દિલ્હીના તત્કાલીન મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના સરકારી નિવાસસ્થાનના રિનોવેશન મામલે ફરી એકવાર વિવાદ ઉછળ્યો છે. ‘શીશમહેલ’ તરીકે ઓળખાતા આ બંગલાના નવીનીકરણ પર થયેલા ખર્ચ અંગે CAGના રિપોર્ટમાં ચોંકાવનારા ખુલાસા થયા છે.
સોમવારે (23 માર્ચ) દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ વિધાનસભામાં CAGનો આ રિપોર્ટ રજૂ કર્યો હતો. રિપોર્ટ અનુસાર બંગલાના રિનોવેશન પાછળ કુલ ₹33.66 કરોડનો ખર્ચ થયો હતો, જે શરૂઆતના અંદાજ કરતાં આશરે 342% વધુ હતો.
ઝાકઝમાળ પાછળ જ ₹18.8 કરોડનો ખર્ચ
CAGના રિપોર્ટમાં જણાવાયું છે કે કુલ ખર્ચમાંથી ₹18.8 કરોડ માત્ર બંગલાની સુશોભના અને વૈભવી સુવિધાઓ માટે ખર્ચવામાં આવ્યા હતા. કોરોના મહામારી દરમિયાન પણ આ કામને ‘અર્જન્ટ’ ગણાવીને PWD દ્વારા ફંડ મંજૂર કરવામાં આવ્યા હતા.
શરૂઆતમાં આ પ્રોજેક્ટ માટે ₹8.62 કરોડનો અંદાજિત ખર્ચ નક્કી કરવામાં આવ્યો હતો, જેમાં 13.21%નો વધારો પણ કરવામાં આવ્યો હતો. છતાં, કામ પૂર્ણ થતાં કુલ ખર્ચ ₹33.66 કરોડ સુધી પહોંચી ગયો હતો.
પ્રશાસનિક ગેરરીતિઓ પણ સામે આવી
CAGના રિપોર્ટમાં અનેક ગેરરીતિઓનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. રિપોર્ટ મુજબ ₹9.34 કરોડની રકમ કામ પૂર્ણ થયા પછી બે મહિના બાદ મંજૂર કરવામાં આવી હતી, જે પ્રક્રિયાત્મક નિયમોના ઉલ્લંઘન તરફ ઈશારો કરે છે.
આ સિવાય બંગલાનું બિલ્ટ-અપ એરિયા 1397 સ્ક્વેર મીટરથી વધારીને 1905 સ્ક્વેર મીટર કરવામાં આવ્યું હતું, જે 36%નો વધારો દર્શાવે છે. આ વધારો વધારાના ખર્ચને સમર્થન આપવા માટે કરવામાં આવ્યો હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે.
ફંડ ડાયવર્ઝન અને પ્રોજેક્ટમાં ફેરફાર
ઓડિટમાં વધુ એક મોટો ખુલાસો એ થયો કે સ્ટાફ બ્લોક અને કેમ્પ ઓફિસ માટે ફાળવાયેલા ₹19.87 કરોડમાંથી મોટી રકમ અન્ય કામોમાં વાપરવામાં આવી હતી. મૂળ પ્રોજેક્ટ હેઠળ સ્ટાફ બ્લોક બનાવવાનો હતો, પરંતુ તેનો નિર્માણ કરવામાં આવ્યો નહોતો. તેના બદલે અન્ય જગ્યાએ સાત સર્વન્ટ ક્વાર્ટર બનાવવામાં આવ્યા હતા.
સાથે જ કેમ્પ ઓફિસને પરમેનન્ટ સ્ટ્રક્ચર બદલે સેમી-પરમેનન્ટ બનાવી દેવામાં આવી હતી અને તેમાં પણ માત્ર રો સ્ટ્રક્ચર જ પૂર્ણ થઈ શક્યું હતું.
CAGના આ રિપોર્ટ બાદ ‘શીશમહેલ’ વિવાદ ફરી તીવ્ર બન્યો છે. કોરોના મહામારી દરમિયાન થયેલા આ ખર્ચ અને પ્રશાસનિક ગેરરીતિઓને લઈને રાજકીય ચર્ચાઓ તેજ થઈ શકે છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel