્વારા આરોપ મૂકવામાં આવ્યો હતો કે ચૂંટણી પંચે યોગ્ય પ્રક્રિયા વિના મોટા પ્રમાણમાં નામો કાઢી નાખ્યા છે અને અપીલો પર સમયસર સુનાવણી થતી નથી. ચૂંટણી પંચના જણાવ્યા મુજબ હાલ લગભગ 30 લાખ અરજીઓ પેન્ડિંગ છે.
આંકડા મુજબ, બંગાળમાં લગભગ 90.93 લાખ શંકાસ્પદ અથવા બોગસ નામો મતદાર યાદીમાંથી દૂર કરવામાં આવ્યા છે. SIR પ્રક્રિયા પહેલા રાજ્યમાં 7.66 કરોડ મતદારો હતા, જે હવે ઘટીને 6.75 કરોડ રહ્યા છે.
આ નિર્ણયથી બંગાળની ચૂંટણી પ્રક્રિયા પર સીધી અસર પડશે અને હવે મતદાન માત્ર અંતિમ યાદીમાં સમાવિષ્ટ મતદારો જ કરી શકશે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel