ભારતીય સંરક્ષણ મંત્રાલયે દેશની સશસ્ત્ર દળોની લડાકુ ક્ષમતાઓને વધુ આધુનિક, અસરકારક અને ટેક્નોલોજીથી સજ્જ બનાવવા માટે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. મંત્રાલય દ્વારા કુલ ₹4,666 કરોડના બે મોટા સંરક્ષણ કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે, જેમાં ક્લોઝ ક્વાર્ટર બેટલ (CQB) કાર્બાઇન્સ અને અદ્યતન હેવીવેઇટ ટોર્પિડોઝની ખરીદીનો સમાવેશ થાય છે. આ કરારો ‘આત્મનિર્ભર ભારત’ અને ‘મેક ઇન ઇન્ડિયા’ અભિયાનને મજબૂતી આપતા ભારતીય સંરક્ષણ ક્ષેત્રમાં સ્વદેશી ઉત્પાદન, ટેક્નોલોજી વિકાસ અને ખાનગી ક્ષેત્રની ભાગીદારીને આગળ ધપાવશે. આ પગલાંથી ભારતીય સેના અને નૌકાદળની લડાઇ ક્ષમતાઓમાં નોંધપાત્ર વધારો થવાની અપેક્ષા છે.
CQB કાર્બાઇન્સ માટેનો પહેલો કરાર ₹2,770 કરોડનો છે, જે ભારત ફોર્જ લિમિટેડ અને પીએલઆર સિસ્ટમ્સ પ્રાઇવેટ લિમિટેડ જેવી સ્વદેશી ખાનગી કંપનીઓ સાથે કરવામાં આવ્યો છે. આ કરાર હેઠળ 4.25 લાખથી વધુ અદ્યતન CQB કાર્બાઇન્સ અને તેની સાથે જોડાયેલી વિવિધ એક્સેસરીઝની સપ્લાય કરવામાં આવશે. આ નવી કાર્બાઇન્સ ભારતીય સેના અને નૌકાદળમાં હાલ ઉપયોગમાં રહેલી જૂની 9mm કાર્બાઇન્સને બદલશે. કોમ્પેક્ટ અને હળવા વજનની ડિઝાઇન ધરાવતી આ કાર્બાઇન્સ ખાસ કરીને નજીકના અંતરના યુદ્ધ માટે તૈયાર કરવામાં આવી છે, જેમ કે શહેરી વિસ્તારોમાં આતંકવાદ વિરોધી કામગીરી, ઇમારતોમાં સર્ચ ઓપરેશન અને સીમિત જગ્યામાં થતી લડાઇ. આ હથિયારો સૈનિકોને વધુ ચોકસાઈ, ઝડપી પ્રતિભાવ અને વિશ્વકક્ષાની મોબાઇલિટી પૂરી પાડશે, જે આધુનિક યુદ્ધના બદલાતા સ્વરૂપ માટે અત્યંત મહત્વપૂર્ણ છે. સાથે જ આ કરાર સ્વદેશી ઉત્પાદનને પ્રોત્સાહન આપતો અને ખાનગી ક્ષેત્રની મજબૂત ભાગીદારી દર્શાવતો મહત્વનો ઉદાહરણ બની રહ્યો છે.
બીજો કરાર ₹1,896 કરોડનો છે, જે ઇટાલીની કંપની WASS સબમરીન સિસ્ટમ્સ S.R.L. સાથે કરવામાં આવ્યો છે. આ કરાર હેઠળ ભારતીય નૌકાદળ માટે 48 અદ્યતન હેવીવેઇટ “બ્લેક શાર્ક” ટોર્પિડોઝ તેમજ તેની સાથે સંબંધિત સાધનો અને સ્પેર પાર્ટ્સની ખરીદી કરવામાં આવશે. આ ટોર્પિડોઝ પ્રોજેક્ટ-75 અંતર્ગત નિર્મિત કલવરી ક્લાસ (સ્કોર્પીન ક્લાસ)ની છ ડીઝલ-ઇલેક્ટ્રિક સબમરીન્સમાં તૈનાત કરવામાં આવશે. બ્લેક શાર્ક ટોર્પિડો અત્યંત આધુનિક ક્ષમતાઓથી સજ્જ છે, જેમાં વાયર-ગાઇડેડ સિસ્ટમ, ઊંચી ઝડપ, લાંબી રેન્જ અને અદ્યતન ટાર્ગેટિંગ ટેક્નોલોજીનો સમાવેશ થાય છે. તે દુશ્મનની સબમરીન્સ તેમજ સપાટી પરના યુદ્ધજહાજોને અસરકારક રીતે નિશાન બનાવી શકે છે, જેના કારણે ભારતીય નૌકાદળની અન્ડરવોટર વોર્ફેર ક્ષમતા અને વ્યૂહાત્મક નિરોધક શક્તિમાં નોંધપાત્ર વધારો થશે. ટોર્પિડોઝની ડિલિવરી એપ્રિલ 2028થી શરૂ થઈને 2030ની શરૂઆત સુધી પૂર્ણ થવાની યોજના છે.
સંરક્ષણ મંત્રાલયના અધિકારીઓએ જણાવ્યું છે કે આ બંને કરારો સરકાર, સ્વદેશી ખાનગી ઉદ્યોગ અને આંતરરાષ્ટ્રીય કંપનીઓ વચ્ચેની મજબૂત ભાગીદારીનું પ્રતિબિંબ છે. આ કરારો માત્ર સશસ્ત્ર દળોની તાકાત વધારશે નહીં, પરંતુ દેશના સંરક્ષણ ઉદ્યોગને ટેક્નોલોજી, ઉત્પાદન ક્ષમતા અને રોજગારીના અવસરની દ્રષ્ટિએ પણ નવી દિશા આપશે. મંત્રાલય મુજબ વર્તમાન નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન સૈન્ય આધુનિકીકરણ માટે કુલ ₹1,82,492 કરોડના કેપિટલ કોન્ટ્રાક્ટ્સ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે, જે સરકારની સશસ્ત્ર દળોને ભવિષ્યની ચુનૌતિઓ માટે તૈયાર કરવાની દૃઢ પ્રતિબદ્ધતા દર્શાવે છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel