સમાજવાદી પાર્ટીના વડા નેતા આઝમ ખાને બે મહિના પહેલાં જ સીતાપુર જેલમાંથી જામીન પર બહાર આવી થોડો સમય સ્વતંત્રતાનો સ્વાસ લીધા બાદ ફરીથી જેલવાસની શરૂઆત કરવી પડી છે. રામપુરની ખાસ એમપી-એમએલએ મેજિસ્ટ્રેટ કોર્ટે ચૂંટણીમાં છેતરપિંડીના કેસમાં આઝમ ખાન અને તેમના પુત્ર અબ્દુલ્લા આઝમ – બંનેને સાત વર્ષના કેદ અને રૂ. 50,000ના દંડની સજા ફટકારી છે. અદાલતે જણાવ્યું કે અબ્દુલ્લાની વાસ્તવિક ઉંમર છુપાવવા હેતુપૂર્વક બે પાન કાર્ડ બનાવવામાં આવ્યા હતા જેથી તેઓ 2017ની સ્વાર (ટાંડા) બેઠક પરથી ચૂંટણી લડી શકે.
અબ્દુલ્લાના હાઈસ્કૂલ સર્ટિફિકેટ તથા મૂળ પાન કાર્ડમાં જન્મ તારીખ 1 જાન્યુઆરી 1993 દર્શાતી હતી, જેના આધારે તે સમયે તેઓ 25 વર્ષના નહોતા અને ચૂંટણી લડવાની વયમર્યાદા પૂર્ણ કરતા નહોતા. આ અયોગ્યતા છુપાવવા પિતા-પુત્રે મળીને બીજું પાન કાર્ડ તૈયાર કરાવ્યું, જેમાં જન્મ તારીખ 30 સપ્ટેમ્બર 1990 દર્શાવી, અને નામાંકન પત્ર સાથેની બેંક પાસબુકમાં હાથથી પાન કાર્ડ નંબર બદલ્યો હતો. BJPના તે સમયના અને હાલના શહેર ધારાસભ્ય આકાશ સક્સેનાની ફરિયાદ પરથી 16 ડિસેમ્બર 2019ના રોજ સિવિલ લાઇન્સ પોલીસ સ્ટેશનમાં IPCની કલમ 467, 468, 420, 471 અને 120બી હેઠળ ગુનો નોંધાયો હતો.
સજા સાંભળ્યા બાદ અદાલતે બંનેને તાત્કાલિક કસ્ટડીમાં લઇ રામપુર જેલમાં મોકલ્યા, જ્યાં તેમને બેરેક નંબર–1માં રાખવામાં આવ્યા છે. આ બેરેક સામાન્ય રીતે લાંબી સજા ભોગવતા કેદીઓ માટે અને સીસીટીવી દેખરેખ હેઠળ હોય છે. આઝમ ખાનની વધતી ઉંમર અને બીમારીને ધ્યાનમાં લઇ કોર્ટના આદેશથી પિતા-પુત્રને સાથે જ રાખવામાં આવ્યા છે. જેલમાં દાખલ થતાં આઝમ ખાને માત્ર એટલું જ કહ્યું કે, “કોર્ટે મને દોષિત માની જેલ મોકલ્યો છે,” પરંતુ તેમના શબ્દોમાં કોઈ પસ્તાવાનો ભાવ જોવા મળ્યો નથી. મહત્વપૂર્ણ છે કે આઝમ પરિવારને આ પહેલાં બે જન્મ પ્રમાણપત્ર બનાવવાના કેસમાં પણ 18 ઑક્ટોબર 2023ના રોજ સાત વર્ષની સજા થઇ ચુકી છે, જેમાં આઝમ, અબ્દુલ્લા અને પત્ની ડો. તન્ઝીન ફાતિમા દોષિત ઠર્યા હતા અને કેસમાં તેઓ હાલ હાઇકોર્ટમાંથી જામીન પર છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel