કર્ણાટકના ઉત્તર કન્નડ જિલ્લાના કારવાર વિસ્તારમાં એક દરિયાઈ પક્ષી (સીગલ) મળી આવતા સુરક્ષા એજન્સીઓ એલર્ટ પર આવી ગઈ છે. આ પક્ષીના શરીર પર ચીની બનાવટનું GPS ટ્રેકિંગ ડિવાઈસ લગાવેલું હોવાનું સામે આવતા સમગ્ર ઘટનાને સંવેદનશીલ માનવામાં આવી રહી છે, કારણ કે કારવાર વિસ્તાર ભારતીય નૌસેનાના વ્યૂહાત્મક રીતે મહત્વના INS કદમ્બા નૌસેનિક મથકની નજીક આવેલો છે.
થિમ્મક્કા ગાર્ડન પાસે દરિયાકિનારે સ્થાનિક લોકોએ આ સીગલ જોયું હતું, જેના શરીર પર કોઈ અજાણી વસ્તુ બાંધેલી દેખાતા તેમને શંકા ગઈ. સ્થાનિકોએ તરત જ વન વિભાગની મરીન વિંગને જાણ કરી હતી. વન વિભાગના અધિકારીઓએ પક્ષીને પકડી તપાસ કરતા તેના શરીર પરથી GPS ટ્રેકર મળી આવ્યું. પ્રાથમિક તપાસમાં ટ્રેકર પર કેટલાક કોડ અને ચિહ્નો જોવા મળ્યા છે, જે ચીનની ‘ચાઈનીઝ એકેડમી ઓફ સાયન્સ’ હેઠળની ‘રિસર્ચ સેન્ટર ફોર ઈકો-એન્વાયરમેન્ટલ સાયન્સ’ સંસ્થા જોડાયેલા હોવાનું જણાયું છે.
આ સંસ્થા સામાન્ય રીતે પક્ષીઓના સ્થળાંતર, તેમની ગતિ, રહેણાંક અને પર્યાવરણ સંબંધિત અભ્યાસ માટે આવા ટ્રેકિંગ ઉપકરણો વાપરે છે. પોલીસ અને વન વિભાગના અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે હાલ સુધી જાસૂસી અથવા સુરક્ષા ભંગના કોઈ સીધા પુરાવા મળ્યા નથી અને શક્ય છે કે આ ઘટના વૈજ્ઞાનિક સંશોધનનો જ ભાગ હોય. તેમ છતાં, નૌસેનિક મથકની નજીક આ પ્રકારની ઘટના બનતા સુરક્ષા એજન્સીઓ કોઈ જોખમ લેવા માંગતી નથી અને સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે.
નોંધનીય છે કે કારવાર વિસ્તારમાં અગાઉ પણ આવી ઘટના બની ચૂકી છે, જ્યાં બૈતકોલ બંદર નજીક એક વૉર ઈગલમાંથી ટ્રેકિંગ ડિવાઈસ મળ્યું હતું, જે બાદમાં વન્યજીવ સંશોધન સાથે જોડાયેલું હોવાનું બહાર આવ્યું હતું. હાલ આ સીગલને મરીન ફોરેસ્ટ ઓફિસમાં દેખરેખ હેઠળ રાખવામાં આવ્યો છે અને ભારતીય અધિકારીઓ હવે ચીની સંશોધન સંસ્થાનો સંપર્ક કરીને આ પ્રોજેક્ટની સંપૂર્ણ માહિતી મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel