સંસદનું બજેટ સત્ર 2026 માટે 28 જાન્યુઆરીથી શરૂ થશે અને 2 એપ્રિલ સુધી ચાલશે, જેને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મંજૂરી આપી દીધી છે. આ સત્ર બે તબક્કામાં યોજાશે. પ્રથમ તબક્કો 28 જાન્યુઆરીથી શરૂ થઈ 13 ફેબ્રુઆરી સુધી ચાલશે, જ્યારે બીજો તબક્કો 9 માર્ચથી શરૂ થઈ 2 એપ્રિલે પૂર્ણ થશે.
સત્રના પ્રથમ દિવસે, એટલે કે 28 જાન્યુઆરીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠકને પરંપરાગત અભિભાષણ આપશે, જે વર્ષના પ્રથમ સત્રની શરૂઆતનું મહત્વપૂર્ણ પ્રતીક ગણાય છે. ત્યારબાદ 29 જાન્યુઆરીએ આર્થિક સર્વે રજૂ કરવામાં આવશે, જો કે તે દિવસે બીટિંગ રિટ્રીટ સમારોહ હોવાના કારણે બંને ગૃહોની બેઠક નહીં થાય. સંસદ 30 જાન્યુઆરીએ મળશે, જ્યારે આર્થિક સર્વે સત્તાવાર રીતે ગૃહમાં મુકવામાં આવશે, જ્યારે 31 જાન્યુઆરીએ લોકસભા અને રાજ્યસભાની બેઠક નહીં યોજાય.
આ પછી 1 ફેબ્રુઆરી, રવિવારના રોજ કેન્દ્રીય બજેટ રજૂ કરવામાં આવશે, જે પોતે જ એક વિશેષ બાબત છે કારણ કે પરંપરાગત રીતે બજેટ કામકાજના દિવસે રજૂ થતું આવ્યું છે. રાષ્ટ્રપતિના સંબોધન અને બજેટ પર આભાર પ્રસ્તાવ અંગે ચર્ચા બાદ સંસદ 13 ફેબ્રુઆરીએ લગભગ એક મહિનાના વિરામ માટે સ્થગિત થશે અને 9 માર્ચે ફરી શરૂ થશે.
બીજો તબક્કો 2 એપ્રિલે પૂર્ણ થવાની શક્યતા છે, કારણ કે 3 એપ્રિલે ગુડ ફ્રાઈડે અને ત્યારબાદ સપ્તાહાંત આવતો હોવાથી સત્ર એક દિવસ અગાઉ સમાપ્ત થઈ શકે છે. આ વખતનું બજેટ અનેક રીતે ખાસ માનવામાં આવી રહ્યું છે. એક તરફ તે રવિવારે રજૂ થશે અને બીજી તરફ પહેલીવાર એવું બની રહ્યું છે કે નાણા મંત્રાલયમાં કોઈ નાણા સચિવ હાજર નથી, છતાં બજેટની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે.
સામાન્ય રીતે નાણા સચિવ મંત્રાલયના સૌથી વરિષ્ઠ અધિકારી હોય છે, જે વિભાગો વચ્ચે સંકલન, મહત્વપૂર્ણ બજેટ નિર્ણયો પર દેખરેખ અને સમગ્ર પ્રક્રિયાનું માર્ગદર્શન આપવાની મુખ્ય ભૂમિકા ભજવે છે. તેમ છતાં, આ અસાધારણ પરિસ્થિતિમાં પણ બજેટ પ્રક્રિયા આગળ વધતી રહેવી સરકારના તંત્રની કાર્યક્ષમતાનું પ્રતિબિંબ માનવામાં આવી રહી છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel