ગુજરાત પોલીસ ભરતી બોર્ડ (GPRB) દ્વારા લાંબા સમયથી રાહ જોવાતી પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) અને લોકરક્ષક દળ (LRD) ભરતી અંગે મહત્વની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યમાં વર્ગ-3 સંવર્ગની કુલ 13,591 જગ્યાઓ માટે યોજાનારી આ ભરતી પ્રક્રિયા અંતર્ગત શારીરિક કસોટી આગામી 21 જાન્યુઆરી 2026થી શરૂ થશે. GPRB/202526/1 જાહેરાત અનુસાર PSI અને લોકરક્ષક કેડરની શારીરિક કસોટી માટે પાત્ર ઉમેદવારો પોતાનું કોલલેટર 12 જાન્યુઆરી 2026ના રોજ બપોરે 2 વાગ્યેથી ડાઉનલોડ કરી શકશે. લાખો ઉમેદવારો દ્વારા અરજી કરાયેલી આ ભરતીમાં શારીરિક કસોટી પ્રથમ અને સૌથી મહત્વપૂર્ણ તબક્કો ગણાય છે, જેમાં દોડ અને અન્ય શારીરિક માપદંડોમાં સફળ થનાર ઉમેદવારોને જ આગળની લેખિત પરીક્ષા માટે પાત્રતા મળશે.
જાહેરાત ક્રમાંકઃ GPRB/202526/1 અન્વયે પો.સ.ઇ. અને લોકરક્ષક કેડરની શારીરિક કસોટી તા.૨૧/૦૧/૨૦૨૬ના રોજ શરૂ થનાર છે. જે માટે કોલલેટર તા.૧૨/૦૧/૨૦૨૬ના રોજ કલાક ૧૪:૦૦ થી Ojas વેબસાઇટ https://t.co/ls6sIxSuOY ઉપરથી ડાઉનલોડ કરી શકાશે.
— Gujarat Police Recruitment Board Official (@GPRB_GNR) January 10, 2026
ભરતી બોર્ડે ઉમેદવારોને સૂચના આપી છે કે તેઓ સમયસર કોલલેટર ડાઉનલોડ કરી તેમાં દર્શાવેલા પરીક્ષા સ્થળ, તારીખ અને સમય મુજબ હાજર રહે. પરીક્ષા કેન્દ્ર પર કોલલેટરની પ્રિન્ટ નકલ સાથે જરૂરી તમામ ઓરિજિનલ દસ્તાવેજો લાવવાનું ફરજિયાત રહેશે. કોલલેટર ડાઉનલોડ કરવા માટે ઉમેદવારોને ઓજસની સત્તાવાર વેબસાઇટ ojas.gujarat.gov.in પર જવું પડશે.
પારદર્શકતા જળવાઈ રહે તે માટે શારીરિક કસોટી દરમિયાન દોડની સમય નોંધણી માટે RFID ચીપનો ઉપયોગ કરવામાં આવશે અને સમગ્ર પ્રક્રિયા સીસીટીવી કેમેરા તેમજ ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ યોજાશે. ભરતી બોર્ડે ઉમેદવારોને સોશિયલ મીડિયામાં ફેલાતી અફવાઓથી દૂર રહેવા અને માત્ર સત્તાવાર વેબસાઇટ પર પ્રસિદ્ધ માહિતી પર જ વિશ્વાસ રાખવા અપીલ કરી છે. શારીરિક કસોટીમાં સફળ ઉમેદવારોને જ આગળની લેખિત પરીક્ષા માટે લાયક ગણવામાં આવશે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel