ડ્રગ્સ વિરુદ્ધ સઘન અભિયાન ચલાવવાનો દાવો કરતી પંજાબ પોલીસ ખુદ એક ગંભીર અને ચોંકાવનારા કેસમાં કઠેડામાં આવી ગઈ છે. ખન્ના વિસ્તારમાં શિવસેના (પંજાબ)ના નેતા મહંત કાશ્મીર ગિરીના ઘરમાં દરોડા દરમિયાન પોલીસની બદમાશીનો પર્દાફાશ થયો છે. એક સાદા કપડામાં આવેલા પોલીસકર્મીએ ખુદ મહંતના રૂમમાં જઈને ગાદલા નીચે હેરોઈન મૂક્યું હોવાનું સીસીટીવી ફૂટેજમાં સામે આવતા હડકંપ મચી ગયો છે. મામલો ગરમાતા એસએસપીએ આરોપી એએસઆઈને સસ્પેન્ડ કરીને વિશેષ તપાસ ટીમ (SIT) ની રચના કરી છે.
હિડન કેમેરાના ફૂટેજે ખોલી પોલીસના જૂઠાણાની પોલ
આ સમગ્ર ઘટનાની શરૂઆત ત્યારે થઈ જ્યારે મહંત કાશ્મીર ગિરીના પરિવારજનોએ ઘરમાં લગાવેલા હિડન કેમેરા અને સીસીટીવી ફૂટેજ તપાસ અધિકારીઓ સામે રજૂ કર્યા. આ વિડીયો ફૂટેજમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે સાદાં કપડાંમાં એક વ્યક્તિ (પોલીસકર્મી) છૂપી રીતે મહંતના રૂમમાં પ્રવેશે છે અને ખૂબ જ ચાલાકીથી પથારીના ગાદલા નીચે કોઈ શંકાસ્પદ વસ્તુ મૂકે છે.
આ હરકત બાદ થોડા જ સમયમાં પોલીસની મુખ્ય ટીમ ત્યાં પહોંચી હતી અને તે જ ગાદલા નીચેથી આશરે 30 ગ્રામ હેરોઈન મળી આવ્યું હોવાનો દાવો કર્યો હતો. આ બનાવટી પુરાવાના આધારે પોલીસે તરત જ શિવસેના નેતા મહંત કાશ્મીર ગિરીની ધરપકડ કરી લીધી હતી. પરંતુ પરિવાર દ્વારા સીસીટીવી ફૂટેજ રજૂ કરવામાં આવતા પંજાબ પોલીસની આખી કરતૂત અને ડ્રગ્સ ફસાવવાનું કાવતરું ખુલ્લું પડી ગયું હતું.
આરોપી ASI સસ્પેન્ડ, મહંત કેસમાંથી મુક્ત
સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા અને તપાસ અધિકારીઓ સમક્ષ આવતાં જ ખન્નાનાં એસએસપી (SSP) ડૉ. દર્પણ આહલુવાલિયાએ ત્વરિત કાર્યવાહી કરી છે. વિડીયોમાં દેખાઈ રહેલી વ્યક્તિ CIA સ્ટાફનો ASI સુખદેવ સિંઘ હોવાનું બહાર આવ્યું છે, જેને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે.
સીસીટીવી ફૂટેજ સાચા અને અસલી સાબિત થતાં એસએસપીએ મહંત કાશ્મીર ગિરીને આ નકલી કેસમાંથી સંપૂર્ણપણે મુક્ત કરવાનો આદેશ આપ્યો છે. આ સાથે જ સમગ્ર પ્રકરણની નિષ્પક્ષ તપાસ માટે એસઆઈટી (SIT) ની પણ રચના કરવામાં આવી છે.
કાવતરા પાછળ કોનો હાથ? એસઆઈટી કરશે ઊંડાણપૂર્વક તપાસ
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આ સમગ્ર પ્રકરણની શરૂઆત મહંતના ડ્રાઇવર ગુરજંત સિંઘ ઉર્ફે જંટાની 7.5 ગ્રામ હેરોઈન સાથે થયેલી ધરપકડથી થઈ હતી. ડ્રાઇવરે પોલીસ પૂછપરછ દરમિયાન મહંતનું નામ આપ્યું હોવાનો દાવો કરીને પોલીસે શિવસેના નેતાના ઘરે દરોડો પાડ્યો હતો.
હવે રચવામાં આવેલી એસઆઈટી (SIT) એ વાતની પણ ગંભીરતાથી તપાસ કરી રહી છે કે, આ દરોડા દરમિયાન સદર પોલીસ સ્ટેશનના એસએચઓ વિજયપાલ સિંઘ અને સિટી-2ના એસએચઓ તરવિન્દર કુમાર બેદી સહિતના અન્ય કયા-કયા પોલીસકર્મીઓ હાજર હતા અને આ સેટઅપ કેસ (બનાવટી કેસ) પાછળ અસલી માસ્ટરમાઇન્ડ કોણ છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel












