ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા ફેબ્રુઆરી–માર્ચ 2026માં યોજાનારી ધોરણ 10 અને 12 (વિજ્ઞાન, સામાન્ય પ્રવાહ સહિત)ની બોર્ડ પરીક્ષાઓ માટે ફોર્મ ભરવાની સમયમર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે. બોર્ડ દ્વારા જાહેર કરાયેલી નવી સૂચના અનુસાર હવે વિદ્યાર્થીઓ 24 ડિસેમ્બર 2025 સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકશે. અગાઉ જે વિદ્યાર્થીઓ કોઈ કારણસર ફોર્મ ભરી શક્યા ન હતા અથવા પ્રક્રિયા અધૂરી રહી ગઈ હતી, તેમના માટે આ મહત્વની રાહત ગણાઈ રહી છે.
બોર્ડે વધુમાં જણાવ્યું છે કે ફોર્મમાં કોઈપણ પ્રકારના સુધારા, માહિતીમાં ફેરફાર અથવા પ્રિન્સિપાલ દ્વારા એપ્રુવલ આપવાનું બાકી હોય તો તે તમામ કામગીરી પૂર્ણ કરવાની છેલ્લી તારીખ 26 ડિસેમ્બર 2025 નક્કી કરવામાં આવી છે. એટલે કે આ તારીખ સુધી શાળાઓ અને વિદ્યાર્થીઓ બંને ફોર્મ સંબંધિત તમામ સુધારા-વધારા કરી શકશે. આ ઉપરાંત, શાળાઓ દ્વારા ભરવાની બાકી રહેલી પરીક્ષા ફી 30 ડિસેમ્બર 2025 સુધીમાં જમા કરાવવાની રહેશે.
ગુજરાત શિક્ષણ બોર્ડ મુજબ, આ નિર્ણય વિદ્યાર્થીઓને વધુ તક આપવા અને તકનિકી કે વહીવટી કારણોસર રહેલી ખામીઓને દૂર કરવા માટે લેવામાં આવ્યો છે. ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાઓ માટેના ફોર્મ બોર્ડની સત્તાવાર વેબસાઇટ gsebeservice.com પરથી ઓનલાઈન ભરવાના રહેશે. બોર્ડે વિદ્યાર્થીઓ અને શાળાઓને અપીલ કરી છે કે નવી સમયમર્યાદા મુજબ સમયસર તમામ પ્રક્રિયા પૂર્ણ કરી લે, જેથી આગળ જઈને કોઈ મુશ્કેલી ન આવે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel