હિડમાના ખાતમા બાદ સુરક્ષાદળોને વધુ એક મોટી અને નિર્ણાયક સફળતા મળી છે. ઓડિશાના કંધમાલ જિલ્લામાં સુરક્ષાદળોએ નક્સલવાદીઓ સામે ચલાવેલા એક મોટા ઓપરેશન દરમિયાન નક્સલ નેતા ગણેશ ઉઈકે સહિત કુલ 6 નક્સલવાદીઓને એન્કાઉન્ટરમાં ઠાર કર્યા છે. આ માહિતી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુરુવાર, 25 ડિસેમ્બરે આપી હતી. તેમણે જણાવ્યું કે કંધમાલ જિલ્લાના જંગલ વિસ્તારમાં સુરક્ષાદળોએ સચોટ ગુપ્ત માહિતીના આધારે ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં સીપીઆઈ (માઓવાદી)ની સેન્ટ્રલ કમિટીના સભ્ય ગણેશ ઉઈકેનો ખાતમો થયો છે. ગણેશ ઉઈકે પર રૂ. 1 કરોડથી વધુનું ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું અને તે લાંબા સમયથી સુરક્ષાદળોની નજરમાં હતો.
ગૃહમંત્રીએ X પર પોસ્ટ કરીને આ સફળતાને નક્સલમુક્ત ભારતની દિશામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન ગણાવ્યું છે. તેમણે જણાવ્યું કે ઓડિશામાં નક્સલવાદીઓ સામે મળી રહેલી આ જીત દર્શાવે છે કે રાજ્ય હવે નક્સલવાદના સંપૂર્ણ નાબૂદીના આરે પહોંચી રહ્યું છે. તેમણે પુનરાવર્તન કર્યું કે કેન્દ્ર સરકાર 31 માર્ચ, 2026 પહેલાં દેશમાંથી નક્સલવાદનો સંપૂર્ણ રીતે અંત લાવવા માટે પ્રતિબદ્ધ છે.
A significant milestone towards Naxal-free Bharat.
In a major operation in Kandhmal, Odisha, 6 Naxalites, including Central Committee Member Ganesh Uike, have been neutralized so far.
With this major breakthrough, Odisha stands at the threshold of becoming completely free from…
— गृहमंत्री कार्यालय, HMO India (@HMOIndia) December 25, 2025
ઓપરેશન અંગે માહિતી આપતા નક્સલ વિરોધી કામગીરીનું નેતૃત્વ કરી રહેલા એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે ચાકપાડ પોલીસ સ્ટેશન વિસ્તારના જંગલોમાં નક્સલ દળ અને સુરક્ષાદળો વચ્ચે ભારે એન્કાઉન્ટર થયું હતું. આ દરમિયાન ગણેશ ઉઈકે સહિતના નક્સલવાદીઓ માર્યા ગયા. ઓડિશામાં પ્રતિબંધિત માઓવાદી સંગઠનના મુખ્ય નેતાઓમાં સામેલ ગણેશ ઉઈકે પર રૂ. 1.1 કરોડનું ઈનામ હતું. 69 વર્ષીય ઉઈકે પક્કા હનુમંતુ, રાજેશ તિવારી, ચમરૂ અને રૂપાના જેવા અનેક ઉપનામોથી ઓળખાતો હતો. તે તેલંગાણાના નલગોંડા જિલ્લાના ચેંદૂર મંડલના પુલ્લેમાલા ગામનો રહેવાસી હતો.
પોલીસ અધિકારીએ વધુમાં જણાવ્યું કે આ એન્કાઉન્ટરમાં બે મહિલા નક્સલવાદીઓ પણ માર્યા ગયા છે, જ્યારે અન્ય નક્સલવાદીઓની ઓળખ અહેવાલ લખાતી વેળાએ થઈ શકી નહોતી. સુરક્ષાદળોની આ કાર્યવાહી નક્સલવાદ સામેની લડાઈમાં એક મોટી અને ઐતિહાસિક સફળતા તરીકે જોવામાં આવી રહી છે, જે દેશમાં શાંતિ અને વિકાસ માટે મહત્વપૂર્ણ પગલું સાબિત થઈ શકે છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel