કેન્દ્રીય માહિતી અને પ્રસારણ તથા રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે એકતાનગર ખાતે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે કહ્યું કે, સરદાર પટેલે દેશને એક નવું, સમૃદ્ધ અને સશક્ત ભારત બનાવવાનું સ્વપ્ન આપ્યું હતું અને હવે ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવું આજની પેઢીની જવાબદારી છે.
એકતાનગર ખાતે આયોજિત રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહમાં ભાગ લેવા પહોંચેલા કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત દરમિયાન સરદાર વલ્લભભાઈ પટેલના રાષ્ટ્ર નિર્માણ અને દેશના એકીકરણમાં આપેલા યોગદાનને યાદ કર્યું હતું.
સરદાર પટેલને પુષ્પાંજલિ અર્પણ કરી
અશ્વિની વૈષ્ણવે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ત્યારબાદ તેમણે સ્ટેચ્યુ ઓફ યુનિટીની વ્યૂઇંગ ગેલેરીની મુલાકાત લીધી હતી.
વ્યૂઇંગ ગેલેરી પરથી તેમણે નર્મદા નદી, સાતપુડા અને વિંધ્યાચલની ગિરિમાળાઓ તેમજ સરદાર સરોવર નર્મદા ડેમના મનોહર દૃશ્યો નિહાળ્યા હતા.
આ દરમિયાન કેન્દ્રીય મંત્રીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી અને એકતાનગર ખાતે વિકસાવવામાં આવેલા વિવિધ પ્રવાસન સ્થળો, તેમના વ્યવસ્થાપન તેમજ પ્રવાસીઓ માટે ઉપલબ્ધ સુવિધાઓ અંગે પણ માહિતી મેળવી હતી.
‘આજના ભારતનું રાજકીય સ્વરૂપ સરદાર સાહેબના પ્રયાસોનું પરિણામ’
સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત બાદ અશ્વિની વૈષ્ણવે નોંધપોથીમાં પોતાના પ્રતિભાવ નોંધાવ્યા હતા. તેમણે જણાવ્યું કે, “આજે ભારતનું જે રાજકીય સ્વરૂપ છે તે સરદાર સાહેબના પ્રયાસોના કારણે છે. લોખંડી પુરુષના અથાક પરિશ્રમ, દૂરંદેશી વિચાર અને નિર્ણાયક નીતિઓના કારણે વર્ષ 1947માં તમામ અંતરાયો પાર કરી શકાયા હતા.”
તેમણે વધુમાં જણાવ્યું કે, “હજારો વર્ષોની આપણી સભ્યતામાં જે વિકાર આવ્યો હતો તેને દૂર કરીને એક નવું સમૃદ્ધ ભારત અને સશક્ત ભારત બનાવવાનું સ્વપ્ન સરદાર સાહેબે આપણને આપ્યું હતું.”
‘વિકસિત ભારત બનાવવું આજની પેઢીની જવાબદારી’
અશ્વિની વૈષ્ણવે સરદાર પટેલના વિચારોને ‘વિકસિત ભારત’ના સંકલ્પ સાથે જોડતાં કહ્યું કે, “આજની પેઢીનું દાયિત્વ છે કે આપણે ભારતને વિકસિત ભારત બનાવીએ. આ જવાબદારીની શીખ સાથે સરદાર સાહેબને શત-શત વંદન.”
તેમણે સરદાર પટેલની દૂરંદેશી, નિર્ણાયક નેતૃત્વ અને દેશના એકીકરણ માટે કરેલા પ્રયાસોને યાદ કરીને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
એકતાનગરના પ્રવાસન પ્રકલ્પોની મેળવી માહિતી
મુલાકાત દરમિયાન સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળના ચેરમેન તેમજ નર્મદા નિગમના અધ્યક્ષ અને વહીવટી સંચાલક મુકેશ પૂરીએ કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવને એકતાનગરના વિવિધ પ્રવાસન પ્રકલ્પો અને અહીં ઉપલબ્ધ સુવિધાઓ અંગે માહિતી આપી હતી.
મુકેશ પૂરીએ અશ્વિની વૈષ્ણવને સ્મૃતિચિહ્ન અને ફોટોગ્રાફ અર્પણ કરીને તેમનું સન્માન પણ કર્યું હતું.
આ પ્રસંગે સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુખ્ય કારોબારી અધિકારી અમિત અરોરા, નાયબ વન સંરક્ષક પ્રસાદ રવિ રાધાકૃષ્ણ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહ માટે એકતાનગર પહોંચેલા અશ્વિની વૈષ્ણવની સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત દરમિયાન સરદાર પટેલના રાષ્ટ્ર નિર્માણના સંકલ્પથી લઈને ‘વિકસિત ભારત’ સુધીનો સંદેશ કેન્દ્રસ્થાને રહ્યો હતો.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel