બેંગ્લુરુના કેમ્પેગૌડા ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એક ગંભીર અને શરમજનક ઘટના સામે આવી છે, જેમાં એક વિદેશી મહિલાની છેડતી કરવામાં આવી હોવાનો આરોપ નોંધાયો છે. આ મામલામાં એર ઇન્ડિયા એસએટીએસના ગ્રાઉન્ડ સ્ટાફકર્મી મોહમ્મદ અફ્ફાનની કોરિયન નાગરિક મહિલાની છેડતી કરવાના આરોપમાં એરપોર્ટ પોલીસે ધરપકડ કરી છે. આરોપ છે કે અફ્ફાને મહિલાને ફ્લાઇટ ચૂકી જવાનો ડર બતાવી અને ચેક-ઇન સામાનમાં ગડબડ હોવાનું બહાનું બનાવી એકાંત સ્થળે લઈ ગયો અને ત્યાં તેની સાથે અયોગ્ય વર્તન કર્યું. ઘટનાની ગંભીરતા જોતા એરપોર્ટ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ઝડપથી કાર્યવાહી કરી આરોપીની ધરપકડ કરી લીધી છે, જ્યારે કંપનીએ પણ તાત્કાલિક અસરથી તેને નોકરીમાંથી બરતરફ કરી દીધો છે.
કોરિયન મહિલાએ પોલીસને આપેલી ફરિયાદમાં જણાવ્યું છે કે સોમવાર, 19 જાન્યુઆરીના રોજ તે કોરિયા જતી ફ્લાઇટમાં સવાર થવા માટે કેમ્પેગૌડા ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચી હતી. ઇમિગ્રેશન પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ તે ટર્મિનલ તરફ જઈ રહી હતી ત્યારે મોહમ્મદ અફ્ફાન નામના ગ્રાઉન્ડ સ્ટાફકર્મીએ તેની પાસે આવી ફ્લાઇટ ટિકિટ બતાવવા માટે કહ્યું. બાદમાં તેણે દાવો કર્યો કે તેના ચેક-ઇન સામાનમાંથી બીપનો અવાજ આવી રહ્યો છે અને તેમાં કોઈ તકનિકી ખામી હોવાનું કહી તેને ગેરમાર્ગે દોરી. અફ્ફાને મહિલાને જણાવ્યું કે જો તે ફરી નિયમિત સ્ક્રીનિંગ કાઉન્ટર પર જશે તો સમય લાગશે અને તે પોતાની ફ્લાઇટ ચૂકી જશે, તેથી અલગથી તપાસ કરવી જરૂરી છે.
આ બહાને અફ્ફાને મહિલાને પુરુષોના વોશરૂમ પાસે આવેલા એકાંત વિસ્તારમાં લઈ ગયો. મહિલાએ આ વાતનો વિરોધ કર્યો હોવા છતાં આરોપીએ કથિત રીતે તેને અયોગ્ય રીતે સ્પર્શ કર્યો. ફરિયાદ અનુસાર, જ્યારે મહિલાએ વધુ વિરોધ કર્યો ત્યારે અફ્ફાને તેને ગળે લગાવી અને ત્યાંથી ચાલ્યો ગયો. આ ઘટનાથી ગભરાયેલી અને વ્યથિત થયેલી મહિલાએ તરત જ એરપોર્ટ સુરક્ષા કર્મચારીઓને સમગ્ર ઘટનાની જાણ કરી હતી.
મહિલાની ફરિયાદ બાદ એરપોર્ટ પોલીસે તરત જ તપાસ શરૂ કરી અને સીસીટીવી ફૂટેજ તપાસતા આરોપીની હરકતો સ્પષ્ટ રીતે દેખાઈ આવી. પુરાવાના આધારે પોલીસે મોહમ્મદ અફ્ફાનને કસ્ટડીમાં લઈ આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે. બીજી તરફ, એર ઇન્ડિયા એસએટીએસએ આ ઘટનાને ‘અક્ષમ્ય’ ગણાવીને સ્પષ્ટ કર્યું છે કે આરોપીને તાત્કાલિક અસરથી નોકરીમાંથી બરતરફ કરવામાં આવ્યો છે. કંપનીએ આ ઘટનાથી મુસાફરને થયેલી માનસિક વેદના બદલ દુઃખ વ્યક્ત કર્યું છે અને પીડિતાને શક્ય તમામ સહાય પૂરી પાડવાની ખાતરી પણ આપી છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel