તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક યુવતીનો વીડિયો વાયરલ થયો છે, જેમાં તેણે પદયાત્રા દરમિયાન થયેલી હેરાનગતિ અંગે ગંભીર આક્ષેપો કર્યા છે. યુવતી વલસાડથી પાવાગઢ મંદિર સુધી પદયાત્રા કરી રહી હતી ત્યારે આ ઘટના બની હોવાનું તેણે વીડિયોમાં જણાવ્યું છે.
મળતી માહિતી મુજબ, યુવતી 9 માર્ચે વલસાડથી નીકળી હતી અને પદયાત્રા કરીને પાવાગઢ માતાજીના દર્શન કરવા જઈ રહી હતી. તે પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ દ્વારા દરરોજ યાત્રાના અનુભવ શેર કરતી હતી. 23 માર્ચના રોજ તેણે એક વીડિયો પોસ્ટ કરીને જણાવ્યું કે કેટલાક યુવકો તેને પરેશાન કરી રહ્યા હતા.
વિડિયોમાં યુવતી કહે છે કે પાવાગઢ પહોંચવા માટે હજુ આશરે 6 કિલોમીટરનું અંતર બાકી હતું ત્યારે અમુક યુવકો બાઈક પર ઝડપથી આવ-જા કરીને તેને ડરાવી રહ્યા હતા. તેણીએ વધુમાં આક્ષેપ કર્યો કે તેની સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો અને તેને ઇજા પણ પહોંચી હતી. યુવતીએ વીડિયોમાં કહ્યું કે, “મદદ ન કરી શકો તો વાંધો નથી, પણ કોઈને નુકસાન પહોંચાડવું યોગ્ય નથી.”
આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતા મામલો ગંભીર બન્યો હતો. ત્યારબાદ પંચમહાલ પોલીસએ આ ઘટનાનો સંજ્ઞાન લીધો હતો.
પોલીસ દ્વારા X (ટ્વિટર) પર માહિતી આપવામાં આવી હતી કે મામલો સામે આવતાં જ સ્થળની ચકાસણી કરવામાં આવી હતી. પોલીસે યુવતીનો સંપર્ક કરીને તેને સત્તાવાર ફરિયાદ નોંધાવવા માટે પણ જણાવ્યું હતું. જોકે માહિતી મુજબ યુવતી પોતાની પદયાત્રા પૂર્ણ કરીને ઘરે પરત ફરી ચૂકી છે.
હાલ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે અને ઘટનાની સાચી હકીકત જાણવા માટે જરૂરી કાર્યવાહી કરવામાં આવી રહી છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel