ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમાર 10 અને 11 સપ્ટેમ્બર 2026ના રોજ બે દિવસીય ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. આ મુલાકાત દરમિયાન તેઓ રાજ્યમાં ચૂંટણી સંચાલન, મતદાતા જાગૃતિ, ચૂંટણી પ્રક્રિયામાં ટેક્નોલોજીના ઉપયોગ અને યુવા મતદાતાઓની ભાગીદારી વધારવા માટે આયોજિત વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે.
CEC જ્ઞાનેશ કુમાર પોતાના ગુજરાત પ્રવાસની શરૂઆત 10 સપ્ટેમ્બરે અમદાવાદના ઐતિહાસિક સાબરમતી આશ્રમથી કરશે. અહીં તેઓ મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરીને આશ્રમ પરિસરની મુલાકાત લેશે. ત્યારબાદ તેઓ ગુજરાતની ઐતિહાસિક સ્થાપત્ય વિરાસતનું પ્રતીક ગણાતી અડાલજની વાવની પણ મુલાકાત લેશે.
AMA ખાતે પ્રબુદ્ધ નાગરિકો સાથે ચૂંટણી વ્યવસ્થા પર સંવાદ
પ્રવાસના પ્રથમ દિવસે સાંજે જ્ઞાનેશ કુમાર અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (AMA) ખાતે યોજાનારા વિશેષ કાર્યક્રમમાં પ્રબુદ્ધ નાગરિકો સાથે સંવાદ કરશે. આ કાર્યક્રમમાં ‘Conducting Elections in India: The Largest Democracy in the World’ વિષય પર ચર્ચા કરવામાં આવશે.
ભારત જેવા વિશાળ અને વૈવિધ્યસભર લોકશાહી દેશમાં ચૂંટણીના આયોજન, મતદાતાઓની ભાગીદારી, પારદર્શિતા અને ચૂંટણી વ્યવસ્થાપન જેવા મુદ્દાઓ અંગે આ કાર્યક્રમ દરમિયાન વિચારવિમર્શ થશે.
500 જેટલા BLO સાથે વિશેષ બેઠક
પ્રવાસના બીજા દિવસે એટલે કે 11 સપ્ટેમ્બરે મુખ્ય ચૂંટણી કમિશનર ગુજરાતભરના આશરે 500 Booth Level Officers (BLO) સાથે વિશેષ સંવાદ કરશે. આ કાર્યક્રમ અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી કેમ્પસના ATAL KALAM Hall ખાતે યોજાવાનો છે.
BLO મતદાર યાદીની ચોકસાઈ, નવા મતદાતાઓની નોંધણી અને મતદાતા સંબંધિત માહિતીના સ્થાનિક સ્તરના સંચાલનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. બેઠક દરમિયાન તેમની કામગીરી અને ચૂંટણી પ્રક્રિયામાં તેમની ભૂમિકા સંબંધિત વિવિધ મુદ્દાઓ પર માર્ગદર્શન આપવામાં આવશે.
1000થી વધુ Electoral Literacy Club સભ્યોને કરશે પ્રોત્સાહિત
CEC જ્ઞાનેશ કુમાર શેલા ખાતેના AUDA Auditoriumમાં 1,000થી વધુ Electoral Literacy Club (ELC) સભ્યો સાથે પણ સંવાદ કરશે. શાળા-કોલેજો અને શૈક્ષણિક સંસ્થાઓના યુવાનોમાં ચૂંટણી પ્રક્રિયા અને લોકશાહી અંગે જાગૃતિ વધારવામાં ELC મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
આ કાર્યક્રમ દરમિયાન તાજેતરમાં શરૂ કરવામાં આવેલા ELC 2.0ના વિઝન, મિશન અને મુખ્ય વિશેષતાઓ અંગે પ્રેઝન્ટેશન પણ આપવામાં આવશે. યુવાનોને મતદાર તરીકે પોતાની જવાબદારી સમજાવવા અને લોકશાહી પ્રક્રિયામાં સક્રિય ભાગીદારી માટે પ્રોત્સાહિત કરવા પર ખાસ ભાર રહેશે.
ECINET વિશે પણ આપવામાં આવશે માહિતી
કાર્યક્રમ દરમિયાન ચૂંટણી પંચના ECINET પ્લેટફોર્મ અંગે પણ માહિતી આપવામાં આવશે. ચૂંટણી પંચ મતદાર સેવાઓ અને ચૂંટણી સંબંધિત પ્રક્રિયાઓને ટેક્નોલોજીની મદદથી વધુ સરળ અને સુલભ બનાવવા માટે વિવિધ ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ કરી રહ્યું છે.
ભારતના ચૂંટણી પંચનો મતદાર શિક્ષણ કાર્યક્રમ પણ વધુ મતદાતા ભાગીદારી અને ચૂંટણી સાક્ષરતા વધારવા પર કેન્દ્રિત છે. ચૂંટણી પંચનું SVEEP અભિયાન મતદાર શિક્ષણ અને જાગૃતિ માટેનું મુખ્ય રાષ્ટ્રીય કાર્યક્રમ છે.
ચૂંટણી તંત્ર માટે મહત્વપૂર્ણ મુલાકાત
CEC જ્ઞાનેશ કુમારનો આ બે દિવસીય પ્રવાસ ગુજરાતના ચૂંટણી તંત્ર માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. BLOથી લઈને Electoral Literacy Clubના યુવા સભ્યો અને પ્રબુદ્ધ નાગરિકો સુધીના વિવિધ વર્ગો સાથે સીધા સંવાદ દ્વારા ચૂંટણી વ્યવસ્થાપન, મતદાર જાગૃતિ અને લોકશાહી પ્રક્રિયામાં ભાગીદારીને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરવામાં આવશે.
મુખ્ય ચૂંટણી કમિશનરની મુલાકાતને ધ્યાનમાં રાખીને ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારીની ટીમ અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા કાર્યક્રમોની તૈયારીઓ કરવામાં આવી છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
Like, Share and Subscribe our YouTube channel