અમેરિકા અને કેનેડા વચ્ચેના સંબંધોમાં વધુ તણાવ સર્જાય તેવો એક મહત્વપૂર્ણ રાજકીય ઘટનાક્રમ સામે આવ્યો છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીને ‘બોર્ડ ઑફ પીસ’માં જોડાવા માટે આપવામાં આવેલું આમંત્રણ રદ કરી દીધું છે. આ નિર્ણય વર્લ્ડ ઇકોનોમિક ફોરમ (દાવોસ)માં કાર્નીના ભાષણ પછી લેવામાં આવ્યો, જેમાં તેમણે અમેરિકાના નેતૃત્વ હેઠળની વૈશ્વિક વ્યવસ્થાની ખુલ્લેઆમ ટીકા કરી હતી.
ટ્રમ્પે પોતાની સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ પર પોસ્ટ કરીને લખ્યું હતું કે, “પ્રિય પ્રધાનમંત્રી કાર્ની, આ પત્ર દ્વારા તમને જાણ કરવામાં આવે છે કે ‘બોર્ડ ઑફ પીસ’ તમને અત્યાર સુધીના સૌથી પ્રતિષ્ઠિત ગણાતા ‘બોર્ડ ઑફ લીડર્સ’માં જોડાવા માટે આપેલું આમંત્રણ હવે પાછું ખેંચી લેવામાં આવે છે.” કાર્નીએ પોતાના ભાષણમાં કહ્યું હતું કે દુનિયા હવે ‘રૂલ્સ-બેઝ્ડ ઓર્ડર’માંથી બહાર આવીને વિભાજન અથવા ‘રપ્ચર’ના તબક્કામાં પ્રવેશી રહી છે, જ્યાં મોટી શક્તિઓ આર્થિક એકીકરણ, વેપાર અને ટેરિફને ભૂ-રાજકીય હથિયાર તરીકે વાપરી રહી છે. તેમણે ઉમેર્યું હતું કે આવી પરિસ્થિતિમાં કેનેડા જેવી મધ્યમ શક્તિઓએ પોતાનું સ્વતંત્ર રક્ષણ અને હિતો પર ભાર મૂકવો જરૂરી છે.

કાર્નીના આ નિવેદન પર પ્રતિક્રિયા આપતા ટ્રમ્પે દાવોસમાં જ કહ્યું હતું કે, “કેનેડા અમેરિકાને કારણે જીવતું રહે છે, આ વાત યાદ રાખજો માર્ક.” આ નિવેદન બાદ કાર્નીએ ક્વિબેક સિટીમાં રાષ્ટ્રને સંબોધન કરતા સ્પષ્ટ શબ્દોમાં જવાબ આપ્યો હતો કે, “કેનેડા અમેરિકાને કારણે નથી જીવતું, કેનેડા કેનેડિયન હોવાને કારણે સમૃદ્ધ બને છે.” તેમણે બંને દેશો વચ્ચેની ‘અદ્ભુત અને લાંબા ગાળાની ભાગીદારી’ને સ્વીકારી હતી, પરંતુ સાથે જ કેનેડાની સ્વતંત્રતા અને આત્મસન્માન પર કોઈ સમજૂતી નહીં થાય એવો સ્પષ્ટ સંદેશ આપ્યો હતો. આ નિવેદનોના થોડા સમય બાદ જ ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર પોસ્ટ કરીને કાર્નીનું ‘બોર્ડ ઑફ પીસ’માં જોડાવાનું આમંત્રણ કેન્સલ કરી દીધું.
ઉલ્લેખનીય છે કે ‘બોર્ડ ઑફ પીસ’ ટ્રમ્પ દ્વારા શરૂ કરાયેલ એક આંતરરાષ્ટ્રીય પહેલ છે, જેનો મુખ્ય ઉદ્દેશ ગાઝામાં યુદ્ધવિરામને મજબૂત બનાવવાનો અને ત્યાંના પુનર્નિર્માણ કાર્યમાં મદદ કરવાનો છે. આ બોર્ડને સંયુક્ત રાષ્ટ્ર સાથે જોડાયેલું હોવાનું પણ માનવામાં આવે છે. આ સમગ્ર ઘટનાએ કેનેડા-અમેરિકા સંબંધોમાં પહેલેથી જ ચાલી રહેલા ટ્રેડ, ટેરિફ અને વૈશ્વિક વ્યવસ્થાને લઈનેના મતભેદોને વધુ ઊંડા બનાવ્યા છે. બીજી તરફ, કેનેડામાં માર્ક કાર્નીના ભાષણ અને તેમના વલણને વ્યાપક સમર્થન મળી રહ્યું છે, જે આ મુદ્દાને માત્ર રાજદ્વારી નહીં પરંતુ રાષ્ટ્રીય સ્વાભિમાન સાથે જોડાયેલો બનાવે છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel